૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. અનાદિથી રાગમાં રહેતો હતો તે હવે પોતાના ચૈતન્ય- સ્વરૂપમાં રહેતો થકો પ્રથમ મિથ્યાત્વના આસ્રવથી-દુઃખથી નિવૃત્ત થાય છે.
સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવો છે તે ક્રોધાદિ છે. ચાહે તો પુણ્યરૂપ શુભભાવ હોય તોપણ તે ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ છે. આ ક્રોધાદિ આસ્રવો સ્વરૂપના લક્ષે તેના અનુભવથી ક્ષય પામે છે. મિથ્યાત્વરૂપી આસ્રવથી નિવૃત્ત થવાનો આ એક જ ઉપાય છે, અને તે ધર્મ છે. ભાઈ! રાગથી છૂટું પડવું તે ધર્મ છે. ત્યાં રાગ (ધર્મનું) સાધન થાય એમ કેમ બની શકે? ન જ બની શકે. અહીં કહ્યું ને કે રાગના જે ચંચળ કલ્લોલો અનુભવતો હતો, તેનો નિરોધ કરીને જ્યાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય વિજ્ઞાનઘન-સ્વભાવમય વસ્તુમાં નિમગ્ન થયો, ત્યાં આસ્રવો ક્ષય પામે છે અને સ્વરૂપના આનંદનો આસ્વાદ પ્રાપ્ત થાય છે.
પ્રશ્નઃ- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા એ બધાં સાધન-ઉપાય છે કે નહિ?
ઉત્તરઃ– બીલકુલ નહિ. ભાઈ! એ રાગની ક્રિયાઓ તો બધી આસ્રવ છે. તેનો તો ક્ષય કરવાનો છે. તે સાધન થાય એમ કદીય બની શકે નહિ. પ્રભુ! આમ ને આમ (ખોટી માન્યતામાં) જીંદગી ચાલી જશે. છેવટે ડૂબકી સંસારમાં ઊંડે મારશે ત્યાં તને ભારે દુઃખ થશે. તેનાથી છૂટવાનો તો આ એક જ માર્ગ છે. ભાઈ! વસ્તુ જે જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છે તેમાં એકાગ્રતા કરી, તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું આ એક જ દુઃખના ક્ષયનો ઉપાય છે.
ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ પરમાત્મા છે. તેમાં દ્રષ્ટિ એકાકાર કરતાં તે આસ્રવોથી-દુઃખથી નિવર્તે છે. અહા! કોઈ પ્રતિકૂળ સંજોગો દુઃખરૂપ નથી પણ પુણ્ય-પાપના ભાવ તે દુઃખરૂપ છે, આકુળતામય છે. તેને મટાડવા ચાહે છે તો કહે છે કે-જ્યાં નિરાકુળ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા ને, એમાં લીન થા ને, એનો અનુભવ કર ને! તેથી તું દુઃખથી નિવૃત્ત થશે. કઠણ લાગે તોપણ માર્ગ તો આ જ છે. ભાઈ! બીજો રસ્તો લેવા જઈશ તો ભવ ચાલ્યો જશે અને ચોરાસીના અવતાર ઊભા રહેશે.
જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પના વમળને શમાવતો થકો આસ્રવોને છોડી દે છે. વમળ છોડે તો વહાણ છૂટે તેમ આ વિકલ્પ છોડે તો સ્થિર થાય એમ કહેવા માગે છે. આત્મા વિકલ્પોની જાળમાં ગુંચાઈ ગયો છે તેને છોડતો થકો તે આસ્રવોને છોડી દે છે. જ્યાં સ્વભાવ બાજુ ઢળ્યો અને એમાં ઠર્યો ત્યાં વિકલ્પો સહેજે છૂટી જાય છે અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. મિથ્યાત્વના આસ્રવથી છૂટવાની આ જ રીત છે.