સમયસાર ગાથા ૭૩ ] [ ૭૧
વ્યવહાર સાધક છે અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થશે એમ કોઈ કહે તો તે મિથ્યા છે. વળી નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એની ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મસ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે પરમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસ્રવથી-દુઃખથી નિવર્તે છે. આવી વાત છે.
પ્રશ્નઃ- વ્યવહાર આવે છે ને?
ઉત્તરઃ– જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતીને વ્યવહાર આવે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ-પૂજા ઇત્યાદિ તથા વ્યવહારરત્નત્રયના રાગનો વ્યવહાર તેને હોય છે. પરંતુ રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું એમ એને અંતરમાં નિશ્ચય થયેલો છે અને તે પ્રમાણે જે વ્યવહાર આવે છે તેનો સ્વામી થતો નથી. વ્યવહારનો સ્વામી થતો નથી પછી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? જેનાથી નિવર્તવું છું, જેને ટાળવા છે એને (નિવર્તવામાં) મદદ કરે એમ કેમ હોય શકે? ન જ હોઈ શકે. આવી જ વસ્તુસ્થિતિ છે અને આ જ માર્ગ છે. લ્યો, ૭૩ (ગાથા) પૂરી થઈ.