Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 845 of 4199

 

સમયસાર ગાથા ૭૪ ] [ ૭૩ એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે (અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ નથી).-આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર (ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન- સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે; તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક્ પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.

ભાવાર્થઃ– આસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે

જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તનો એક કાળ છે.

આ આસ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે.

‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે’ એટલે શું? તેનો ઉત્તરઃ– ‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.’ જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને-ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ-વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે.

હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ-