૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ કહે છે કે અમારા સ્વાનુભવમાં પ્રચુર આનંદની મુદ્રા છે, આનંદની છાપ છે. સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલો અનુભવ અનાકુળ આનંદની મહોર સહિત હોય છે.
સદાય નિરાકુળ સ્વભાવવાળો હોવાથી જીવ જ સુખરૂપ છે. ત્યારે કોઈ કહે આ તો એકાંત થઈ ગયું. કથંચિત્ સુખરૂપ અને કથંચિત્ દુઃખરૂપ-એમ કહો ને? ભાઈ! એ અનેકાન્તનું સ્વરૂપ નથી. આત્મા એકાન્ત સુખરૂપ છે અને દુઃખરૂપ બીલકુલ નથી એનું નામ અનેકાન્ત છે. ભાઈ! સુખના પંથે ચઢવું હોય તો સંયોગ અને સંયોગીભાવથી ખસી જા અને એકાન્ત સુખસ્વરૂપ આત્મામાં નિમગ્ન થઈ જા. અહાહા...! અનાકુળ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્ર થયો કે તરત જ દુઃખનો અભાવ થઈ સુખ પ્રગટ થાય છે. જે કાળે સુખ પ્રાપ્ત થાય છે તે જ કાળે દુઃખનો અભાવ થાય છે અને જે કાળે દુઃખનો અભાવ થાય છે તે જ કાળે સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિનો સમકાળ છે.
ત્યાં વળી કોઈ કહે છે કે ચારિત્ર તો ખાંડાની ધાર પર ચાલવા જેવું અને મીણના દાંત લોઢાના ચણા ચાવવા જેવું કઠણ (કષ્ટસાધ્ય) છે. ભાઈ! તું શું કહે છે? તને ચારિત્રના સ્વરૂપની ખબર નથી. ચારિત્ર તો દુઃખના અભાવરૂપ અતિ સુખદાયક આત્માનો પરિણામ છે. કષ્ટસાધ્ય છે એમ શાસ્ત્રમાં આવે છે ત્યાં કષ્ટનો અર્થ તો પુરુષાર્થ થાય છે. અંતરનો ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વભાવમાં ઢળી જા એમ ત્યાં આશય છે. મહા કષ્ટે એટલે મહા પુરુષાર્થ કરીને પણ શાતાશીળિયાપણું (પ્રમાદ) છોડી દે અને આત્મ-રમણતારૂપ આનંદદાયી ચારિત્ર સાધી લે-આમ પ્રબળ પુરુષાર્થની પ્રેરણાની એમાં વાત છે, પણ ચારિત્ર કષ્ટદાયી છે એમ વાત નથી. જુઓ પાંચ બોલ આવી ગયા.
૧. પુણ્ય-પાપના ભાવ ઘાતક છે અને આત્મા (પર્યાય) વધ્ય-ઘાત થવા યોગ્ય છે. ૨. પુણ્ય-પાપના ભાવ વધતા-ઘટતા છે તેથી અધ્રુવ છે, અને ભગવાન આત્મા ધ્રુવ છે.
૩. પુણ્ય-પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થાય છે માટે અનિત્ય છે, અને ભગવાન આત્મા એકરૂપ નિત્ય છે.
૪. રાગાદિભાવ નિમિત્તના લક્ષે થાય છે તેથી અશરણ છે, અને આનંદઘન પ્રભુ આત્મા શરણ છે.
પ. શુભાશુભ ભાવ દુઃખરૂપ છે, અને ભગવાન આત્મા સહજ સુખસ્વરૂપ છે, હવે છઠ્ઠો બોલ-
‘આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે.’ આ પુણ્ય-પાપના ભાવો આગામી કાળમાં આકુળતા ઉપજાવનારા છે. એટલે શું? કે આ પુણ્યના ભાવથી જે પુણ્ય બંધાયું તેના ફળરૂપે