સમયસાર ગાથા ૭૪ ] [ ૮પ આગામી કાળમાં સંયોગ મળશે. તે સંયોગ ઉપર લક્ષ જશે એટલે રાગ જ-દુઃખ જ થશે. જુઓ, વર્તમાન જે પુદ્ગલકર્મ બંધાય તેનો આસ્રવ હેતુ છે. અને તે પુદ્ગલ-પરિણામ ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન કરનાર છે. અહીં એમ લીધું છે કે શુભભાવ એ ભવિષ્યમાં દુઃખ આપનાર પુદ્ગલપરિણામનો હેતુ છે. ભાઈ! રાગની દિશા પર તરફ છે અને ધર્મની સ્વ તરફ. માટે શુભભાવ ધર્મનું સાધન થાય એમ હોઈ શકે જ નહિ.
અહાહા...! વર્તમાન શુભભાવ છે તે સ્વયં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામનો હેતુ હોવાથી દુઃખફળરૂપ છે. ગજબ વાત છે! વર્તમાન શુભભાવ છે તે રાગ છે અને તેથી દુઃખ છે અને ભવિષ્યના દુઃખફળરૂપ છે. સમકિતીને પણ જે રાગ-શુભભાવ આવે તે પુદ્ગલપરિણામના (પુણ્યના) બંધનું કારણ છે અને એ જે પુદ્ગલકર્મ બંધાયાં તે ભવિષ્યમાં દુઃખનું કારણ છે.
અશુભરાગ હોય તે વર્તમાન અશાતાવેદનીય આદિ પુદ્ગલપરિણામના બંધનો હેતુ છે અને તે પુદ્ગલપરિણામ ભવિષ્યમાં દુઃખનું કારણ થશે. શુભભાવ જે છે તેનાથી શાતા-વેદનીય આદિ પુદ્ગલપરિણામ બંધાશે. તેના ઉદયના નિમિત્તે ભવિષ્યમાં જે અનુકૂળ સામગ્રી મળશે તેના ઉપર લક્ષ જશે એટલે રાગ થશે, દુઃખ થશે; કેમકે રાગ સ્વરૂપથી જ દુઃખરૂપ છે.
પ્રશ્નઃ- શુભરાગને વ્યવહારે સાધક કહેવામાં આવેલો છે ને?
ઉત્તરઃ– હા, શુભરાગને વ્યવહારથી ઉપચાર કરીને સાધક કહેવામાં આવે છે પણ તે ઉપચારમાત્ર જ સમજવું. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭ માં આવે છે કે-
મુનિરાજને નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ બન્ને સાથે ધ્યાનમાં નિયમથી પ્રગટ થાય છે. નિશ્ચય તે વીતરાગી નિર્મળ પર્યાય છે અને વ્યવહાર તે રાગની પર્યાય છે. બન્ને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એટલે કે ચિન્માત્ર દ્રવ્યસ્વરૂપનો આશ્રય લેતાં જે નિર્મળ દશા પ્રગટ થઈ એટલો નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે જ કાળે જે રાગ છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. છે તો તે બંધનું કારણ, પણ નિશ્ચયનો સહચર દેખી, નિમિત્ત ગણી ઉપચાર કરીને તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.
ભાઈ! આ છઠ્ઠો બોલ ઝીણો છે. પાંચમા બોલમાં આસ્રવો વર્તમાન દુઃખરૂપ છે એમ કહ્યું, અને છઠ્ઠા બોલમાં અહીં એમ કહે છે કે આસ્રવો ભવિષ્યમાં દુઃખના કારણરૂપ છે. કારણ કે શુભભાવથી શાતાવેદનીય આદિ પુણ્યની જે ૪૨ પ્રકૃતિ છે તે બંધાય અને ભવિષ્યમાં તેનો ઉદય આવે ત્યારે ધન- દોલત, આબરૂ ઇત્યાદિ અનેક સામગ્રી મળશે. ત્યારે એના પર લક્ષ જશે એટલે રાગ થશે અને રાગ થશે એટલે દુઃખ થશે, કેમકે રાગ દુઃખસ્વરૂપ જ છે.