સમયસાર ગાથા ૭૪ ] [ ૮૭ વ્યવહારવાળાના વ્યવહારને તો કોઈ આરોપ લાગુ જ પડતો નથી. આવી વાત છે. આ છઠ્ઠો બોલ ઘણો ગંભીર છે!
અરે! લોકોએ-અજ્ઞાનીઓએ વીતરાગ માર્ગને તોડ-ફોડ કરીને ચૂંથી નાખ્યો છે! પરાશ્રયથી જે ભાવ થયો તે રાગ છે, આસ્રવ છે, દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. પરંતુ એને ચૂંથવા માંડે અને કહે કે આમ (શુભભાવ) કરતાં કરતાં ધર્મ થશે. પણ વસ્તુસ્થિતિ એમ નથી. ભાઈ! આ બોલમાં અહીં સ્પષ્ટ કહ્યું છે કે આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળ છે, દુઃખ જેમનું ફળ છે એવા છે.
‘જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે’. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ જ્ઞાતા-દ્રષ્ટા નિર્વિકલ્પ નિરાકુળ આનંદસ્વરૂપ ભગવાન છે; તે સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તેનો જીવ હેતુ નથી, તેનો હેતુ તો શુભભાવ છે. ઇન્દ્ર-અહમિંદ્ર, ચક્રી આદિ ભવ મળે તે ભવ આકુળતા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે, આત્માની શાંતિ-સમાધિનું નહિ. જીવ જ સમસ્ત પુદ્ગલ-પરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે.
ભાઈ! વીતરાગનો માર્ગ ઘણો નિર્મળ, સ્વચ્છ છે. પણ લોકોએ પોતાની મતિ- કલ્પનાથી ઊંધા અર્થ કરીને ચૂંથી નાખ્યો છે. પુદ્ગલપરિણામ જે ૧૪૮ કર્મપ્રકૃતિના ભેદો છે તે કર્મ પરિણામનો જીવ અહેતુ છે. જીવને લઈને કોઈ કર્મની પ્રકૃતિ બંધાય છે એમ છે જ નહિ. જીવ તો એક જ્ઞાયકભાવ છે. તે કોઈપણ પ્રકૃતિના બંધનો હેતુ થાય એવું એનું સ્વરૂપ નથી.
આ અધિકારની ગાથા ૧૦પમાં કહ્યું છે કે-“આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાન- ઘનસ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.”
જુઓ, જડકર્મ આત્માએ કર્યું એ ઉપચાર કથન છે. ખરેખર તો જીવ પોતાના અજ્ઞાનનો કર્તા છે, પુદ્ગલપરિણામનો કર્તા નથી. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે આત્મા ખરેખર સ્વભાવની દ્રષ્ટિથી જોતાં કોઈ પણ પ્રકૃતિના બંધનું નિમિત્ત નથી, ચિન્માત્ર વસ્તુ જ્ઞાયકભાવરૂપ આત્મા નિમિત્ત કેમ થાય? માટે અહીં કહે છે કે જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદ-સ્વભાવી જે ધ્રુવ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા કોઈ પુદ્ગલ-