Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 861 of 4199

 

સમયસાર ગાથા ૭૪ ] [ ૮૯ વિજ્ઞાનઘન થતો જાય છે એમ કહ્યું છે. જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ વિકારના પરિણામ ઘટતા જાય છે, આસ્રવથી નિવૃત્ત થતો જાય છે. બન્નેનો સમકાળ છે એમ સિદ્ધ કરવું છે ને? શિષ્યનો પ્રશ્ન હતો કે બેનો સમકાળ કઈ રીતે છે? તેનો આ જવાબ આપ્યો કે આ રીતે બન્નેનો સમકાળ છે, એક કાળ છે.

પ્રથમ આસ્રવથી નિવૃત્તિ થાય અને પછી જ્ઞાનમાં સ્થિર થાય અથવા પ્રથમ જ્ઞાનમાં એકાગ્ર થાય અને પછી આસ્રવની નિવૃત્તિ થાય એમ બે આગળ-પાછળ નથી; પણ બન્નેનો સમકાળ છે.

જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થાય છે અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. અરસપરસ વાત કરી છે.

‘તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક્ પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.’ અહીં સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે એમ કહ્યું એનો અર્થ એ છે કે આસ્રવની ઉત્પત્તિ થાય નહિ તેટલો વિજ્ઞાન-ઘનસ્વભાવ છે. તથા જેટલો વિજ્ઞાનઘનસ્વભાવ છે તેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. બન્નેનો સમકાળ છે. જેને સ્વભાવના ભાનપૂર્વક ભેદજ્ઞાન નથી તે આસ્રવોથી સમ્યક્પણે નિવર્તતો નથી અને તે વિજ્ઞાનઘનસ્વભાવ પણ સમ્યક્પણે થતો નથી.

જેમ અંધકાર જાય તે સમયે જ પ્રકાશ થાય અને પ્રકાશ થાય તે સમયે જ અંધકાર જાય, તેમ જે સમયે આસ્રવોથી નિવર્તે તે જ સમયે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે અને જે સમયે વિજ્ઞાનસ્વભાવ થાય છે તે જ સમયે તે આસ્રવોથી નિવર્તે છે. અહો! શું અદ્ભુત ટીકા! આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે! જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં જેમ જેમ સ્વરૂપસ્થિરતા થાય તેમ તેમ આસ્રવોથી નિવર્તે અને જેટલો આસ્રવોથી નિવર્તે તેટલી સ્વરૂપસ્થિરતા થાય. આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળ છે.

અહીં વ્રત, તપ, ભક્તિ આદિ કરે તો આસ્રવોથી નિવર્તે એમ કહ્યું નથી. પણ એનાથી ભેદજ્ઞાન કરી નિર્વિકારી નિજ જ્ઞાયકસ્વરૂપમાં થંભે-સ્થિર થાય તો આસ્રવોથી સમ્યક્ પ્રકારે નિવર્તે છે એમ કહ્યું છે. ભાઈ! આ તારા સ્વઘરમાં જવાની વાતો કરી છે. જેટલો પરઘરથી પાછો ફરે તેટલો સ્વઘરમાં જાય છે. જેટલો સ્વઘરમાં જાય છે તેટલો પરઘરથી પાછો ફરે છે. જેટલો સ્વરૂપમાં જામતો જાય તેટલો આસ્રવોથી સમ્યક્ પ્રકારે હઠે છે અને જેટલો આસ્રવોથી સમ્યક્ હઠે છે તેટલો સ્વરૂપમાં જામે છે, વિજ્ઞાનઘન થાય છે. જેટલો અને તેટલો-એમ અરસપરસ બન્ને સરખા બતાવી સમકાળ દર્શાવ્યો છે.