૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
‘આસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તિનો એક કાળ છે.’ ગાથા ૭૨માં પણ ‘णादूण’ શબ્દ હતો. અહીં પણ એ જ કહ્યું કે આસ્રવોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને જેટલો જ્ઞાનાનંદસ્વભાવમાં ઠર્યો-સ્થિર થયો તેટલો આસ્રવોથી નિવર્તે છે. અને જેટલો આસ્રવોથી છૂટયો તેટલો સ્વરૂપસ્થિર વિજ્ઞાનઘન થાય છે. અહાહા...! જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય અને જેટલો અધર્મ-આસ્રવથી નિવૃત્ત થાય તેટલો ધર્મમાં સ્થિર થાય છે, તેટલાં સંવર-નિર્જરા થાય છે.
‘આ આસ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે.’ આ પચ્ચકખાણ કરો, સામાયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે. પણ તે બરાબર નથી. આસ્રવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનો વીતરાગ વિજ્ઞાનસ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસ્રવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ. અહા! પુણ્ય-પાપના વિષમભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ છે એવી સામાયિક કેમ થાય? ન થાય. બાપુ! મન-વચન-કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. કહ્યું ને અહીં કે તે (શુભ) ભાવો દુઃખરૂપ અને દુઃખફળરૂપ છે, પણ ધર્મ નથી. ધર્મ તો સ્વનો આશ્રય લઈને એમાં જ ઠરે તો પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે ત્યાં થાય શું? પ્રશ્નઃ– ‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે શું?’ તેનો ઉત્તરઃ–
ઉત્તરઃ– ‘આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.’ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને-ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન હોય પણ મિથ્યાત્વ ન ગયું હોય તો તે અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. તિર્યંચને જ્ઞાનનો ઉઘાડ ભલે ઓછો હોય, પણ જો તેનું જ્ઞાન અંદર સ્વભાવમાં સ્થિર થયું હોય તો તે વિજ્ઞાન છે. જેમ જેમ તે જ્ઞાન એટલે વિજ્ઞાન અંદર જામતું જાય, ઘટ્ટ થતું જાય, સ્થિર થતું જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્તિ થતી જાય છે. અને