સમયસાર ગાથા ૭પ ] [ ૯૯ એ વાત લીધી જ નથી. માટી પોતે કર્તા અને ઘડો તેનું કાર્ય છે; કુંભાર તો નિમિત્ત છે, કર્તા નથી. તેમ પુદ્ગલપરિણામ એટલે કે શરીરાદિને, પુણ્યપાપના ભાવને, વ્યવહાર-રત્નત્રયના પરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.
અહીં તો ભેદજ્ઞાનની વાત છે. શરીરાદિથી, પુણ્યપાપના ભાવથી કે વ્યવહારરત્નત્રયના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. તેથી આત્માને ભિન્ન એવા રાગાદિ સાથે અભિન્નપણું નથી. રાગાદિ છે તેને પુદ્ગલ સાથે અભિન્નપણું છે. પુદ્ગલ તેમાં પ્રસરીને-વ્યાપીને રહેલું છે તેથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે. જુઓ! બે કર્તાથી કાર્ય થાય છે એ વાત અહીં ઉડી જાય છે. પ્રમાણનું જ્ઞાન કરાવવાના કાર્યકાળે બીજી ચીજ નિમિત્તરૂપે હોય છે એવી વાત શાસ્ત્રોમાં આવે છે પણ એ તો (બહિર્વ્યાપ્તિ બતાવતું) વ્યવહારનું કથન છે. અરે! વાસ્તવિક નિશ્ચયનો વિષય જેને અંતરમાં બેઠો નથી તેને પ્રમાણના વિષયનું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહિ.
નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. રાગના પરિણામ તે જીવના કર્તવ્યપણે નથી. રાગના પરિણામ થાય તે વખતે રાગને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાનમાં રાગના પરિણામ નિમિત્ત છે. આવા જે જ્ઞાનના પરિણામ તેનો કર્તા જીવ અને રાગને જાણનારું (કરનારું નહિ) જે જ્ઞાન પ્રગટયું તે જીવનું કર્મ છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. ખૂબ ધીરજથી સમજવાની આ વાત છે. શિષ્યનો પ્રશ્ન છે કે સમકિતીને-જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું છે એનો ઉત્તર આ ચાલે છે. રાગથી, વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને અંતર્મુખ થતાં ભગવાન આત્માનું જ્ઞાન થયું, સ્વાનુભવ થયો ત્યાં જે રાગાદિ ભાવ થાય તે જીવનું કર્તવ્ય નથી. તે રાગ પરિણામ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક થઈને મલિન પરિણામને ઉત્પન્ન કરે છે.
અહાહા...! આત્મા એકલો ચિદાનંદઘન પ્રભુ છે. એ રાગના-આકુળતાસ્વરૂપ દુઃખના પરિણામથી ભિન્ન છે. ધર્મીને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સિવાય બીજે કયાંય સુખબુદ્ધિ નથી, કેમકે નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવથી સુખનું નિધાન પોતે જ છે એમ એણે જાણ્યું છે. આવું ત્રિકાળી નિજ ચૈતન્યનિધાન જેણે જાણ્યું એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવને જે પર્યાયમાં રાગ, વ્યવહારના પરિણામ થાય તેને તે પુદ્ગલના કર્તવ્યપણે જાણે છે, પોતાના કાર્યપણે નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! લોકોને એકાન્ત છે એમ લાગે પણ વસ્તુસ્વરૂપ જે છે તેનું આ સમ્યક્ નિરૂપણ છે. તેઓ એમ માને કે વ્યવહારથી લાભ થાય, પણ ભાઈ! એ વ્યવહારનો રાગ તો પુદ્ગલપરિણામ છે, એનાથી આનંદના પરિણામ નીપજે એ કેમ બની શકે? (ન જ બની શકે).
નિશ્ચયથી વસ્તુના સ્વભાવમાં જેમ પુદ્ગલ નથી તેમ રાગ પણ નથી. બંનેય પર છે તેથી બન્નેનેય આત્મામાંથી એક સાથે કાઢી નાખ્યા છે. આ કર્તાકર્મ અધિકાર છે ને?