૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઘણી ગડબડ થઈ ગઈ છે પુદ્ગલપરિણામનું જ્ઞાન એટલે કે જે કાળે જે પ્રકારના રાગાદિ પરિણામ થાય તે કાળે, તેનું જ્ઞાન થવાની પોતાની લાયકાત હોવાથી, તે રાગાદિને જાણે છે. રાગાદિ થયા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. પણ જે તે કાળે સ્વપરને જાણવાની દશા પોતાને પોતાથી થઈ છે. એ જ્ઞાનના પરિણામ જીવનું પોતાનું કર્મ છે અને જીવ તેનો સ્વતંત્રપણે કર્તા છે. અહો! અદ્ભુત વાત અને કોઈ અદ્ભુત શૈલી છે! તારી સમજમાં તો લે કે માર્ગ આ જ છે, ભાઈ!
ભાઈ! આ તો ધીરાનાં કામ છે. જેની નજર સ્વભાવ ઉપર ગઈ છે, જેની નજરમાં નિજ ચૈતન્ય ભગવાન તરવરે છે એને જે રાગ થાય તેનું તેને જ્ઞાન થાય, એ જ્ઞાનનો તે કર્તા છે, રાગનો નહિ. પુદ્ગલપરિણામ એટલે કે જે જે પ્રકારનો દયા આદિ જે ભાવ થયો તે સંબંધી તેનું જ્ઞાન થયું. તે કાળે તે જ્ઞાનની દશાનો સ્વકાળ જ એવો છે કે સ્વને જાણતાં તે દયા આદિ જે ભાવ છે તેને પણ જાણતું જ્ઞાન થાય છે. તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે અને જ્ઞાનપરિણામ આત્માનું કર્મ છે. પુદ્ગલપરિણામને જાણતું જ્ઞાન તે પુદ્ગલપરિણામનું જ્ઞાન નથી. જેવા પ્રકારે પુદ્ગલપરિણામ છે તે જ પ્રકારનું આત્માનું જ્ઞાન પોતાથી થાય છે તેને અહીં પુદ્ગલપરિણામનું જ્ઞાન કહ્યું છે.
ભાઈ! આ તો એકાંત છે, નિશ્ચય છે એમ કહીને આ અલૌકિક માર્ગની ઉપેક્ષા કરવા જેવી નથી હો. વ્યવહાર કરતાં કરતાં પણ મોક્ષ થાય અને નિશ્ચય કરતાં કરતાં પણ મોક્ષ થાય એમ જે રીતે વસ્તુનું સ્વરૂપ નથી તે રીતે નિરૂપણ કરીશ તો દુનિયા ભલે રાજી થશે, પણ ભાઈ! તેમાં તારો આત્મા રાજી નહિ થાય, તારો આત્મા નહિ રીઝે. તને પોતાને તો મોટું (મિથ્યાત્વનું) નુકશાન જ થશે. (અને દુનિયા તો નુકશાનમાં પહેલેથી છે જ). તું વ્યવહારને પરંપરા કારણ માને છે પણ વ્યવહાર તો કારણ જ નથી. જેને અહીં પુદ્ગલપરિણામ કહ્યો છે તે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેમ હોય? ન જ હોય. જ્ઞાનીને રાગથી ભિન્ન આત્માનું સ્વસંવેદનજ્ઞાન થયું છે. તેને શુભભાવમાં અશુભ ટળ્યો છે. તે આગળ વધીને સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને રાગને ટાળશે. આ અપેક્ષાએ જ્ઞાનીના શુભભાવને વ્યવહારથી પરંપરા કારણ કહ્યું છે. નિમિત્ત દેખીને એમ કહ્યું છે, પણ સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી તેનો પણ અભાવ કરશે ત્યારે મોક્ષ થશે.
પોતાનું કાર્ય પોતાથી થાય. રાગ પર છે. તે રાગનું જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું કાર્ય છે, આત્મા તે જ્ઞાનનો કર્તા છે. રાગનું જ્ઞાન થાય છે તથાપિ જ્ઞાનમાં રાગનો અભાવ છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ. આવો કર્તા-કર્મ અધિકાર દિગંબર સિવાય બીજે કયાંય નથી. રાગનો કર્તા જે પોતાને માને છે તે અજ્ઞાની વિકારીભાવની ચક્કીમાં પડયો છે. તે દુઃખથી પીલાય છે, અતિશય પીડાય છે. વસ્તુસ્થિતિ જ આવી છે. અહીં કહે છે-કુંભાર અને ઘટની જેમ આત્મા અને પુદ્ગલપરિણામને (રાગાદિને) કર્તાકર્મપણાનો અભાવ છે. તેથી સ્વભાવના અવલંબને પરિણમેલો છે જે જીવ તે પુદ્ગલપરિણામના