સમયસાર ગાથા ૭પ ] [ ૧૦૩ (રાગાદિના) જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે અને તે કર્મનોકર્મથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. અહાહા...! જ્ઞાતાદ્રષ્ટાના ભાવને કાર્યપણે કરતો તે પોતાના આત્માને જાણે છે, રાગને જાણે છે એમ ન કહ્યું. રાગ સંબંધીનું તે કાળે પોતામાં પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાનને તે (સાક્ષીપણે) જાણે છે. આવી વાત છે. પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય રહી સાક્ષી ભાવે રહે છે. બધાનો જાણનાર માત્ર સાક્ષી ભાવ રહે છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગડા બહુ જુદા છે, બાપુ! ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. તે સર્વ શક્તિઓ અત્યંત નિર્મળ છે. ૪૭ શક્તિઓનું જ્યાં નિરૂપણ છે ત્યાં ક્રમરૂપ, અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોની વાત કરી છે. ત્યાં અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે એમ કહ્યું છે. ત્યાં વિકારની વાત જ કરી નથી, કેમકે વિકાર પરિણતિ તે જીવની શક્તિની પર્યાય જ નથી. ૪૭ શક્તિના વર્ણનમાં દ્રવ્ય શુદ્ધ, શક્તિ શુદ્ધ અને એની દ્રષ્ટિ થતાં જે પરિણમન થયું તે પણ શુદ્ધ જ હોય એમ વાત લીધી છે. અશુદ્ધતાની ત્યાં વાત જ લીધી નથી.
આ પ્રમાણે અનંત શક્તિઓનો પિંડ પ્રભુ ચિન્માત્ર નિજ આત્માને જાણે છે તે રાગાદિથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. તેને જ્ઞાની અને ધર્મી કહે છે. હવે પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ- જે કાંઈ રાગાદિ ભાવ-પુણ્યના ભાવ થાય છે તેનું જ્ઞાન આત્મામાં થાય તે જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે વિશેષ સ્પષ્ટ કરે છે. જ્ઞાન એનું પોતાનું કાર્ય છે. રાગનું જ્ઞાન થયું માટે રાગ એનું કાર્ય છે એમ નથી. તેમ રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું કાર્ય છે એમ પણ નથી. રાગ છે એમ જાણ્યું ત્યાં જાણવાની જે જ્ઞાનની પર્યાય થઈ તે રાગનું કાર્ય નથી; તેમ જાણવાની પર્યાયમાં રાગ જણાય છે માટે રાગ તે જ્ઞાનનું કાર્ય છે એમ નથી. ભાઈ! આ સમજવું પડશે હો. આ શરીરાદિ બધું વિંખાઈ જશે. આ જીવનમાં જો નિર્ણય ન કર્યો તો શું કર્યું? પછી કયાં એને જવું? ભાઈ! સૌ પ્રથમ કરવાનું આ જ છે.
બહારના પદાર્થની મીઠાશ લક્ષમાંથી છોડી દે શુભરાગની મીઠાશ પણ છોડી દે. ત્યારે અંદરથી આનંદની મીઠાશ આવશે. રાગને લક્ષમાંથી છોડી જ્ઞાનમાત્ર નિજ વસ્તુને અધિકપણે લક્ષમાં લે. પરથી ભિન્ન તે ચૈતન્ય ભગવાન અધિક છે. તે અધિક અધિકપણે ન ભાસે અને બીજી ચીજ અધિકપણે ભાસે તે સંસાર છે, ચાર ગતિની રઝળપટ્ટી છે, દુઃખ છે.
‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.’