૧૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. આત્માને રાગનું જ્ઞાન પોતામાં રહીને સ્વપરપ્રકાશકપણે થયું એવું જે પુદ્ગલપરિણામનું જ્ઞાન અને પુદ્ગલ કહેતાં રાગ-એ બેને વ્યાપ્યવ્યાપકપણું નથી. રાગ વ્યાપક અને રાગનું જ્ઞાન તે વ્યાપ્ય એમ નથી. તેથી રાગ અને જ્ઞાનને કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. પુદ્ગલપરિણામ જે રાગ તે કર્તા અને જ્ઞાનપરિણામ તેનું કર્મ એમ નથી.
વળી આત્મપરિણામને અને આત્માને ઘડા અને માટીની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. અહાહા...! પોતાને જાણતાં રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. જ્ઞાન તે આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે. આત્માના પરિણામ એટલે જ્ઞાતાદ્રષ્ટાના વીતરાગી નિર્મળ પરિણામ અને આત્મા એ બેને વ્યાપ્યવ્યાપકપણું છે તેથી ત્યાં કર્તાકર્મપણું સિદ્ધ થાય છે. આત્મા કર્તા અને દયા, દાન આદિ વિકલ્પનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માનું કર્મ છે. પરંતુ રાગ કર્તા અને જ્ઞાન એનું (રાગનું) કર્મ-એમ નથી. અહો! ગાથા ખૂબ ગંભીર છે! આત્મા (જ્ઞાન) કર્તા અને રાગ એનું કાર્ય એમ નથી અને રાગ કર્તા અને (રાગનું) જ્ઞાન એનું કાર્ય એમેય નથી.
ભાઈ! આ ગાથા મહાન છે! આત્માના પરિણામ અને આત્માને કર્તાકર્મપણું છે. લક્ષમાં લેવા આ ધીમે ધીમે કહેવાય છે. ‘આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ-પરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે.’ જુઓ! આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે. જે જાતનો રાગ છે તે જાતનું જ્ઞાન થયું ત્યાં આત્મા સ્વતંત્ર વ્યાપક છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. આત્મા સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે. અહીંયાં જ્ઞાનના પરિણામમાં જે રાગ જણાયો તે જ્ઞાનના પરિણામમાં આત્મા સ્વતંત્ર વ્યાપક છે. અહા! દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક થઈને રાગનું જ્ઞાન કરે છે. આત્મા વ્યાપક અને જ્ઞાન એનું કર્મ સ્વતંત્ર છે.
પ્રશ્નઃ– આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે એટલે શું? રાગનું જ્ઞાન છે એટલીય અપેક્ષા છે કે નહિ?
ઉત્તરઃ– આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે એટલે તે કાળે જે રાગને જાણવાના જ્ઞાનના પરિણામ થયા તે જ્ઞાનપરિણામ એનું વ્યાપ્ય કર્મ છે અને આત્મા સ્વતંત્રપણે તેનો કર્તા છે. રાગનું કે વ્યવહારનું જ્ઞાન થયું માટે જ્ઞાન થવામાં એટલી પરતંત્રતા કે રાગ કે વ્યવહારની અપેક્ષા છે એમ છે જ નહિ. એ તો આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાનરૂપે સ્વયં પરિણમે છે. જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. એ સ્વભાવના કારણે તે સ્વને અને પરને જાણતો પરિણમે છે. રાગ છે માટે પરપ્રકાશક જ્ઞાન થયું એમ છે જ નહિ. સમયસારની વાત બહુ સૂક્ષ્મ છે, પણ શાસ્ત્રમાં જે છે એ વાત કહેવાય છે. લોકો બિચારા