૧૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઊપજતું થકું પુદ્ગલપરિણામને કરે છે. આ દયા, દાન, વ્રત આદિના શુભરાગમાં પુદ્ગલ વ્યાપીને તે પરિણામને કરે છે. વ્યવહારરત્નત્રયના રાગની આદિમાં પુદ્ગલ, મધ્યમાં પુદ્ગલ અને અંતમાંય પુદ્ગલ છે; રાગની આદિમાં જીવ છે એમ નથી.
એક બાજુ એમ કહે કે રાગના, મિથ્યાત્વના પરિણામ જીવના છે અને વળી તે પુદ્ગલના પરિણામ છે એમ અહીં કહે તે કેવી રીતે છે? ભાઈ! અહીં તો જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીની વાત છે. જે કાળે જે રાગની, શરીરની, ભાષાની, સંયોગની જે રીતે અવસ્થા થાય તેને તે રીતે જ્ઞાની જાણે છતાં જાણનાર જ્ઞાયક કર્તા અને રાગાદિ એનું કર્મ એમ નથી. રાગમાં પુદ્ગલ અંતર્વ્યાપક થઈને રાગને કરે છે. રાગ છે તો જીવની પર્યાય પણ અહીં તો જેને દ્રવ્યબુદ્ધિ થઈ છે, જે જ્ઞાતાભાવે પરિણમ્યો છે એવા જ્ઞાનીની વાત છે. કહે છે કે પર્યાયમાં જે રાગ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે, આત્મા નથી. જ્ઞાનીને જે સ્વભાવદ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. સમ્યગ્દર્શનની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે અને રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. બે વસ્તુ (જ્ઞાન અને રાગ) જુદી પાડી ને. કહે છે કે રાગ જે પુદ્ગલપરિણામ છે તેના આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે અને તેનો કર્તા પુદ્ગલ છે.
જ્ઞાનીની કર્તાકર્મની સ્થિતિ શું છે અને જડ પુદ્ગલની દશા શું છે એની આ વાત ચાલે છે. વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ છે એમાં પુદ્ગલદ્રવ્ય અંતર્વ્યાપક થઈને તે કર્મ કરે છે; જીવનું તે વ્યાપ્ય એટલે કર્મ નથી. પ્રાપ્ય એટલે જે થાય તેને પહોંચી વળવું, વિકાર્ય એટલે બદલવું, નિર્વર્ત્ય એટલે ઉપજવું-એમ ત્રણે એક જ કાર્ય છે. શુભરાગ જે થયો તેને પુદ્ગલ પહોંચી વળ્યું છે તે તેનું પ્રાપ્ય કર્મ, પૂર્વનો રાગ બદલીને શુભરાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ અને શુભરાગ જે નવો ઉપજ્યો તે પુદ્ગલનું નિર્વર્ત્ય કર્મ છે. વિકારના પરિણામ-શુભરાગાદિના પરિણામના આદિ-મધ્ય- અંતમાં પુદ્ગલ વ્યાપે છે. આદિમાં આત્મા છે અને પછી રાગ થાય છે એમ નથી. આદિ-મધ્ય- અંતમાં પુદ્ગલ વ્યાપીને રાગને ગ્રહે છે, ભગવાન આત્મા નહિ. તે વિકાર્ય કાર્ય પુદ્ગલનું છે અને પુદ્ગલ રાગપણે ઉપજે છે તેથી પુદ્ગલનું તે નિર્વર્ત્ય કર્મ છે. સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ પડી છે તેનું રાગ તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ નથી. બહુ સૂક્ષ્મ વાત.
પ્રશ્નઃ– જો પુદ્ગલ રાગ કરતો હોય તો જીવ તેને શી રીતે અટકાવે?
ઉત્તરઃ– અટકાવવાનો સવાલ છે કયાં? જ્ઞાની તો જે રાગ થાય તેને જાણે છે એમ કહ્યું છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે અને જ્ઞાની એને જ્ઞાનમાં જાણે છે બસ એટલી વાત છે. શુભરાગ તે મારું કર્તવ્ય નહિ, પણ એને જાણનારી જે જ્ઞાનની પર્યાય છે તે મારું કાર્ય છે એમ માનતો જ્ઞાની સાક્ષીભાવે પરિણમે છે.