Pravachan Ratnakar (Gujarati). Gatha: 78.

< Previous Page   Next Page >


PDF/HTML Page 907 of 4199

 

ગાથા–૭૮

पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–

ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए।
णाणी जाणंतो वि
हु पोग्गलकम्मप्फलमणंतं।। ७८।।

नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु
पुद्गलकर्मफलमनन्तम्।। ७८।।

હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે-

પુદ્ગલકરમનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮.

ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [पुद्गलकर्मफलम्] પુદ્ગલકર્મનું ફળ [अनन्तम्] કે જે અનંત છે તેને [जानन् अपि] જાણતો હોવા છતાં [खलु] પરમાર્થે [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયરૂપ [न अपि परिणमति] પરિણમતો નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતો નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતો નથી.

ટીકાઃ– પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.

ભાવાર્થઃ– ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે-એટલું વિશેષ છે.