સમયસાર ગાથા ૭૮ ] [ ૧૩૯ ભગવાન આત્માની પર્યાય છે અને સુખ-દુઃખના પરિણામ એ તો બાહ્યસ્થિત એવા પરદ્રવ્યની પર્યાય છે. એને જ્ઞાની જાણતો હોવા છતાં તેમાં પોતે અંતર્વ્યાપક થઈને, પ્રસરીને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, ઊપજતો નથી; કેમકે ભગવાન આત્મા પોતે જ્ઞાતા-દ્રષ્ટાના ભાવસ્વરૂપ છે. બહુ ઝીણી વાત, ભાઈ!
આવી સૂક્ષ્મ વાત પકડાય નહિ એટલે શુભભાવ કરો, શુભભાવથી ધર્મ થશે એમ કેટલાક માને છે. પણ ભાઈ! એવો આ માર્ગ નથી. શુભભાવ એ આત્માનું કર્તવ્ય નથી. એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી અને એ ધર્મનું કારણ પણ નથી. આ વાત સાંભળીને કેટલાક કહે છે કે આમાં કાંઈક સુધારો કરો. અરે ભાઈ! શું સુધારો કરવો? શુભભાવ જે કર્મનું પ્રાપ્ય છે, પુદ્ગલના પરિણામ છે તેનાથી જીવના પરિણામને લાભ થાય એમ કેમ બને? જે પુદ્ગલનું કાર્ય છે એનાથી આત્માને સમ્યગ્દર્શનનું કાર્ય થાય એમ કદીય બની શકે ખરું? એમ કદીય ન બને. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામમાં તેના આદિ-મધ્ય-અંતમાં ભગવાન આત્મા અંતર્વ્યાપક થઈને તેને ગ્રહે છે. એ નિર્મળ પરિણામ જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, પુદ્ગલનું નહિ. નિર્મળ પરિણામની આદિમાં આત્મા છે, તેની આદિમાં શુભભાવ નથી.
શુભભાવ તો પૂર્વે અનંતવાર થયા છે. શુભભાવની શું વાત કરવી? નવમી ગ્રૈવેયક જાય એવા શુભભાવ પણ અનંતવાર થયા છે. છતાં એવો શુભભાવ પણ ધર્મનું કારણ થયો નહિ. ભાઈ! ધર્મની વીતરાગી પર્યાય થાય એનું કારણ તો પોતે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. તેના કારણ તરીકે શુભભાવને માનવો એ તો મોટી હિંસા છે. અહીં સ્પષ્ટ કહે છે ને કે જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, હરખ-શોકના પરિણામમાં અંતર્વ્યાપક થઈને તેને ગ્રહતો નથી; તેને જાણે છે, એ પણ પોતામાં રહીને તે કાળે જે પરિણામ (જ્ઞાનના) થવાના છે તે પ્રાપ્યને જાણે છે. જેમ રાગ-દ્વેષના, સુખ દુઃખના ભાવ તે કાળે જે ધ્રુવપણે-નિશ્ચિતપણે જે થવાના છે તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે તેમ ભગવાન આત્મા તે જ કાળે સ્વ અને પરને જાણે એવા જે પ્રાપ્ય-ધ્રુવ છે તે જ જ્ઞાનપરિણામને પ્રાપ્ત કરતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો પોતાના કર્મને-વીતરાગી પરિણામને કરે છે. અરે! જન્મ-મરણથી છૂટવાનો પંથ તો આ છે, ભાઈ! ન સમજાય અને કઠણ પડે એટલે શું માર્ગ બદલાઈ જાય? કદી ન બદલાય. હરખશોક, સુખ-દુઃખ આદિ વિકારી દશા તે પુદ્ગલકર્મનું ફળ છે, તે આત્માનું ફળ નથી.
પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને પર્યાયમાં દુઃખ છે જ નહિ?
ઉત્તરઃ– ભાઈ! એમ સમજવું યથાર્થ નથી. અહીં તો વસ્તુ અને તેના સ્વભાવની અપેક્ષાએ વાત છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ આ વાત છે. પણ તે વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તો ત્રિકાળીને પણ જાણે છે અને વર્તમાન જે દુઃખની પરિણતિ