સમયસાર ગાથા ૭૮ ] [ ૧૪૧ નહિ. એ અપેક્ષાએ ગુણીને પકડતાં ભગવાન આત્મામાં રાગનું કર્તવ્ય અને સુખદુઃખનું વેદન નથી. દ્રષ્ટિનો વિષય તો એકલો અભેદ છે. દ્રષ્ટિના વિષયમાં ભેદ અને પર્યાય નથી. દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ અભેદ નિર્વિકલ્પ છે. એના વિષયમાં જે બધા ગુણો છે તે પવિત્ર છે. અહાહા...! આવા પવિત્ર ધ્યેયવાળી દ્રષ્ટિ એમ માને છે કે આ રાગના દયા, દાન, વ્રતાદિના અને સુખદુઃખના જે પરિણામ થયા તે બધું પુદ્ગલનું કાર્ય છે, હું તો તેનો જાણનાર (સાક્ષી) છું, હું એનો કરનારો કે એનો ભોગવનારો નહિ; પરંતુ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન (પ્રમાણજ્ઞાન) છે તે તે કાળે ત્રિકાળી શુદ્ધનેય જાણે છે અને વર્તમાન થતા રાગ અને સુખ-દુઃખના વેદનની દશાને પણ જાણે છે. જાણે છે એટલે કે રાગનું વેદન પર્યાયમાં છે એમ જાણે છે.
જુઓ, વસ્તુ અને વસ્તુના સ્વભાવનું જે પરિણમન છે એનાથી સુખદુઃખના પરિણામ બાહ્યસ્થિત છે. અંતરમાં કે અંતરની પરિણતિમાં એ ક્યાં છે? (નથી). ધર્મી જીવ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યપરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને એને ગ્રહતો નથી. એટલે કે એ પરદ્રવ્યપરિણામ એનાથી થયા છે એમ નથી. શુદ્ધસ્વભાવથી સુખદુઃખના વિકારી પરિણામ કેમ થાય? પરંતુ પર્યાયમાં પોતાની યોગ્યતાથી સુખદુઃખના જે પરિણામ થાય તેને જોનારું જ્ઞાન એમ જાણે છે કે પર્યાયમાં સુખદુઃખનું વેદન છે. અહાહા...! માર્ગ તો આવો છે, પ્રભુ! આવો ભગવાનનો અનેકાંત માર્ગ છે. અનેકાંત એટલે અનેક અંત-ધર્મ. સ્વભાવની દ્રષ્ટિએ રાગના પરિણામ જીવના નહિ અને પર્યાયદ્રષ્ટિએ જોતાં એ પરિણામ જીવના છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ આવું છે. ભગવાને કાંઈ કર્યું નથી, ભગવાને તો જેવું જાણ્યું તેવું કહ્યું છે.
હવે કહે છે-‘માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.’ હરખશોકના ભાવને જ્ઞાની કરતો નથી એમ કહે છે. તેને જાણે ભલે, પોતાની જ્ઞાનપર્યાયની આદિમાં જ્ઞાતા છે તેથી જાણે ભલે, પણ એને કરે અને ભોગવે તે જ્ઞાનીનું સ્વરૂપ નથી.
૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ ભાવાર્થ જાણવો. ત્યાં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ કહ્યું હતું તેને બદલે અહીં ‘પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે-એટલું વિશેષ છે. ગાથા ૭૮ પૂરી થઈ.