૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પ્રવર્તે છે તથા કર્મના (પરના) દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેને જાણતો પ્રવર્તે છે એમ સમજવું. ધર્મી એને કહીએ જે પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. ‘च’ અને ‘पुद्गलः अपि अजानन्’ પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે.
જુઓ, જાણનાર એવો ભગવાન આત્મા પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ અર્થાત્ દ્રવ્ય-ગુણ- પર્યાયને જાણતો અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણતો પ્રવર્તે છે, પણ પરને કરતો પ્રવર્તે છે એમ નથી. રાગને કરતો જ્ઞાની પ્રવર્તે છે એમ નથી. તથા રાગ જ્ઞાનની અવસ્થાને (આત્માને) કરતો પ્રવર્તે છે એમ પણ નથી. અહા! આત્મા સ્વ અને પરને જાણવાની દશામાં પ્રવર્તે છે અને પુદ્ગલ જે રાગ તે સ્વ અને પરને નહિ જાણતું પ્રવર્તે છે.
હવે કહે છે-‘नित्यम् अत्यन्त–भेदात्’ આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, ‘अन्तः’ તે બન્ને પરસ્પરઅંતરંગમાં ‘व्याप्तृव्याप्यत्वम्’ વ્યાપ્યવ્યાપકભાવને ‘कलयितुम् असहौ’ પામવા અસમર્થ છે. એટલે કે રાગની પર્યાય તે વયાપક અને જ્ઞાનની પર્યાય તે વ્યાપ્ય અથવા જ્ઞાનની પર્યાય તે વ્યાપક અને રાગની પર્યાય તે વ્યાપ્ય એમ પરસપર વ્યાપ્યવ્યાપકભાવ અસંભવિત છે. ભાઈ! આ પોતાના હિતની વાત અંતરમાં વિચાર કરીને નક્કી કરવી પડશે.
ધર્મી જીવ પોતાના જ્ઞાન અને આનંદના પરિણામને ઉત્પન્ન કરતો અને જાણતો, તથા રાગાદિને ઉત્પન્ન નહિ કરતો અને જાણતો પ્રવર્તે છે. સ્વ-પરને જાણનારું જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે તે રાગને જાણતું પરિણમ્યું છે તોપણ તે રાગના કારણે જાણવાનું થયું છે એમ નથી. રાગને અને પોતાને જાણતું જ્ઞાન પ્રવર્તે છે તેથી તે રાગનું કર્તા છે અને રાગ એનું કર્મ છે એમ નથી. તથા રાગપરિણામ (પુદ્ગલના પરિણામ) છે તે આત્માની નિર્મળ પર્યાયને (જ્ઞાનને) ઉત્પન્ન કરે છે એમ પણ નથી.
જુઓ, ઊંડે ઊંડે લઈ જાય છે જ્યાં નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ આત્મા વિરાજે છે. કહે છે-ત્યાં જા ને! તને તેથી સુખ થશે. રાગ છે એ તો પુદ્ગલના પરિણામ-દુઃખના પરિણામ છે. તે પરિણામ આત્માની જ્ઞાન અને આનંદની પરિણતિને કેમ કરે? અહા! જે દુઃખ છે તે આનંદની દશાને કેમ કરે? રાગ જે અજાણ છે તે જ્ઞાનની પર્યાયને કેમ ઉત્પન્ન કરે?
શુભોપયોગ છે તે કાંઈ ધર્મ નથી. તે ધર્મનું કારણ પણ નથી, શુભોપયોગ તો અનાદિથી કરે છે. ધર્મ તો ચૈતન્યની નિર્મળ પરિણતિ છે અને તે શુભોપયોગના કારણે થતી નથી. જ્ઞાનની સ્વપરને જાણવાની પર્યાય રાગમાં ભળીને કેવી રીતે થાય? રાગ તો પરદ્રવ્ય છે અને જાણવા-દેખવાની પર્યાય સ્વદ્રવ્યની દશા છે, સ્વદ્રવ્ય છે. પુણ્ય-પાપ અધિકારમાં આવે છે કે આત્માની મોક્ષમાર્ગની પર્યાયમાં દ્રવ્યાતંરનો સહારો નથી.