૧પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
નિશ્ચયમાં અનારૂઢ છે તે ભગવાન સમયસારને અનુભવતા નથી એમ ત્યાં કહ્યું છે. અહો! કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ભગંવતોએ અપાર કરુણા કરી છે. તેમને કરુણાનો વિકલ્પ ઊઠયો અને કોઈ ધન્ય પળે આ શાસ્ત્રો લખાઈ ગયાં છે. ભવ્ય જીવોનાં મહાભાગય કે આવી ચીજ ભરતમાં રહી ગઈ.
એમાં કહે છે કે વ્યવહારનો જે રાગ છે તેનાથી જ્ઞાનસ્વરૂપ મારી ચીજ ભિન્ન છે એમ જે જાણે છે તેને જીવ-પુદ્ગલના કર્તા-કર્મપણાની બુદ્ધિ રહેતી નથી. પુદ્ગલનો અર્થ અહીં રાગ થાય છે. ૭પ મી ગાથામાં જડની દશા અને રાગ એ બધાને પુદ્ગલપરિણામ કહ્યા છે. ધર્મી જીવને ભેદજ્ઞાન થયું છે તેથી રાગ જે થાય તેને તે જાણે છે, પણ રાગ મારુ કાર્ય છે અને હું તેનો કર્તા છું એમ તે માનતો નથી.
જુઓ, એક શેઠ હતા. તેમને રોજ ચુરમાના લાડુ જ ખાવાની ટેવ. એકવાર ઘરમાં જુવાન દીકરાનું મરણ નીપજયું. રોટલા-રોટલી શેઠને જરાય અનુકૂળ નહિ. એટલે ઘરનાં કુટુંબીઓ કહે કે ભાઈ! તમારા સ્વાસ્થ્યને લાડુ સિવાય બીજું કાંઈ અનુકૂળ નથી માટે લાડુ જમો. અહા! એક બાજુ જુવાન દીકરો મરી ગયો છે, આંખમાં આંસુની ધારા છે અને એ ચુરમાના લાડુ ખાય છે. પણ તે વખતે લાડુ ઉપર પ્રેમ નથી. એમ ધર્મીને રાગ આવે પણ એ રાગનો એને પ્રેમ નથી. પરનો પ્રેમ તો હોય જ શેનો? અહાહા...! અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકસ્વરૂપ અનંત આનંદની સંપદાથી ભરેલો પ્રભુ છે. એની રુચિમાં જ્ઞાનને રાગથી જુદું પાડયું છે તેથી રાગ મારું કર્તવ્ય અને રાગનો હું કર્તા એવી બુદ્ધિ એને ઉડી ગઈ છે. ભાઈ! આ ભવમાં સમજવાનું અને કરવાનું આ છે.
પ્રશ્નઃ– આપ વ્યવહાર બધો કરો છો અને વળી વ્યવહારને હેય પણ કહો છો એ કેવી રીતે છે?
ઉત્તરઃ– અરે ભગવાન વ્યવહાર કોણ કરે? તથાપિ વ્યવહાર આવે તો ખરો ને? ભગવાનનાં પૂજા-ભક્તિ કરવાં, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું ઇત્યાદિ યથાસંભવ હોય તો ખરાં પણ એ બધું હેયબુદ્ધિએ હોય છે એમ વાત છે. જુઓને, કેટલું કહ્યું છે! રાગ સાથે એકતાબુદ્ધિ રહે ત્યાં સુધી રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એવી મિથ્યા માન્યતા હોય છે. પરંતુ રાગથી ભિન્ન પડીને જ્યાં શુદ્ધ આત્માને-ભગવાન જ્ઞાયકને જાણ્યો ત્યાં ભેદજ્ઞાનના કાળમાં જીવ અને પુદ્ગલ એટલે રાગ સાથે એને કર્તાકર્મપણાની બુદ્ધિ રહેતી નથી. ભાઈ! રાગ ધર્મીને હોય ખરો, પણ રાગનો પ્રેમ-આદર એને હોતાં નથી. માટે હે ભાઈ! વ્યવહારથી લાભ (ધર્મ) થશે એવી માન્યતા તું છોડી દે. વ્યવહારની રુચિ જ્યાં લગી છૂટશે નહિ ત્યાં લગી ભેદજ્ઞાન પ્રગટ થશે નહિ.
બંધ અધિકારમાં કળશ ૧૭૩ માં આવે છે કે-“સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે