૧૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
અકર્મ અવસ્થાએ હતા તે કર્મઅવસ્થારૂપે થયા એ પરમાણુઓનો સ્વકાળ છે, એ એની નિજ ક્ષણ છે, જન્મક્ષણ છે. નિમિત્તને લઇને એટલે વિકારને લઇને પુદ્ગલોના પરિણમનનો કાળ થયો છે એમ નથી.
જીવમાં પણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ થવાની નિજક્ષણ છે, અને ત્યારે કર્મનો ઉદય કહેવાય છે. જીવને વિકારભાવે પરિણમવાનો કાળ છે ત્યારે કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. કર્મનો ઉદય(નિમિત્ત) હતો માટે જીવમાં રાગ-દ્વેષના વિકારી પરિણામ થવા અથવા માટે જીવને રાગદ્વેષભાવે પરિણમવું પડયું એમ છે જ નહિ. જો એમ હોય તો નિમિત્ત અને ઉપાદાન એટલે કે કર્મ અને જીવ બન્ને એક થઇ જાય.
અહાહા...! આત્મા અદ્ભુત ચૈતન્યચમત્કારરૂપ હીરલો છે. એની જેને કિંમત જણાઇ નથી એ જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષપણે પરિણમે છે. તે વિકારી ભાવનું જ્યારે હાજરપણું છે તે વખતે પુદ્ગલની જે કર્મરૂપ અવસ્થા થાય છે તે પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન છે. ત્યારે કોઇ કહે કે રાગદ્વેષ ન કર્યા હોત તો કર્મબંધ ન થાત? પણ ભાઇ! એ પ્રશ્ન જ કયાં છે? (એક અવસ્થામાં બીજી અવસ્થાની કલ્પનાનો પ્રશ્ન જ કયાં છે?) અહીં તો એમ વાત છે કે જીવે રાગ-દ્વેષ કર્યા માટે પુદ્ગલને કર્મરૂપે પરિણમવું પડયું એમ છે જ નહિ.
જીવના પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે. અહીં ‘નિમિત્ત કરીને’-એમ શબ્દ વાપર્યો છે. પણ એનો અર્થ શું? નિમિત્ત છે માટે પુદ્ગલ કર્મપણે પરિણમે છે એમ અર્થ નથી. શું એને ખબર છે કે જીવમાં રાગ છે માટે કર્મપણે પરિણમું? અહીં રાગ છે માટે પુદ્ગલો દર્શનમોહપણે પરિણમે છે એમ છે જ નહિ. તે કાળે પરમાણુની લાયકાતથી તે તે કર્મની પર્યાય થાય છે. અને ત્યારે જીવના વિકારી પરિણામ એનું નિમિત્ત કહેવામાં આવે છે.
તેવી રીતે પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે. એટલે કે જીવ સ્વયં સ્વાધીનપણે રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તમાત્રપણે છે. કર્મનો ઉદય નિમિત્ત છે માટે જીવ રાગદ્વેષપણે પરિણમે છે એમ નથી. તે કાળે જીવને રાગદ્વેષરૂપે થવાનો સ્વકાળ છે અને ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે બસ. નિમિત્ત કરીને એટલે કે ત્યાં નિમિત્તપણું છે, હાજરી છે બસ એટલી વાત છે. જુઓ બન્નેનો કાળ એક જ છે. તો પછી આ છે તો આ થયું એમ કયાં રહ્યું? ફકત નિમિત્ત છે એટલી વાત છે. જીવના પરિણામ એક સમયનું સત્ પોતાથી છે. કર્મપરિણામનો ઉત્પાદ થયો માટે છે એમ નથી. અને જીવના રાગદ્વેષના પરિણામનો ઉત્પાદ થયો માટે તે કાળે કર્મના પરિણામ થયા એમ પણ નથી. ‘નિમિત્ત કરીને’ જે કહ્યું છે એનો અર્થ એટલો જ છે કે નિમિત્ત હોય છે.
જેટલા પ્રમાણમાં જીવને રાગદ્વેષ પરિણામ હોય તેટલા પ્રમાણમાં ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. મિથ્યાત્વના પણ અનંત રસ છે. જેટલા પ્રમાણમાં મિથ્યાત્વનો ભાવ