૧૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
અને કર્મનું બંધન થાય તે કર્મને લઇને છે, જીવને લઇને નથી. આવી સમયસમયની પર્યાયની સ્વતંત્રતાની વાત જેને ન બેસે તેને આનંદકંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવની સ્વતંત્રતા દ્રષ્ટિમાં નહિ બેસે અને તેને સમ્યગ્દર્શન પ્રગટ નહિ થાય. જે પ્રગટ દશા છે એનો કર્તા પર છે એમ માને એને પર્યાયના સ્વતંત્ર પરિણમનની ખબર નથી. અહીં તો અજ્ઞાનપણામાં જીવ પોતે વિકારી પરિણામનો સ્વતંત્ર કર્તા થઇને તે પરિણામને કરે છે અને એ વાત સિદ્ધ કરી છે. ભેદજ્ઞાન થયા પછી આત્મા રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવી કર્તાકર્મબુદ્ધિ રહેતી નથી.
શ્રી કુંદકુંદાચાર્યદેવની બાર અનુપ્રેક્ષામાં આવે છે કે કર્મના આસ્રવનું (નિમિત્ત) કારણ એવો જે વિકારીભાવ તેના કારણે આત્મા સંસારમાં ડૂબે છે. શુભભાવથી પણ જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે. દયા, દાન આદિ પુણ્યના ભાવ છે તે આસ્રવ છે અને તે મોક્ષનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના અજ્ઞાનની જેટલી બાહ્ય ક્રિયા છે તે સઘળી સંસારમાં રખડવાની ક્રિયા છે. આસ્રવભાવ તો નિંદનીય જ છે, અનર્થનું કારણ છે.
પ્રશ્નઃ– જિનવાણીમાં વ્યવહારને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉતરઃ– હા, પણ કોને? જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એના મંદરાગના પરિણામને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. જેને અનુભવમાં જ્ઞાન અને આનંદની દશા પ્રગટી છે તેના શુભભાવમાં અશુભ ટળ્યો છે અને હવે પછી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વનો ઉગ્ર આશ્રય લઇને શુભને પણ ટાળી મોક્ષપદ પામશે તેથી તેના શુભ રાગને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ મિથ્યાદ્રષ્ટિને કે સમ્યગ્દ્રષ્ટિને મોક્ષનું કારણ છે જ નહિ.
સમયસાર નાટકમાં પંડિત બનારસીદાસે કહ્યું છે કે છઠ્ઠાગુણસ્થાને પંચમહાવ્રતનો કે સમિતિ, ગુપ્તિ ઇત્યાદિનો જે રાગભાવ થાય તે સંસારપંથ છે, જગપંથ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ધારક સાચા સંત મુનિરાજને જે શુભરાગ છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે, મોક્ષપંથ નથી. અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયથી જે વીતરાગતા પ્રગટી છે તે મોક્ષપંથ છે. અહાહા...! છઠ્ઠેગુણસ્થાને મુનિરાજને જે વ્રતાદિનો વિકલ્પ છે તે જગપંથ છે. ભાઇ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી ઊભો થાય છે, રાગથી નહિ, રાગ તો સંસાર ભણી ઝુકે છે. અહા! જ્ઞાનીને તો રાગ સાથે કર્તાકર્મભાવનો અભિપ્રાય જ નથી, છતાં જે રાગ છે તે જગપંથ છે. આ જિનવચન છે.