૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.’
જુઓ, જેટલા પ્રમાણમાં રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મ બંધાય છતાં રાગ કર્મની અવસ્થાનો કર્તા નથી. આ આંગળી ઊંચી નીચી થાય તે એની પોતાની પર્યાયથી થાય છે, એમાં વિકલ્પ નિમિત્ત છે; પણ વિકલ્પના (નિમિત્તના) કારણે એ કાર્ય ત્યાં જડમાં થયું છે એમ નથી. લોકો માને છે કે-અમે દેશસેવાનાં કામ કરીએ છીએ, સમાજને સુધારી દઇએ છીએ, કુટુંબને ઊંચુ લાવીએ છીએ. પણ એ બધું કોણ કરે, ભાઇ? તને ખબર નથી કે જીવ કર્તા થઇને કદાચિત્ પોતાના વિકારી પરિણામને કરે પણ પરનો કર્તા થઇ શકે નહિ. અજ્ઞાની વિકારી પરિણામ તે મારું કાર્ય એમ માને પણ પરનો કર્તા થઇ શકે નહિ. જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી પોતાના વિકારી ભાવનો જીવ કર્તા છે. અહીં વિકારી ભાવ જીવના છે એમ સિદ્ધ કરીને પછી જ્ઞાનભાવ સિદ્ધ કરવો છે.
પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી-એટલે કે વિકારી ભાવ જીવમાં પોતાથી થાય છે. પરને લઇને તે થતો નથી. શાસ્ત્રમાં એમ પણ આવે છે કે સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા કર્તા નથી. એ તો ત્યાં પર્યાયદ્રષ્ટિ છોડાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાની વાત છે. જ્યારે અહીં અજ્ઞાનીની મુખ્યતાથી વાત છે. માટે જીવ અજ્ઞાનપણે પોતાના વિકારી ભાવનો કર્તા છે એમ કહ્યું છે. અહીં વિકારી ભાવનો અજ્ઞાની કર્તા છે એમ સિદ્ધ કરવાની વાત છે.
પરનો કર્તા આત્મા નથી. વળી રાગનો કર્તા જે પોતાને માને તે પણ વાસ્તવમાં જૈન નથી. જે રાગનો કર્તા પોતાને માને તે મિથ્યાદ્રષ્ટિ છે, જૈન નથી. ધર્મી જૈન તો આનંદનો કર્તા થઇને આનંદને ભોગવે, અનુભવે છે. ભાઇ! જૈન કોઇ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. કહ્યું છે ને કે- ‘જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ,
વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. એની જ્યાં દ્રષ્ટિ અને અનુભવ થયો તો જ્ઞાની રાગનો કર્તા થતો નથી, પરંતુ તેનો જાણનાર જ્ઞાતા રહે છે; અને તે જૈન છે.
રાગ સમકિતીને, મુનિને થાય છે ખરો, પણ તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે. બારમી ગાથામાં તે આવે છે કે તે તે કાળે જે જે પ્રકારના રાગની દશા છે તેને તે તે પ્રકારે જ્ઞાન પોતાથી જાણે છે. રાગ છે માટે જાણે છે એમ નહિ, પણ પરને પણ જાણવાનું પોતાના જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન છે માટે જાણે છે.