૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. * * * સમયસાર ગાથા ૮૪ઃ મથાળું હવે અજ્ઞાનીનો રૂઢ વ્યવહાર દર્શાવે છે. અજ્ઞાની શું માને છે તે સ્પષ્ટ કરીને ભેદજ્ઞાન કરાવે છે. * ગાથા– ૮૪ઃ ટીકા ઉપરનું પ્રવચન * ‘જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને અનુકૂળ એવા વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને ભાવ્યભાવકભાવ વડે અનુવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોના અનાદિથી રૂઢ વ્યવહાર છે’- શું કહે છે? કે વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાની પર્યાયને કરે છે, કુંભાર નહિ. પ્રશ્નઃ– આ વાત ગળે ઉતરતી નથી ને? ઉત્તરઃ– આ વાત ગળે ઉતારવી પડશે. વસ્તુનું સ્વરૂપ જ એમ છે. અહીં તો કહે છે કે વ્યવહારનો જે શુભરાગ છે તેને પોતાનું કર્તવ્ય માની તેનો કર્તા થાય છે. તેને આત્મા હેય થઈ જાય છે. રાગને ઉપાદેય માનનારે અમૃતસ્વરૂપ ભગવાન આત્માને હેય માન્યો છે. જેમ કોઈ મહાપુરુષ ઘેર આવે તેને છોડીને નાના બાળક સાથે વાત કરવા લાગી જાય તો તે મહાપુરુષનો અનાદર છે. તેમ ત્રણલોકનો નાથ ભગવાન અંદર મહાન ચીજ પડી છે તેની સન્મુખ ન થતાં રાગ સામે લક્ષ કરીને આનંદ માને તો તે ભગવાન આત્માનો અનાદર છે. પરમાત્મપ્રકાશ ગાથા ૩૬માં લખ્યું છે કે -“अत्र सदैव परमात्मा वीतरागनिविकल्प– समाधिरतानामुपादेयो भवत्यन्येषां इति भावार्थः” સદાય વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધુઓને તો આત્મા ઉપાદેય છે; મૂઢોને નહિ. અહાહા..! શું કહે છે? સાંભળ, ભાઈ! આત્મા જે શુદ્ધચૈતન્યઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છે તે નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા સાધુઓને સદાય ઉપાદેય છે અને રાગ હેય છે.