Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 23 ; Date: 02-07-1978.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 24

 

Page 80 of 225
PDF/HTML Page 93 of 238
single page version

૮૦ શ્રી પ્રવચન રત્નો-૧

પ્રવચનક્રમાંક–૨૩ દિનાંકઃ ૨–૭–૭૮

‘સમયસાર’ છઠ્ઠી ગાથાનો ભાવાર્થ. છઠ્ઠીગાથા થઈ ગઈ. આ ભાવર્થ છે. શું કહેવા માગે છે? કે આ વસ્તુ જે છે આત્મા! તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના.. સ્વભાવ તરીકે વસ્તુ (આત્મદ્રવ્ય) પોતે શુદ્ધ છે. પવિત્ર છે, નિર્મળ છે. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કરતાં... એની દ્રષ્ટિ કરતાં એટલે એનો આદર કરતાં, એને એ ‘શુદ્ધ છે’ એવું જ્ઞાનમાં-ખ્યાલમાં આવે! વસ્તુ (આત્મદ્રવ્ય) તો શુદ્ધ છે, એ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન-આનંદકંદ છે. મલિનતા તો, એકસમયની પર્યાયમાં દેખાય છે, વસ્તુ મલિન નથી. વસ્તુ (આત્મવસ્તુ) નિર્મળ, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ એકરૂપ વસ્તુ ત્રિકાળ છે!! એતો, શુદ્ધ છે, પવિત્ર છે, અખંડ છે!!

પણ કોને? એને... જાણે... એને! જેના જ્ઞાનમાં આવી વસ્તુ આવી નથી- એ ચૈતન્યપ્રભુ છે. પૂર્ણાનંદ છે-પણ, જેના ખ્યાલમાં આવી નથી, એને તો છે જ નહીં.

એને ભલે, વસ્તુ (આત્મા) છે પણ, ‘એ શુદ્ધ છે’ એમ તો એને (જ્ઞાનમાં ખ્યાલમાં) છે નહીં, કેમકે દ્રષ્ટિમાં જેને રાગ ને પુણ્ય ને દયા, દાનના વિકલ્પ, જેની દ્રષ્ટિમાં વર્તે છે, એને વસ્તુ (આત્મા) શુદ્ધ છે તે તેના શ્રદ્ધા-જ્ઞાનમાં આવ્યું નથી, એના શ્રદ્ધા-જ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે- પર્યાય આવી છે. અને એ અશુદ્ધતા પર્યાયમાં એને આવી છે તે યથાર્થ છે ‘યથાર્થ છે’ એટલે અશુદ્ધપણું (પર્યાયમાં) છે, પર્યાયદ્રષ્ટિએ અશુદ્ધપણું છે.

પણ, એ વાસ્તવિક ચીજ નથી. વાસ્તવિક ચીજ તો, ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ચૈતન્યમૂર્તિ છે! એ સત્ય છે!!

એની (પર્યાયદ્રષ્ટિની) અપેક્ષાએ પર્યાય હતી ખરી-છે ખરી, પણ ત્રિકાળી આત્માની અપેક્ષાએ તે વસ્તુને (પર્યાયને) ગૌણ કરીને, નથી એમ કહેવામાં આવ્યું, પણ પર્યાય છે-રાગ છે-અસ્તિ છે ઈ. નથી એમ નહીં.

પણ, તે પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે, માટે ‘પર્યાય નથી’ એમ નિષેધ કર્યો, એ પર્યાય હોવા છતાં-રાગાદિ હોવા છતાં, એ પર્યાયદ્રષ્ટિનો નિષેધ કરી, તે ચીજ મારામાં નથી, એમ નિષેધ કર્યો.

આહા.. હા! વસ્તુ જ્ઞાયક! ચૈતન્યપ્રભુ! સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે, આહા..! તેની દ્રષ્ટિ કરતાં, એની દ્રષ્ટિમાં - આવી દ્રષ્ટિ કરી (શુદ્ધ દ્રવ્યની) ત્યારે ચીજ આવી ખ્યાલમાં, એને માટે ‘શુદ્ધ’ ને પવિત્ર છે.

આહા...! જેને ખ્યાલમાં જ વસ્તુ આવી નથી એને ‘શુદ્ધ’ છે એ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? ઝીણી વાત છે, આ તો મુખ્ય વાત છે.. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે કહેલી અને જોયેલી અને જગતને દેખાડવા માટે આ વાત છે!

આહા...! પ્રભુ! તું કોણ છો? તને.. તેં દેખ્યો નથી! તું જે નથી, તેને તેં દેખી.


Page 81 of 225
PDF/HTML Page 94 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૮૧

આહા.. હા! પર્યાયમાં રાગ અને પુણ્યને પાપના ભાવ, કે જે એ વસ્તુમાં (આત્મામાં) નથી, એને તેં દેખીને માન્યું (કે શુભાશુભ મારામાં છે) એ તો, પરિભ્રમણનું કારણ છે.

એ પરિભ્રમણનો અંત... એટલે કે જેમાં પરિભ્રમણને પરિભ્રમણનો ભાવ નથી એવી ચીજ તું છો પ્રભુ! પૂર્ણાનંદનો નાથ! સચ્ચિદાનંદ!! સત્=સત્... ચિદ્.. આનંદ=સચ્ચિદાનંદ (એટલે) જ્ઞાન ને આનંદ પ્રભુ આત્મા (છે). પણ, એની દ્રષ્ટિ કરે એને એ જ્ઞાન-આનંદ છે. એની દ્રષ્ટિ ન કરે-વસ્તુ દ્રષ્ટિમાં આવી નથી, તો એને તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. આહા.. હા! આકરું કામ બાપુ!

તેથી, અહીં ભાવાર્થમાં કહે છે કે ‘અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે’ વસ્તુમાં નથી (આત્માદ્રવ્યમાં નથી) સમજાણું કાંઈ...?

વસ્તુ જે ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે શુદ્ધ છે, અખંડ!! એમાં મલિનતા નથી. પણ જે પર્યાયમાં મલિનતા થાય છે, એ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. સંયોગી ચીજના લક્ષે તે ‘સંયોગીભાવ’ ઉત્પન્ન થાય છે.

સ્વભાવભાવની દ્રષ્ટિએ, સ્વ, ભાવ તેને દ્રષ્ટિમાં આવે છે, અને સંયોગીભાવના લક્ષે તેને સંયોગીભાવ લક્ષમાં આવે છે- અશુદ્ધતા તેને દ્રષ્ટિમાં આવે છે, એ (અશુદ્ધતા) પરદ્રવ્યના સંયોગથી આવે છે? આહા! ઝીણી વાત બહુ બાપુ! મારગ વીતરાગનો છે ને...! બાપા...!

આહા...! વીતરાગસ્વરૂપ છે પ્રભુ, જો તે વીતરાગસ્વરૂપ ન હોય તો, વીતરાગતા અને સર્વજ્ઞતા ક્યાંથી આવશે? શું તે કાંઈ બહારથી આવે તેવું છે?

આહા.... હા! વીતરાગસ્વરૂપે પ્રભુ આત્મા છે. પણ, એને આ રાગ જે દેખાય છે, તે સંયોગજનિતપર્યાય-અશુદ્ધ-મલિન છે. જોયું? ‘અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે’ છે? પર્યાયમાં અવસ્થામાં રાગ છે જ નહીં, એમ નથી. રાગ પણ છે. અને તે અપેક્ષાએ સત્ય સત્ય એટલે ‘છે એમ’ . ‘નથી જ’ એમ નહીં-અસત્ છે એમ નહીં.

(શ્રોતાઃ) રાગ ભ્રમણાથી ઉત્પન્ન કર્યો છે? (ઉતરઃ) હેં? ભ્રમણા છે, પોતે રાગ ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે. સ્વરૂપમાં રાગ નથી, સંયોગને લક્ષે ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. આહા..! પણ, ‘ભ્રમ’ પણ છે, ભ્રમ નથી એમ નહીં. પર્યાયમાં, એ અશુદ્ધતાની અવસ્થા છે તેથી ‘ભ્રમ’ પણ છે. આ હું છું, તો એ ‘ભ્રમ’ પણ છે અને ‘છે’ ઈ અપેક્ષાએ ‘ભ્રમ’ સત્ય છે. પરંતુ ‘છે’ એ અપેક્ષાએ! ભલે, તે ત્રિકાળ નથી માટે અસત્ છે, પણ વર્તમાનમાં છે. તે બિલકુલ નથી જ એમ કોઈ કહે તો એ વસ્તુની પર્યાયને જ જાણતો નથી; દ્રવ્યને તો જાણતો નથી પરંતુ તેની પર્યાયને ય તે જાણતો નથી.

આહા... હા!’ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે’ સંયોગ એટલે સંબંધ! સંયોગ (અશુદ્ધપણું) કરાવતું નથી. પરદ્રવ્યનો સંયોગ, અશુદ્ધપણું કરતું નથી, પણ પરદ્રવ્યના સંયોગે પોતે અશુદ્ધપણું ઊભું કરે છે. સમજાણું કંઈ....? આવી વાત છે બાપુ! બહુ ઝીણી વાત છે!!

અનંતકાળમાં એણે આત્મા શું ચીજ છે, તે વાસ્તવિક જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી, બાકી બધા પ્રયત્નો કરી-કરીને મરી ગ્યો બહારથી...

(કહે છે) ‘ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય રૂપ થતું જ નથી’ એટલે શું કહે છે? અશુદ્ધતા પરદ્રવ્યના સંબંધે


Page 82 of 225
PDF/HTML Page 95 of 238
single page version

૮૨ શ્રી પ્રવચન રત્નો-૧ આવે છે અર્થાત્ પરનો સંબંધ કર્યો છે માટે, હો? પણ, પરને લઈને અશુદ્ધતા-વિકાર થાય છે, એમ નથી.

હવે, કહે છે. કેઃ ‘મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ થતું જ નથી’ એટલે કે (મૂળ દ્રવ્ય) વિકારરૂપ થતું જ નથી. અન્યદ્રવ્ય=રાગ, એ ખરેખર વસ્તુ નથી અન્યદ્રવ્ય છે. એ રૂપે મૂળદ્રવ્ય થતું નથી.

આહા... હા! અંદર ભગવાન આત્મામાં, જે કંઈ પુણ્યને પાપનો ભાવ થાય, તે નિશ્ચયથી અન્યદ્રવ્ય છે. તો, સ્વદ્રવ્ય તે અન્યદ્રવ્યરૂપે થતું નથી. આહા.. હા! વસ્તુ છે તે વિકારપણે થતી જ નથી ત્રણકાળમાં!!

આહા.. હા! ‘તે મૂળ દ્રવ્ય તો..’ મૂળદ્રવ્ય કહ્યું છે ને...! (પહેલા તો) ઉત્પન્ન થયેલી દશા કીધી, સંયોગના સંબંધે ઉત્પન્ન થયેલો અશુદ્ધ ભાવ છે,’ પણ મૂળદ્રવ્ય જે છે, એતો અન્યદ્રવ્યરૂપ- મલિનતારૂપે થયું જ નથી. અન્ય દ્રવ્યના સંયોગે થતો ‘ભાવ’ , એ ખરેખર તો અન્યદ્રવ્ય છે. વસ્તુનું સ્વરૂપ નથી. આહા.. હા! આવું સમજવું હવે!

આહા... હા! ‘મૂળ દ્રવ્ય’ -જે મૂળચીજ છે. સત્ અનાદિ-અનંત, વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે, પદાર્થ તરીકે, સત્ત્વ તરીકે જે છે, એ અનેરા તત્ત્વપણે થતું નથી. અનેરા તત્ત્વ નામ એ રાગરૂપે થતું નથી. એ પરદ્રવ્ય છે-એ અનેરું તત્ત્વ છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ, એ વિકલ્પ છે, રાગ છે, એ અનેરું તત્ત્વ છે. એ જીવ તત્ત્વ નથી, ત્યાં મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ એટલે અન્યતત્ત્વરૂપ થતું જ નથી.

આહા.. હા! ‘માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે’ નિમિત્તથી એટલે? નિમિત્તથી થતું નથી. નિમિત્ત છે તેના લક્ષે થયેલી છે મલિન અવસ્થા, તેથી નિમિત્તથી એમ કીધું છે, કથન છે. ‘માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. (એટલે) અવસ્થામાં મલિનતા છે-પર્યાયમાં મલિનતા છે, વસ્તુ (તો) નિર્મળાનંદ પ્રભુ છે!

આહા.. હા! વીતરાગમૂર્તિ પ્રભુ ચૈતન્ય તો અનાદિ-અનંત, વસ્તુ છે. એના પર્યાયમાં, પરદ્રવ્યના નિમિત્તે, અવસ્થા એટલે કે દશા-હાલત મલિન થઈ જાય છે. વસ્તુ નહીં. આહા.. હા! એની વર્તમાનદશા મલિન થઈ જાય છે.

(કહે છે કે) ‘દ્રવ્યદ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તેજ છે’ -દ્રવ્યદ્રષ્ટિથી હો? દ્રવ્યને જે દ્રષ્ટિ દેખે, તે દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય જે છે તે જ છે. એતો જે છે તે જ છે! આહા... હા! ભાઈ, ભાવ ઝીણા છે! ભાષા સાદી છે, કંઈ બહુ એવી નથી.

આહા... હા! એને અનંત, અનંત કાળ થયા, તત્ત્વ શું છે? મૂળ-કાયમી ચીજ શું છે? તે, ‘દ્રવ્યદ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે!! એમાં મલિનતા ય નથી, સંસારે ય જે છે તે જ છો?! નથી, એ છે તે જ છે અનાદિની!! દ્રવ્યદ્રષ્ટિથી તો દ્રવ્ય’ એટલે વસ્તુ! , દ્રવ્ય એટલે આ પૈસો નહીં હો?! આહા...! ભગવાન આત્મા, વસ્તુ છે ને...! છે ને... !! એ ભૂતકાળમાં નહોતી એમ છે? એ તો પહેલેથી જ છે અનાદિ છે, અને વર્તમાન છે અને અનાદિ છે તે ભવિષ્યમાં છે. ‘છે’ તે તો ત્રિકાળ છે.’ છે છે ને છે’ આવો જે (આત્મા) ‘દ્રવ્યદ્રષ્ટિએ જે છે તે જ છે-જે છે તે જ છે. ‘પર્યાયદ્રષ્ટિથી જોવામાં આવે’ - જોવામાં આવે! જોયું? પર્યાયદ્રષ્ટિથી આમ જોવામાં આવે... ‘તો મલિન જ દેખાય છે’ - છે મલિન, એ દેખાય છે. પર્યાયથી જોઈએ તો મલિન છે એમ દેખાય છે.


Page 83 of 225
PDF/HTML Page 96 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૮૩

આંહી પરની દયા પાળવી કે પરની હિંસા (આત્મા) કરી શકે છે, એ વાત તો છે જ નહીં કારણકે એ વાત (સ્વરૂપમાં જ) નથી, એ કરી શકતો નથી, (કર્ત્તાપણું) એ તત્ત્વમાં જ નથી, એની વાત શું કરવી?

એનામાં ઈ કરી શકે છે-પર્યાયદ્રષ્ટિ અને દ્રવ્યદ્રષ્ટિ, એ (બે) વાત કરે છે. સમજાણું કાંઈ....? મલિનપર્યાય કરી શકે છે અજ્ઞાનભાવે પર્યાયદ્રષ્ટિએ પણ એથી પરનું કાંઈ કરી શકે છે, એ તો વાત આંહી લીધી જ નથી, કારણ કે પર તો પરપણે છે અને (આત્મા) શું કરી શકે?

તારામાં હવે બે વાત છે. જો પર્યાયદ્રષ્ટિએ જોઈએ તો તારામાં મલિનતા છે, એ પણ બરાબર છે, દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ તો તે જે છે તે જ છે, એ પણ બરાબર છે. (બેય) બરાબર છે તો, જે ત્રિકાળી ચીજ છે તે દ્રષ્ટિમાં લેવા.. એ મલિનતા જે પર્યાયમાં છે, તે છે છતાં તેને ગૌણ કરીને, તે નથી એમ કહીને એને ત્રિકાળી જે છે અને મુખ્ય કરીને-નિશ્ચય કરીને, સત્ય કહીને એનો આશ્રય લેવરાવ્યો છે. આહા.. હા! હવે, આવો ઉપદેશ છે!! પર્યાયદ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે.

‘એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે’ જોયું? દ્રવ્ય જે છે તે જ છે, તો ‘દ્રવ્ય’ શું છે ઈ? આત્માનું હવે લેવું છે ને દ્રવ્ય!! બાકી (વિશ્વમાં) બીજાં દ્રવ્ય તો છે, પણ આંહી ‘દ્રવ્ય’ જે છે તે શું? ‘એનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે. ‘દ્રવ્ય’ આહા..! જાણક્સ્વભાવ! ધ્રુવમાત્ર પ્રભુ! એ આત્મા છે. અનાદિ-અનંત એ વસ્તુ છે. (તેને) દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો, એ બધી એક ચીજ છે. પણ ‘દ્રવ્ય’ કહ્યું છે તો સામાન્ય થઈ ગયું અમારે એમાં ‘આત્મા’ કહેવો છે. ત્યારે તેને કહ્યું કે એ આત્માનો સ્વભાવ ‘જ્ઞાયકપણું માત્ર’ છે. (વિશ્વમાં) દ્રવ્ય તો છ એ છે, એ તો બધા દ્રવ્યોની સામાન્ય વાત કહી. પણ, ‘આ દ્રવ્ય છે’ એ વસ્તુ શું છે? તો કહે છે કે (વિશ્વમાં) દ્રવ્ય તો પરમાણુ પણ છે, આકાશ પણ છે. પણ આ જ્ઞાયકમાત્ર દ્રવ્ય છે. જ્ઞાયકપ્રભુ! જાણક્-સ્વભાવસ્વરૂપ તે દ્રવ્ય છે. (વિશ્વમાં) દ્રવ્ય તો પરમાણુ છે ને આકાશ પણ છે એ કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી, એ તો જડસ્વરૂપ છે.

‘આ રીતે આત્માનો સ્વભાવ’ જ્યારે દ્રવ્ય જે છે તે જ છે, (એમ કહ્યું) તો એ તો ‘જ્ઞાયકપણું માત્ર’ છે. આહા.. હા! જાણક્... સ્વભાવની મૂર્તિ... પ્રભુ... આત્મા છે. જાણક્સ્વભાવની પૂતળી પોતે છે. એકલો જ્ઞાયકભાવ! એ દ્રવ્ય!! સમજાણું કાંઈ...? મારગ બહુ અલૌકિક છે બાપા! એક તો આવું સત્ય છે, તેવું સાંભળવા મળે નહીં, તે કે દિ’ વિચારે... અને વાસ્તવિક છે જે કરવા જેવું તે કેદિ’ કરે?! એ દ્રવ્ય! આત્માનો સ્વભાવ, કાયમી દ્રવ્ય લેવું છે ને...! કહે છે કે દ્રવ્યનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર! બિલકુલ, રાગને પુણ્યને સંસાર ને ઉદયભાવ એમાં બિલકુલ છે નહીં. એ તો જ્ઞાયક માત્ર પ્રભુ ધ્રુવ, જાણક્સ્વભાવનો કંદપ્રભુ! જાણક્સ્વભાવનું વજ્રબિંબ!! એ તો ‘જ્ઞાયકમાત્ર’ પ્રભુ છે.

‘જેની દ્રષ્ટિ કરતાં સમયગ્દર્શન થાય’ એ જ્ઞાયકની દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે, કારણ કે સમ્યક્ નામ સત્યદર્શન!! એ જ્ઞાયક ત્રિકાળી સત્ છે, એનું દર્શન કરતાં સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ...?

(કહે છે) ‘અને તેની અવસ્થા, પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે’ તે પર્યાય છે. પહેલી સાધારણ વાત કરી’તી પછી, દ્રવ્ય (ને) જ્ઞાયકભાવ તરીકે બતાવીને, એ વસ્તુ (આત્મતત્ત્વ) જ્ઞાયકભાવમય દ્રવ્ય છે. (એમ કહ્યું) અને એની પર્યાયમાં,

‘તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી’ (એમ કહ્યું તો) નિમિત્તથી એટલે એનાથી એમ નહીં.


Page 84 of 225
PDF/HTML Page 97 of 238
single page version

૮૪ શ્રી પ્રવચન રત્નો-૧ નિમિત્ત છે પણ એનાથી થયું નથી. ફકત, સ્વભાવથી નથી થયું, એથી તે ‘નિમિત્તથી’ થયું છે એમ કહેવામાં આવે છે.

આહા.. હા! ‘પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ...’ રાગ-દ્વેષ, વિષય-કષાયના ભાવ, એ બધાં મલિન છે. એ તો પર્યાય છે. એ વસ્તુ નથી કાંઈ! મલિન જે કાંઈ પુણ્યને પાપના ભાવ દેખાય છે, એ તો પર્યાય છે. દ્રવ્ય-જ્ઞાયક છે તે, આ મલિનપર્યાયમાં આવ્યું નથી, તેમ મલિનપર્યાય, પર્યાય છે તે જ્ઞાયકભાવમાં ગઈ નથી. એનું ‘હોવાપણું’ પર્યાયનું પર્યાયમાં રહેલું છે, અને જ્ઞાયકભાવનું ‘હોવાપણું’ પોતાના જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકભાવમાં રહેલું છે. બેય ‘હોવાપણે’ તો છે.

આમ આકાશના ફૂલ નથી, એની જેમ અશુદ્ધતા નથી, એમ નથી, પણ ઈ (અશુદ્ધતા) પર્યાયમાં છે. આહા.. હા! વસ્તુમાં (દ્રવ્યમાં) નથી. આહા..! આવું જ્યાં! વાણિયાને ધંધા આડે, નવરાશ ન મળે! ભાઈ!

આહા... હા! આ વસ્તુ તો જુઓ! આ? પ્રભુ જે ચૈતન્ય દ્રવ્ય છે, એ જ્ઞાયકરૂપે દ્રવ્ય છે, એમ કહ્યું (જગતમાં) દ્રવ્ય તો બીજાંય છે પરમાણુ આદિ, આ તો, ચૈતન્યજ્યોત! જ્ઞાયકભાવ! જ્ઞાયકભાવ ધ્રુવ! જ્ઞાયકમાત્રભાવ, એ રીતે પ્રભુ (આત્મા) છે અને એની અવસ્થામાં સંયોગજનિત મલિનતા પણ છે. (છતાં) પણ એ મલિનતા જ્ઞાયકભાવમાં ગઈ નથી, ‘જ્ઞાયક ભાવ મલિનપણે થયો નથી’

આહા... હા! ‘પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો’ જોયું? પર્યાય છે, એમ સિદ્ધ કર્યું છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે’ આહા.. હા! વર્તમાન રાગને પુણ્ય, પાપના ભાવ, સંયોગજનિત જે છે ઈ છે. એ પર્યાયદ્રષ્ટિએ જોવામાં આવે... તો એ છે.’ મલિન જ દેખાય છે’ આહા.. હા!

હવે, આવ્યું જુઓ!! ‘દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો...’ જોવામાં આવે એમ. ઓલામાં (મલિનતામાં) પર્યાયદ્રષ્ટિથી જોવામાં આવે તો.. (કહ્યું) વર્તમાન પર્યાયથી જોવામાં આવે તો મલિનતા જ્ઞાનીનેય દેખાય છે પર્યાયમાં, તેથી (આચાર્યદેવે) કહ્યું ને કે ‘મારો મોહ ને પરના મોહના નાશ માટે’ પર્યાયમાં મોહ છે, ઈ ભલે આંહી (સાધકને) રાગનો અંશ છે પણ ‘છે’ - અસ્તિ છે. પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં એ છે નહીં. આહા.. હા! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે!! આહા.. મૂળ વિના-વરવિના અત્યારે જાન જોડી દીધી! દુલ્હો નહીં ને જોડી દીધી. કે આત્મા, કોણ દ્રવ્ય છે? એનાં જ્ઞાન ને ભાન વિના... બધું કરો વ્રતને, તપને, ભક્તિને, મંદિરો.. ને.. આહા.. હા!

અહીંયાં કહે છે (કે) દ્રવ્ય જે છે એ તો જ્ઞાયકભાવ છે. પર્યાયથી જુઓ તો મલિનતા છે. ‘દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે’ એને.. દ્રવ્ય જે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. એ મલિન થયું જ નથી, વસ્તુ મલિન થઈ જ નથી!

આહા...! કેમ... બેસે? આ મલિન પર્યાય છે તે... મલિન પર્યાય, પર્યાય તો મલિન છે ને પર્યાય દ્રવ્યની છે તો દ્રવ્ય મલિન નથી થયું? એમ કહે છે. છાપામાં આવે છે, ઈ કહે છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે.


Page 85 of 225
PDF/HTML Page 98 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૮પ

અરે, ભગવાન નવમી ગાથામાં આવે છે ને પ્રચવનસારની. અશુભભાવ વખતે દ્રવ્ય અશુભ, છે, અશુભભાવમાં તન્મય છે અને શુદ્ધભાવ વખતે દ્રવ્ય શુદ્ધ છે, શુદ્ધભાવમાં તન્મય છે પર્યાય, એ તો પર્યાયની વાત છે. બીજાની છે ને એની કહેવાય એમ નથી. (શ્રોતા) એ રીતે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય? (ઉત્તર) પણ શુદ્ધ ત્રિકાળી છે, એ શુદ્ધ જ છે. દ્રવ્ય કોઈ દિ’ અશુદ્ધ થાય જ નહીં ત્રણકાળમાં- ત્રણકાળમાં એમ નથી. ભગવાન (આત્મદ્રવ્ય) તો જ્ઞાયકરૂપે ત્રિકાળ રહ્યો છે. શુભપણે, અશુભપણે ને શુદ્ધપણે પરિણમે, એ પર્યાય પરિણમે છે. એ શુભની પર્યાય કાંઈ દ્રવ્યમાં ગરી ગઈ નથી. આહા.. હા! સમજાય છે કાંઈ.. ?

આવું સ્વરૂપ છે ભાઈ...! તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ! તને ખબર નથી! આહા.. હા! “અને તને દ્રષ્ટિ કરવા માટે અવકાશ છે” કેમ? એતો જ્ઞાયકપણે રહ્યો જ છે, એમાં મલિનતા ક્યાં છે? (નથી) તેથી, દ્રષ્ટિ કરવા માટે તને અવકાશ છે. એતો, જ્ઞાયકપણે પ્રભુ (શુદ્ધ) તો ત્રિકાળ રહેલો છે!! આહા..! માટે દ્રષ્ટિનો વિષય છે એ તો ‘એવો ને એવો’ રહેલો છે (તેથી તો) રહ્યો છે માટે દ્રષ્ટિ કરી શકીશ તું આહા.. હા..! (દ્રષ્ટિનો વિષય દ્રવ્ય) મલિન થઈ ગ્યો હોય ને... શુદ્ધતા નામે ય ન હોય તો તો મુશ્કેલી!

પણ, ઈ તો પર્યાયમાં મલિન છે. (દ્રવ્ય તો એવું ને એવું રહેલું) પહેલી વાતમાં-પહેલામાં પહેલાં સમયગ્દર્શનનાં જ ઠેકાણાં નથી. એ વસ્તુ જ જ્યાં નથી-જેની ભૂમિકા-સમ્યગ્દર્શનની, ધરમની ભૂમિકા શરૂ થાય છે એ વસ્તુ જ જ્યાં નથી એને તો આ બધાં વ્રતને તપ કરે ઉપસર્ગ પરિષહ સહન કરે ને.. એ બધું થોથાં છે, સંસાર ખાતે છે પ્રભુ!!

આહા.. હા! ‘દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે...’ એ તો, દ્રવ્ય તો, જ્ઞાયકભાવે છે. એ દ્રષ્ટિથી જોવામાં આવે.. તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ તેને નજરે પડશે! આહા.. હા! સમજાણું? શું કહ્યું? કે જે આત્મા છે એ જ્ઞાયકભાવ-જાણક્સ્વભાવ ભાવ એ તો ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં મલિનતા છે ઈ તો દશામાં-પર્યાયમાં છે, વસ્તુ છે એ તો જ્ઞાયક ભાવે ત્રિકાળ રહેલી છે. એ જ્ઞાયકભાવ કોઈ દિ’ મલિન થયો નથી, જ્ઞાયકભાવ કોઈ દિ’ અપૂર્ણ રહ્યો નથી. જ્ઞાયકભાવ કોઈ દિ’ પરપણે થઈને અશુદ્ધતા એને લાગુ પડે એમ થયું જ નથી. એ જ્ઞાયકભાવ ત્રિકાળ છે એને આવરણ નથી. આહા.. હા! એ તો, જ્ઞાયકપ્રભુ છે વસ્તુ છે ને...! ચૈતન્ય વસ્તુ છે ને...! જાણક્સ્વભાવ... જાણક્સ્વ ભાવ.. જાણક્સ્વભાવ, એવી નિત્યાનંદ પ્રભુ ધ્રુવ (વસ્તુ) અણઉત્પન્ન ને અવિનાશી એવી ચીજ છે ને... !!

તો..... તને અવકાશ છે. કેમકે જ્ઞાયકભાવ, જ્ઞાયકપણે રહેલો છે. તો, તેની દ્રષ્ટિ કરવાને અવકાશ છે તને. તો તે જ્ઞાયકની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે.

આહા..! એ મલિન થઈ ગ્યો હોય ને એને જ્ઞાયકપણે માનવો હોય, તો તો એને અવકાશ, સમ્યગદર્શનનો ન રહે!

આહા.. હા! પણ પ્રભુ (આત્મા)! તો અંદર ચૈતનય સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ! એ તો જ્ઞાયકપણે-જાણક્પણે-તત્ત્વપણે ત્રિકાળ છે. એની વર્તમાન અવસ્થા-હાલત-પર્યાય એમાં મલિનપણું આ પુણ્ય-પાપનું દેખાય છે. (છતાં) એ પુણ્ય પાપના મલિનતાપણે જ્ઞાયકત્રિકાળ થયો જ નથી કોઈ દિ’ આહા... હા! કેમકે એ મલિનતાની પર્યાયનો એમાં પ્રવેશ નથી. કેમકે મલિનપર્યાયને એ જ્ઞાયકભાવ છે


Page 86 of 225
PDF/HTML Page 99 of 238
single page version

૮૬ શ્રી પ્રવચન રત્નો-૧ તે અડતો ય નથી. આ તે કંઈ વાત!! આકરી વાત છે બાપુ!

એ જ્ઞાયકપણું, દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો, ‘જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે’ શું કહ્યું? ‘જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે.’ જોયું? એનો સ્વભાવ જાણવા-પણું છે, ઈ સત્ પ્રભુ ઈ આત્મા સત્! સચ્ચિદાનંદ!! ચિદ્ નામ જ્ઞાન ને આનંદનું સત્=સચ્ચિદાનંદ! એ તો ત્રિકાળી જ્ઞાનને આનંદ સ્વરૂપે જ બિરાજમાન છે.

આહા.. હા! દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો, કાયમ રહેલું તત્ત્વ છે. વર્તમાન દશામાં મલિનતા છે એને ન જોવામાં આવે અને કાયમ રહેલી ચીજ જે છે વસ્તુજ્ઞાયક-ધ્રુવ એને જોવામાં આવે, તો તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે.. ‘ભાવ’ લેવો છે ને..! સત્પણું સત્પણું? સત્ પ્રભુ, તેનું સત્પણું જે જ્ઞાયકપણું છે આહા..! સત્... ‘છે’ -એવો જે ભગવાન આત્મા એનું જ્ઞાયકપણું તે એનું સત્ત્વ એનો ‘ભાવ’ છે- આ પુણ્ય, પાપના ભાવ થાય, દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધ ના ભાવો (જે થાય) એ એનું (આત્મદ્રવ્યનું) સત્ત્વ નથી, એ સત્નું સત્ત્વ નથી, સત્નો એ કસ નથી.

આહા.. હા! સત્ પ્રભુ (આત્મદ્રવ્ય) છે એનો કસ (સત્ત્વ) તો જ્ઞાયકપણું જ છે. આરે.. આરે! આવી વાતુ હવે! નવરાશ ન મળે, તત્ત્વ સમજવાની! બપુ, આ કરવું પડશે ભાઈ..! એ નિવૃત્તિસ્વરૂપ જ પડયું છે.

‘ઓલામાં આવે છે ને...! “નજરની આળસે રે, નીરખ્યા નહિ મેં હરિ” -મારી નયનને આળસે રે, નીરખ્યા નહિ નયણે હરિ!! ઈતો ઈ પર્યાયની મલિનતાની સમીપમાં પડયો છે પ્રભુ જ્ઞાયક. આહા.. હા! પણ એને જોવાને ફુરસદ ન લીધી! જોનારને, જોવાનું નજરું (કરી) ત્યાં રોકાઈ ગયો! પર્યાયમાં બહાર જોવાનું (કર્યું) જેની સત્તામાં જોવાય છે, તે સત્તા જોવા નવરો ન થયો! સમજાણું કાંઈ...? આવો મારગ છે!!

આહા.. હા! (લોકો કહે છે કે) આમાં (અમારે) કરવું શું? કાંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કહે કે વ્રત કરવું ને દયા પાળો ને પૈસા દાનમાં આપો.. મંદિર બનાવો, એવું કહો તો સમજાય તો ખરું?

એમાં સમજવું‘તું શું? ઈ તો રાગ છે અને રાગપણે પ્રભુ (જ્ઞાયક) કોઈ દિ’ થયો નથી. એ રાગપણે પર્યાયપણે, પર્યાય થયેલ છે. આહા.. હા! એ દ્રવ્ય પોતે રાગપણે થાય તો તો થઈ રહ્યું! દ્રવ્ય અશુદ્ધ થઈ જાય એટલે કે દ્રવ્ય જ પોતે રહ્યું નહીં આહા...? એ તો ચીજ છે એ છે.

આહા... હા! જ્ઞાયકપણે પ્રભુ આત્મા બિરાજમાન છે બધા આત્માઓ અંદરમાં, જ્ઞાયકપણું છે તે છે અંદર!! આહા...? ‘છે’ તેની દ્રષ્ટિ કરવી છે ને...? પ્રભુ!!

આહા....? અમારી સામે જોઈને તું સાંભળે છે ને જે રાગ થાય છે, એ તો પર્યાયમાં થાય છે, તારો જ્ઞાયકભાવ છે, જે છે તે કોઈ દિ’ રાગપણે પર્યાય પણે થયો જ નથી. સમજાણું કાંઈ...?

(કહે છે) ‘કાંઈ જડપણું થયું નથી’ એટલે? શુભ-અશુભ ભાવ છે એ તો જડ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ જે ઊઠે, એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. આખા જ્ઞાયકપણાનો તો અભાવ છે એમાં શું કીધું ઈ? જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામમાં જ્ઞાયકપણાના તો ‘અભાવ’ છે પણ તેના એક અંશનો પણ એમાં અભાવ છે. જે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની


Page 87 of 225
PDF/HTML Page 100 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૮૭ પર્યાય, એમાં જે ભગવાન જણાણો, એવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે, જ્ઞાયકનો તો રાગમાં અભાવ છે જ.

આહા... હા! અરે! આવી વાત ક્યાં મળે ભાઈ? ! (કહેછે કેઃ) ‘જડપણું થયું નથી’ એટલે? જે કંઈ શુભભાવ કે અશુભભાવ થાય, એમાં ચૈતન્યનો-જ્ઞાયકભાવનો તો અભાવ છે, પણ જ્ઞાયકભાવની જે પર્યાય, શ્રદ્ધાજ્ઞાનને આનંદની થાય નિર્મળ એનો એમાં (રાગમાં) અભાવ છે, તેથી જડપણું છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, જાત્રાના ભાવ (થાય) એ બધો રાગ છે, તેથી જડ છે. ભગવાન ચૈતન્ય (આત્મા) જ્ઞાયકપણે છે વસ્તુ જે જ્ઞાયકપણે છે, તે તો રાગપણે રાગરૂપે થઈ નથી, એ રાગમાં આવી નથી, પણ જ્ઞાયકભાવના શ્રદ્ધાજ્ઞાનનાં કિરણ જે સાંચા ફૂટયાં, એ કિરણનો પણ રાગમાં અભાવ છે.

આહા... હા! માટે, કહે છે કે જે ભાવે પંચમહાવ્રતના ભાવ, ભગવાનનું સ્મરણ કહેવાય, એ ભાવોને ભગવાને જડ કીધા છે. આહા... હા.. હા.. હા! એ જડ (ભાવથી) ચેતનને-જ્ઞાયકનું જ્ઞાયકપણું પ્રગટે? જ્ઞાયકપણું નહોતું કે પ્રગટે? જ્ઞાયકપણું તો છે જ. જ્ઞાયકપણાના સ્વભાવનો સત્કારને પ્રતીત ને અનુભવ થયો, એનું (કારણ તો) ચૈતન્યચમત્કૃત જ છે, કહે છે. એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુને પ્રગટે. આહા...! આવું ભારે આકરું કામ બાપા!

આહા...! ચૈતન્ય જ્ઞાયકપણે તો કાયમ રહેલો પ્રભુ દ્રવ્ય છે. પણ, એને માનનારી જે દ્રષ્ટિ છે- એને જાણનારું જે જ્ઞાન છે, એને (જ) જાણનારું હો? એવા જ્ઞાનનો અંશ પણ એ શુભ રાગમાં નથી. આહાહા! એથી તે રાગને શુભાશુભને જડ કહેવામાં આવે છે.

(કહે છે) ‘અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે’ પર્યાય નથી, એમ નહીં, પર્યાય ‘છે’ પણ અહીંયા દ્રવ્યદ્રષ્ટિને, દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા, જ્ઞાયકપણાની દ્રષ્ટિ એ (જ) સત્ય છે, સત્યનો સ્વભાવ છે તેની દ્રષ્ટિ સત્ય કરાવવા... દ્રવ્યદ્રષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે, મુખ્ય-પ્રધાન કરીને કહ્યું છે. પ્રધાન (અર્થાત્) મુખ્ય કરીને કહ્યું છે.

આહા... હા! (અનાદિ) પર્યાયદ્રષ્ટિ, પણ જ્યારે આ દ્રવ્યદ્રષ્ટિ થાય યથાર્થ પછી, પર્યાયને જુએ તો મલિનતા દેખાય, તે જ્ઞાનનું જ્ઞેય છે. આહા... હા! સમજાણું કાંઈ... અને (સાધક) એને જાણે કે આ પરિણમન મારી પર્યાયમાં છે, મારા દ્રવ્યમાં નથી. પુણ્ય-પાપના ભાવ છે, મારે થાય છે, પરિણમન કરનાર હું કર્તા છું, નયજ્ઞાનથી (જ્ઞાની યથાર્થ જાણે છે)

પણ, વસ્તુદ્રષ્ટિથી જોતાં, જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું રહ્યું એને જુએ, એને જાણે, માને પછી એની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય. આહા...! મારગ, ભાઈ આકરો છે! અપવાસ કરી નાખે, ચાર-છ-આઠ-દસ, કરી નાખે. શરીરના બળિયા હોઈ ઈ અપવાસ કરે! ‘ઉપવાસ’ નહીં હો? ‘ઉપવાસ’ તો ભગવાન જ્ઞાયક ભાવ છે. તેમાં-સમીપમાં જઈને વસવું પર્યાયમાં તેને (જ્ઞાયકભાવને) આદરવો અને અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય, એને ‘ઉપવાસ’ કહે છે. બાકી બધા ‘અપવાસ’ છે.

રાગની રુચિ (પડી છે) ને, પરને છોડીને (રોટલા છોડીને) અપવાસ માને, એ તો માઠોવાસ છે, ભગવાનજ્ઞાયકભાવ છે એને તો જોયો નથી! જેનું મહા અસ્તિત્વ છે, જેનું મહાહોવાપણું છે, મહાન


Page 88 of 225
PDF/HTML Page 101 of 238
single page version

૮૮ શ્રી પ્રવચન રત્નો-૧ માહાત્મ્ય જેનું છે એને તો જોયો નથી, માન્યા નથી.

આહા... હા! ‘દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું ‘જ’ છે’ (પ્રશ્ન) એકાંત છે? (ઉત્તરઃ) હા, નિશ્ચય દ્રવ્ય છે તે સમ્યક્એકાંત છે. સમજાણું કાંઈ...?

આહા.... હા! પ્રભુ અંદર બિરાજમાન! જેને કેવળજ્ઞાન થાય, એ પર્યાય ક્યાંથી આવશે પ્રભુ? ક્યાંય બહારથી આવશે? એ અંદરમાં શક્તિને સ્વભાવ પડયો છે જ્ઞાયકભાવ, એમાંથી આવશે. આહા...!

આહા...હા..હા! ‘તે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે’ કાંઈ જડપણું થયું નથી. એટલે? એ શુભ-અશુભ ભાવ, પર્યાય નવી (નવી) છે, એ અચેતન છે, એ -રૂપે જ્ઞાયકભાવ થયો નથી, ઈ તો આવી ગયું છે ને... ટીકામાં... ‘જ્ઞાયકભાવ તે શુભાશુભભાવપણે થયો નથી, એટલે જડપણે થયો નથી. એ ટીકામાં પહેલાં આવી ગયું છે.

આહા... હા! આ કાંઈ કથા નથી- વાર્તા નથી. આ... તો પ્રભુની ‘ભાગવત કથા’ છે. ‘આ’ -ભગવત્સ્વરૂપ પ્રભુ અંદર છે, એને પહોંચી વળવા ભેટો કરવાની વાતું છે!

પ્રભુ! પામરને ભેટીને પડયો છો! પ્રભુ, પ્રભુતાની ભેટ કરી લે એકવાર! તો તારી પામરતા નાશ થઈ જશે!!

સમાજ આખાને આવો ઉપદેશ? બાપુ, સમાજ આખાને આવો ઉપદેશ? બાપુ, સમાજ તે આત્મા છે ને અંદર, પ્રભુ છે ને! આ શરીર તો માટીજડ છે આ!! “જાણનારને જણાવે છે” જાણનારને જણાવે છે કે તું તો જ્ઞાયકપણે જ કાયમ રહ્યો છો ને...!

(કહે છે) ‘જે પ્રમત્ત - અપ્રમત્તના ભેદ છે’ એ ગુણસ્થાનના - ચૌદ ગુણસ્થાન છે. એ બધું તો અશુદ્ધનયને - વ્યવહારનયનો વિષય છે. એ વસ્તુમાં નથી. ચૌદ ગુણસ્થાન... હો? પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ ચૌદ ગુણસ્થાન (શાસ્ત્રમાં) કહ્યા છે. એ અશુદ્ધનયનો વિષય છે, એ અશુદ્ધનું કહો કે વ્યવહારનો વિષય કહો, ત્રણેય એક છે. ‘જે પ્રમત્તને અપ્રમત્તના ભેદ છે’ પાઠમાં હતું ને, તેમાંથી લીધું છે. પાઠમાં ‘णवि होदि अपमत्तो ण पमत्तो’ છે.

(શ્રોતાઃ) આચાર્ય, અપ્રમત્ત પહેલાં કહે છે! (ઉત્તરઃ) ઈ તો સામાન્ય! પ્રમત્ત પહેલું હોય છે. પહેલેથી છ ગુણસ્થાન પ્રમત્ત અને અપ્રમત્ત સાતમાથી ચૌદ (ગુણસ્થાન). ગુણસ્થાનની ધારા છે ને....! એટલે તેને સમજાવવા પ્રમત્ત (અહીં) પહેલું લીધું છે. આહા...! ‘પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી’ -પ્રભુ, જ્ઞાયકભાવે બિરાજમાન!! એ શુભાશુભપણે થયો નથી. શુભ-અશુભપણે થયો નથી માટે, પ્રમત્ત-અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં (જ્ઞાયક)માં નથી. સમજાણું કાંઈ....?

આહા.. આવો (સૂક્ષ્મ જ્ઞાયકભાવ) વાર્તા હોય તો કાંઈ સમજાયે ય ખરું! રાજા-રાણીની. રાણીને રાજા મનાવવા ગ્યો ને....! હેં? જેવું થાતું હોય એવી વાતું કરે તો સમજાય ને....! ઘરે થાતું હોય ને....!

અરે બાપુ! આ તો તારા ઘરમાં થાતું નથી કોઈ દિ’ પર્યાયમાં આવી વાત છે આ તો!! ભગવાન આત્મા, સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયાં, એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞસ્વભાવમાંથી સર્વજ્ઞ થયા છીએ. એ સર્વજ્ઞપણું ક્યાંય બહારથી આવ્યું નથી. એમ તારો ગુણ જ


Page 89 of 225
PDF/HTML Page 102 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૮૯ સર્વજ્ઞસ્વભાવ છે. એ સર્વજ્ઞસ્વભાવી પોતે જ છે. એ કોઈ દિ’ રાગપણે કે અલ્પજ્ઞપણે થયો જ નથી. આહા... હા... હા! તારું જે સત્વ છે. -જ્ઞાયકપણું-જ્ઞ’ પણું-સર્વજ્ઞપણું કોઈ દિ’ અલ્પજ્ઞપણે થયું નથી. તો પછી રાગપણે તો થાય ક્યાંથી?

આહા...! ‘તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે’ શુભ-અશુભ ભાવ નથી અને પ્રમત્ત- અપ્રમત્ત એ બેય પર્યાય નથી, માટે ભેદ નથી, તેથી તે ભેદ પરદ્રવ્યના સંયોગજનિત છે. પરદ્રવ્યના સંયોગને લક્ષે થયેલાં છે.

(શું કીધું?) પરદ્રવ્યના સંયોગજનિત (કહ્યા એટલે) સંયોગે-પરદ્રવ્યે-નિમિત્તે ઉત્પન્ન કરાવ્યાં છે, એમ નહીં. સંયોગજનિત એટલે કે સંયોગના લક્ષે ઉત્પન્ન થયેલાં છે.

આહા...હા...! હવે, આવો ઉપદેશ! યાદ શી રીતે રહે! કલાક આવું સાંભળે ને! બાપુ, તું અનંત કેવળજ્ઞાનનો ધણી છોને નાથ! ત્રણકાળ, ત્રણલોકને જાણ નાથ! એવું તારું સ્વરૂપ ને શક્તિ પડી છે, અને આવી સાધારણ વાત તું ન જાણી શકે? એમ ન હોય ભાઈ! એમ ન હોય! ન સમજાય એમ ન કહે બાપુ! એ તો જ્ઞાયકપણાનો પિંડ છે ને !! એ કહે કે મને ન સમજાય, પર્યાયમાં ન સમજાય! (એમ ન કહે. બાપુ!)

આહા...! પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે એ તો પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાય છે. એ અશુદ્ધતા, પર્યાયમાં-અવસ્થામાં-હાલતમાં-બદલતી હલચલ દશામાં એ અશુદ્ધતા છે. (કદી) નહીં બદલતી-સ્થિર-ધ્રુવ વસ્તુમાં તે (અશુદ્ધતા) નથી. જ્ઞાયકભાવ, નહીં હલતો નહીં ચલતો સ્થિરધ્રુવ (છે). “उत्पादव्ययध्रौव्ययुक्तं सत्” છે ને....! ધ્રુવ છે તે હલતો-ચલતો નથી.

આહા... હા! એ (ધ્રુવ) ત્રિકાળી વસ્તુ છે. એની દ્રષ્ટિની અપેક્ષાએ, એની દ્રષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું... એ સંયોગજનિત વિકાર છે, તે દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, મુખ્ય નહીં. પેટામાં રાખ! ખરું. તળેટીમાં રાખ! (શિખર ઉપર) ચડતાં-જતાં એ તળેટી હારે નહીં આવે.

આહા...! એ દ્રવ્યદ્રષ્ટિમાં મલિનતા તે ગૌણ છે, અભાવ છે એમ નહીં હો? મલિનતા નથી જ તો સંસારેય નથી, દુઃખે ય નથી, વિકારેય નથી! પણ એમ નથી. (તે મલિનતા પર્યાયમાં) છે. પણ દ્રવ્યદ્રષ્ટિ, વસ્તુ-જ્ઞાયકભાવ એની દ્રષ્ટિની મુખ્યતાએ, એ અશુદ્ધતાને ગૌણ કરીને- ‘નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને-પેટામાં રાખીને (કહ્યું) છે. ઉપર સ્વરૂપમાં જાવું છે (શિખરે પહોંચવું છે) તળેટી હેઠે રહી ગઈ છે, પણ ઈ છે ખરી!

એમ રાગથી ભિન્ન પડીને, સ્વરૂપની દ્રષ્ટિ કરવાથી અને તેમાં સ્થિર થવામાં પર્યાયને ગૌણ કરે ત્યારે તેમાં (દ્રવ્યમાં) દ્રષ્ટિ સ્થિર થાય! આહા...! છે? ગૌણ કરી, વ્યવહાર છે. બીજી ભાષાએ કહીએ તો, દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાએ-વસ્તુ-જ્ઞાયક જે ત્રિકાળ છે એની દ્રષ્ટિએ એ (પર્યાય) ની અશુદ્ધતા છે તે વ્યવહાર છે. ત્રિકાળીજ્ઞાયક ભાવ તે નિશ્ચય છે. આ ગૌણ છે ને ઓલું મુખ્ય છે. આ વ્યવહાર છે, ઓલો ત્રિકાળી નિશ્ચય છે.

અભૂતાર્થ છે ‘નથી’ એમ કીધું છે. અ+ભૂત=પર્યાય નથી (એમ કહ્યું એ) ગૌણ કરીને. ભગવાન


Page 90 of 225
PDF/HTML Page 103 of 238
single page version

૯૦ શ્રી પ્રવચન રત્નો-૧ જ્ઞાયક ભાવ ત્રિકાળીને મુખ્ય કરીને ‘છે’ એમ નિશ્ચય કહ્યો અને ગૌણ કરીને -વ્યવહાર કહીને નથી એમ કહ્યું. બિલકુલ પર્યાય-અશુદ્ધતા નથી જ એમ નહીં. અને અસત્યાર્થ છે, જૂઠું છે. અશુદ્ધતા અસત્યાર્થ છે (કહ્યું છતાં) છે પર્યાયમાં (ત્રિકાળીમાં તે નથી.)

વિશેષ કહેશે......

“અધ્યાત્મ ગંગા” સંકલનમાંથી પૂ. ગુરુદેવશ્રીના વચનામૃતો
- જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન જ્ઞેયમાં તન્મય થતું નથી. જ્ઞેયસંબંધીના પોતાના

જ્ઞાનમાં આત્મા તન્યમ છે, જ્ઞેયમાં તન્મય નથી તેથી જ્ઞાનમાં પોતાનો સ્વપર પ્રકાશક સ્વભાવજ વિસ્તરે છે, તેમાં પરનો વિસ્તાર નથી. (બોલ નં. ૧૩૯)

- જેને નિજ આત્મજ્ઞાન વિના પરલક્ષી જ્ઞાનનો વિશેષ ક્ષયોયશમ હોય તેને

વિકારરૂપ પરિણમવું જ ભાસે છે. (બોલ નં. ૧૬૦)

- જ્ઞાનને ખંડખંડ જણાવનારી ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરજ્ઞેય હોવા છતાં તે

ભાવેન્દ્રિયની જ્ઞાયકની સાથે એકતા માનવી તે મિથ્યાત્વ છે. (બોલ નં. ૧૬૨)

- ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ થતાં પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન પ્રગટયું ત્યારે પરનું

જાણવું થયું તે સ્વજ છે એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન થયું તે રાગને લઈને થયું છે કે તે રાગનું જ્ઞાન છે તેમ નથી પણ જ્ઞાનનું જ જ્ઞાન છે. (બોલ નં. ૨પ૩)

- જાણવામાં આવતાં રાગાદિક ભાવો આત્માના જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે,

રાગાદિકને નહીં... કેમ કે જ્ઞાન આત્માથી તન્મય હોવાથી જ્ઞાન આત્માને પ્રકાશે છે- પ્રસિદ્ધ કરે છે, રાગાદિને નહીં. (બોલ નં. ૨૭પ)

-સ્વપર પ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે; જ્ઞેયને જાણે છે તેમ

કહેવું એ તો વ્યવહાર છે. રાગને જાણતાં જે જ્ઞેયાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ જણાયો નથી કેમ કે તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. (બોલ નં. ૩પ૨)

- જ્ઞાનસ્વરૂપી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા

પરજ્ઞેયોને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થવું તે જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવજ છે. (બોલ નં. ૩૬૩)

-ચૈતન્યનું “સ્વ-પર પ્રકાશપણું” વિશાય છે. ચૈતન્યની સત્તા વિશાળ છે.

ચૈતન્યના પ્રકાશમાં ચૈતન્યનો પ્રકાશ જ જાહેર થાય છે. આત્માની નજીકમાં નજીક-એક ક્ષેત્રે રાગાદિ ઉત્પન્ન થાય છે પણ આત્મા તેને જાહેર કરતો નથી. આત્મા તો પોતાને અને રાગ તથા પરને પ્રકાશે એવી પોતાની શક્તિની દ્વિરૂપતાને પ્રકાશે છે એટલે કે પોતાને જ જાહેર કરે છે, પોતાના ચેતકપણાને જ જાહેર કરે છે. (બોલ નં. ૩૭૩)