શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૩
(સમયસાર ગાથા-૬) એનો ભાવાર્થનો બીજો પેરેગ્રાફ (છે). (કહે છે) ‘અહીં એમ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે’ -આત્મા છે, તે જ્ઞાયકભાવ ત્રિકાળ છે. એટલે કે ગુણસ્થાનના જે ભેદ છે- એ શુભ, અશુભ-પુણ્ય, પાપના ભેદ, એમાં છે નહીં, પર્યાયમાં છે.
આહા...! વસ્તુ જે છે જ્ઞાયકરસ! ચૈતન્યરસ! અસ્તિ-મૌજુદગી ચીજ! વસ્તુ-વસ્તુ મૌજુદગી ચીજ!! એ આત્મા ધ્રુવ છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, ધરમની પહેલી સીડી પ્રાપ્ત કરવા માટે એ જ્ઞાયકરસ! ચૈતન્યરસ (આત્મદ્રવ્ય) જે પરિણમન-પર્યાય વિનાની ચીજ!! હલચલ નથી એમાં! (એ જ સમયગ્દર્શનનો વિષય-ધ્યેય છે).
ઝીણી વાત છે ભાઈ...! પર્યાય છે ઈ હલચલસ્વરૂપ, બદલે છે ને...! વસ્તુ ધ્રુવ છે, એ તો હલચલ વિનાની ધ્રુવ, એકરૂપ ત્રિકાળ છે. શુદ્ધ સત્તા સ્વરૂપ, એમાં પર્યાયના ભેદ પણ નથી. એ સમ્યગ્દર્શનનો વિષય છે.
આહા.. હા! ધરમની પહેલી સીડી! સમ્યગ્દર્શન પર્યાય છે, એનો વિષય- ધ્યેય, ત્રિકાળી જ્ઞાયકભાવ જ છે. એ જ સમયગ્દર્શનનો વિષય છે. એ અપેક્ષાથી (એને) અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, પર્યાય કહો કે વ્યવહાર કહો- એ ત્રિકાળી ચીજમાં (આત્મદ્રવ્યમાં) નથી.
(શ્રોતાઃ) એ શુભાશુભ બધું પર્યાયમાં છે? (ઉત્તરઃ) પર્યાયમાં છે. (આત્મ) વસ્તુમાં નથી, વસ્તુ તો ત્રિકાળી એક, સદ્રશ, ચૈતન્યધન, ચૈતન્યના પ્રકાશનું પૂર... એનું નૂર છે! આહા.. હા! અસ્તિ છે ને...! અસ્તિ છે. ને અસ્તિ!! ‘છે’ -છે ને...! મૌજુદગી છે. કાયમી-મૌજુદગીમાં શું આવ્યું?
કાયમી-મૌજુદગી તો જ્ઞાન-આનંદ આદિનો રસ! ધ્રુવ એકરૂપ ત્રિકાળ (સદ્રશ ચીજ આત્મતત્ત્વ) આદિ-અંત વિનાની ચીજ! (જેની) શરૂઆત નહીં, અંત નહીં. એટલે કાયમ-ધૂ્રવપણે બિરાજમાન પ્રભુ!! આહા.. હા! એ ચીજને સત્ કહીને, પર્યાયને અસત્ કીધી અથવા પર્યાયમાં રાગપણે ધ્રુવ પરિણમતો નથી, એમ કહ્યું! એમ કેમ કહ્યું છે? કે, જ્ઞાયકભાવ જે ધ્રુવ છે એ પુણ્ય ને પાપ (જે) અચેતન ભાવ છે જે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના વિકલ્પ છે એ તો અચેતન છે અચેતનનો અર્થઃ કે જે જ્ઞાયકરસ ચિદાનંદ છે તે તેમાં આવતો નથી, તેમજ જ્ઞાયકનું કિરણ (જ્ઞાનકિરણ) જે છે તે-પણ પુણ્ય-પાપના ભાવમાં આવતું નથી. તે કારણે પુણ્ય-પાપના ભાવને અચેતન ને જડ કહેવામાં આવ્યા છે. આ શરીર જડ છે એમાં તો રસ, ગંધ, રંગ, સ્પર્શ છે અને પુણ્ય-પાપના ભાવ છે જે દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધ (આદિભાવ) એમાં રંગ, ગંધ આદિ (જડનાગુણ) નહીં, પણ તેમાં ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી એ અપેક્ષાથી પુણ્ય-પાપના ભાવને જડ ને અચેતન કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ...?
આહા... હા! તો કહે છે કે અચેતનને જડ કહીને એનો નિષેધ કર્યો કે એ વસ્તુમાં છે નહીં. એ (ભાવ) જ્ઞાયકમાં છે નહીં. તો ઈ પર્યાયમાં છે કે નહીં? પર્યાયમાં છે. એ નિર્ણય કરનારી તો પર્યાય છે.