શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૩ એ બધા-અનંતગુણો શુદ્ધ છે અને તેથી તેનું પરિણમન પણ શુદ્ધ છે. આહા...! એ ગુણનું પરિણમન કોઈ વિકૃત છે એમ હોઈ શકે નહીં.
એથી વિકૃત જે છે એ નિમિત્તને આધીન થઈને થાય છે. એનું જ એ હોવા છતાં અજ્ઞાની ઈ મારાં છે એમ માને છે. અને જ્ઞાની નિમિત્તને આધીન થયેલ હોવા છતાં, એને તેનામાં રાખીને, પોતે તેનું જ્ઞાન/એની હયાતિ છે માટે કરે છે એમેય નહીં. તેનું જ્ઞાન એની જ્ઞાનની પર્યાયમાં–સ્વનું અને પરનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે... તેને તે જાણે છે!
આહા...! રાગને જાણે છે એમ કહેશે.. પણ ખરેખર તો એને આમ જાણે છે. (શ્રોતાઃ) એના થયેલા જ્ઞાનને જાણે છે! (ઉત્તરઃ) જ્ઞાનને જાણે છે. (શ્રોતાઃ) અટપટું છે! (ઉત્તરઃ) સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગ ત્રિલોકનાથ! તીર્થંકર દેવ! જિનેશ્વરની સાક્ષાત્ વાણી છે!!
(કહે છે કેઃ) ‘નિશ્ચયથી-ખરેખર મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં-’ અંતરંગમાં (કહ્યું) જોયું? ઈ કહેતા ‘તા ને કાલ... કે ખંડવામાં સનાવદનો ભાઈ છે, ઈ કહે આ પરિણામ છે ઈ જડના લેવાં, જીવના વિકારી પરિણામ નો’ લેવા... કીધું એમ નહીં, એમ નથી! આહા... હા... હા! આ તો ‘અંતરંગ ઉત્પન્ન થતું’ (કહ્યું છે) એ જીવના પરિણામ વિકારી છે, મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ, એ કર્મનું પરિણામ છે. જીવનું નહીં, એ જીવના પરિણામ નહીં.
(શ્રોતાઃ) જીવ તો શુદ્ધ પરિણમે! (ઉત્તરઃ) જીવ તો શુદ્ધ છે માટે એના શુદ્ધ પરિણામ હોય. એ આંહી સિદ્ધ કરવું છે. કર્ત્તાકર્મ, સિદ્ધ કરવું છે ને...! તો આત્મા કર્ત્તા થઈને કર્મ થાય, એ તો શુદ્ધ થાય. કારણ શુદ્ધ! એનાં ગુણો શુદ્ધ, પવિત્ર, આનંદકંદ છે એ તો. (આત્મા) તો અનંત-અનંત ગુણોનો પાર નથી, એવો ભંડાર છે! છતાં અનંત ગુણમાં એક્કેય ગુણ અનંતા- અનંતા-અનંતા- અનંતા-અનંતા... ગુણમાંથી એક્કેય ગુણ રાગપણે થાય એવો કોઈ ગુણ જ નથી.
(શ્રોતાઃ) ગુણ રાગપણે થાય તો મટે જ નહીં! (ઉત્તરઃ) મટે જ નહીં, ગુણ કોઈ રાગપણે થાય તો, ઈ મટે જ નહીં. અશુદ્ધ જો દ્રવ્ય થાય તો કોઈ દિ ‘મટે નહીં. પર્યાયની અશુદ્ધતા હોય તો મટે છે. ધ્રુવ (આત્મદ્રવ્ય) અશુદ્ધ હોય તો (અશુદ્ધતા) મટે જ નહીં, તો તો (આત્મા) અશુદ્ધ કાયમ રહે!
આહા...હા! ધીમે.. થી... સમજવાની વાત છે બાપુ આ તો! વીતરાગ મારગ છે ભાઈ...! પરમેશ્વર ત્રિલોકનાથ! જિનેશ્વરની વાણી સીધી છે ‘આ’! સંતો દ્વારા, બહાર આવી છે.
આહા..! એ કર્મનું પરિણામ કીધું, કોને? જીવમાં થતાં જ્ઞાનીને રાગ-દયા-દાન-વ્રત-ભક્તિ- પરમાત્માની સ્તુતિ, એ બધાં રાગ અંતરંગકર્મના પરિણામ છે. આ.. હા.. હા.. !
આંહી દ્રવ્યકર્મ, ભાવકર્મ બેય ભેગું! ઈ તો ભાઈએ પ્રશ્ન કર્યો’ તો ને પહેલાં (કે) જીવ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત છે, તો પછી આમાં ભાવકર્મ-નોકર્મથી રહિત આવ્યું, દ્રવ્યકર્મ ક્યાં આવ્યું? પણ... ઈ દ્રવ્યકર્મ જ અહીં ભાવકર્મપણે પરિણમે છે એમ લેવું છે આંહી, એટલે દ્રવ્ય, ભાવ, નોકર્મ ત્રણેય આવી ગયાં. આહા... હા..! અરે... રે! આવી વાત! લોકોને મળવી મુશ્કેલ પડે! સમજવી તો... આહાહા ભગવાન આત્મા, રાગથી ભિન્ન પડી અને પર્યાયને દ્રવ્યમાં વાળી છે! જેની જ્ઞાનની પર્યાયમાં, આખું-પૂરણ જ્ઞેયનુ જ્ઞાન થયું છે, એ જ્ઞાનીને જ્ઞાનનું લક્ષણ શું હોય? એમ પૂછયું છે.