શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩પ
(શ્રોતાઃ) પણ કુંભાર પરિણામ કરતો દેખાય છે ને...! (ઉત્તરઃ) કુંભારના પરિણામનો તે એ કર્તા. ઘડના પરિણામનો કર્તા, એ ક્યાંથી આવે? પર્યાયને અડતો ય નથી ને કુંભાર તો ઈ ઘડાની પર્યાયને અડતો ય નથી! એક બીજામાં તો અભાવ છે! આહાહા...! આહા.. !! ઈ તો ખરેખર તો કર્મનો ઉદય છે એને રાગ અડતો નથી, તેમ રાગ ઉદયને અડતો નથી. એમ રાગ સ્વભાવને ય અડતો નથી માટે વિભાવની ઉત્પત્તિ કર્મથી થઈ છે એમ કીધું છે. બાકી તો કર્મનો ઉદય થ્યોને આંહી રાગ થ્યો એવું કાંઈ નથી, રાગ છે તે ઉદય-જડના ઉદયને અડતો નથી.
છતાં... સ્વભાવનું એ કાર્ય નથી, માટે તે વિભાવનું કાર્ય, એ કર્મનું કાર્ય છે એમ કહીને કર્મના પરિણામ કીધાં છે! આહા.. હા! સમજાણું કાંઈ...?
છે ને સામે પુસ્તક? આ સાંભળવાનું મળ્યું! કાલે કહેવાય ગયું હતું ને..! ફરીથી લીધું. ‘આ’ આહા... હા! આ શરીરની જે ચેષ્ટાઓ ને શરીરની જે આકૃતિ છે, એ બધાં પરમાણુઓનાં પરિણામ છે. નોકર્મ જે શરીર છે તેનાં પરિણામ છે. આહા..! આ સુંદરતા દેખાય ને આકર્ષિત દેખાય, ઈ બધાં પરિણામ-પર્યાય-કાર્ય, તે શરીરના રજકણો છે તેનું એ કાર્ય છે. (શ્રોતાઃ) પુદ્ગલના પરિણામ છે! (ઉત્તરઃ) હા, એનું કાર્ય છે, ઈ એને આકર્ષે છે! સુંદર છે શરીરને આ છે, આ છે.. રૂપાળું છે, સુંદર છે ને નમણું છે! પણ એ તો જડની પર્યાય છે ને પ્રભુ! એ તો પુદગલ-જડ-નોકર્મની પર્યાય છે. આહા.. હા! અને રાગ દ્વેષ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, એ કર્મના પરિણામ છે! કે પર્યાયમાં ઉત્પન્ન થયેલાં, ગુણમાં ને દ્રવ્યમાં એ નથી. તો એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તે નિમિત્તને આધીન થયેલાં છે તે નિમિત્તના છે એમ કહેવામાં આવ્યું છે. આહા..! શુદ્ધ ઉપાદાનને આધીન થયેલાં એ નથી.
આહા...હા! શુદ્ધ જે જ્ઞાતા-દ્રષ્ટા, અનંત ગુણનો પિંડ પવિત્ર પ્રભુ! એને આધીન થયેલાં તો શુદ્ધ હોય એવી... અશુદ્ધતાના પરિણામ જે છે અશુદ્ધનિશ્ચયનયે તેને આંહી વ્યવહાર કહીને, તેને નિમિત્ત આધીન થયેલાં કહીને, પરમાં નાખી દીધા છે.
આહા.. હા! ભાઈ.. આવું છે! આહા.. હા! આ તો ઓગાળવા જેવું છે બાપુ! આ તો.. અનંતકાળમાં એણે કર્યું નથી, અરે.. રે! આવો મનુષ્યભવ અનંતકાળે મળે, એની કિંમતું કરીને કરવા જેવું તો ‘આ’ છે આહા..! બાકી તો બધી અજ્ઞાનદશા!! કર્તાકર્મ માને બહારમાં રખડશે. આહા..!
આહા.. હા! ‘પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ’ -ધડો તે વ્યાપ્ય એટલે કામ છે, કાર્ય છે. માટી કારણ છે તે વ્યાપક છે. એ કાર્ય-કારણ ભવનો ‘સદ્ભાવ હોવાથી’ -ધડો તે કાર્ય છે ને માટી તે કારણ છે. એ સદ્ભાવ હોવાથી ‘કર્તાકર્મપણું છે’ - માટી કર્તા ને ધડો તેનું કાર્ય, કુંભાર કર્તાને ધડો તેનું કાર્ય, એમ નથી. આવી વાતું હવે! બેસારવી! રોટલી થાય છે આ રોટલી, એ રોટલીના પરિણામ, જે લોટ છે તેના છે. એ વેલણું છે, તેનાથી એ રોટલીના પરિણામ થયા નથી. કારણ કે વેલણું છે તે લોટને અડતું’ ય નથી.
કેમકે લોટના પરમાણુઓ વેલણાંના પરમાણુઓ-બેય વચ્ચે અભાવ છે. અભાવ છે તેથી તેને અડતા નથી. આહા.. હા! તેથી તે રોટલીના પરિણામ, રોટલી પર્યાય છે ને...! એ પરિણામનો કર્તા લોટ, આ (રોટલી) લોટના પરમાણુઓ છે. આ સ્ત્રી કર્તા નહીં. તાવડી કર્તા નહીં, અગ્નિ કર્તા નહીં, વેલણું કર્તા નહીં..