જ નહિ. જ્ઞાનની પર્યાય પોતામાં તન્મય હોવાથી પોતાને જ જાણે અને અભેદ વિવક્ષાથી પ્રયોજનની સિદ્ધિ માટે વિચારીએ તો જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે તન્મય-અભેદ પરિણમે છે તેથી ખરેખર તો જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. આમ જાણનાર જ જણાય છે અને પર ખરેખર જણાતું નથી એ પૂજ્ય ગુરુદેવશ્રીનું જ મંત્રકથન છે અને આ કથન સ્વીકારવું જ રહ્યું.
પૂજ્ય ગુરુદેવશ્રી પૂર્વભવમાં વિદેહક્ષેત્રે સાક્ષાત્ બિરાજમાન સીમંધર પરમાત્મા જે જીવંત સ્વામી સર્વજ્ઞદેવ છે તેમની વાણી પ્રત્યક્ષ સાંભળીને અહીં પધારેલા તેમજ વર્તમાનકાળે ભરત ક્ષેત્રમાં અવતરીને સ્વયંબુદ્ધત્વ થઈ નિજ ચૈતન્ય ભગવાનના દર્શન પામેલ તથા ભાવિ તીર્થંકરનું દ્વવ્ય હોવાથી તેમની જે વાણી નીકળી તે અતિશયતાથી ભરેલી હતી. તે અનુભવમાંથી આવેલી દિવ્ય વાણીના ન્યાયો મર્મસ્પર્શી હોવાથી સર્વ આત્માર્થી ભવ્યજનોએ ઊંડાણથી મંથન કરીને સમજીને સ્વીકારવા યોગ્ય છે.
આ પુસ્તકના પ્રકાશન પાછળ પૂ. ગુરુદેવશ્રીની વાણી દ્વારા જાણવાની પ્રક્રિયાની સ્પષ્ટ સમજણ થાય અને કોઈ વિવાદને અવકાશ ન રહેતાં આપણે બધા ગુરુભક્તો આત્માર્થને સાધી વર્તમાન મનુષ્ય-ભવ સાર્થક બનાવવા સક્ષમ બનીએ એ જ એકમાત્ર પવિત્ર ભાવના તેમજ પ્રયોજન છે.
આ પુસ્તકની રચના થાય તે માટે કેસેટોમાંથી અક્ષરશઃ ગુરુવાણીને કાગળ ઉપર ઉતારવાની ઘણીજ મહેનત માગી લેતી કામગિરિ શ્રીદેવશીભાઈ ચાવડા, શ્રીવિનુભાઈ મહેતા તથા શ્રીજયેશભાઈ બેનાણી દ્વારા કરવામાં આવેલ છે તે સૌ પ્રથમ આભાર માનવા યોગ્ય આત્માર્થી સહકારીઓ છે. તેમના સહકાર વિના આ કાર્ય શક્ય જ ન બન્યું હોત. વળી છેલ્લા આઠેક મહિનાથી પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વારના શ્રીસમયસારજી શાસ્ત્ર ઉપરના પ્રવચનોની કેસેટો હું સાંભળું છું તેમાંથી ઉદ્ભવેલા આ પ્રકાશન માટેના ભાવને પ્રેરણા પૂરી પાડવાનું કાર્ય પરમ આદરણીય વડીલ આત્માર્થી ભાઈશ્રી લાલચંદભાઈ મોદીનો તો હું અત્યંત ઋણી છું. આર્થિક વ્યવસ્થા ગોઠવી આપવામાં તેઓશ્રીએ તેમજ વડીલ આત્માર્થી ભાઈશ્રી શાંતિભાઈ ઝવેરીએ જે નિશ્ચિંતતા મારામાં ભરી દીધી તે બદલ તેઓશ્રીનો આભાર તો માનું જ છું તથા તેઓશ્રીના પ્રયાસોથી જેઓ આ પ્રકાશનમાં આર્થિક સહયોગ આપીને સહાયક બન્યા છે તે સર્વ ગુરુભક્તોના પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશન માટેની સંપૂર્ણ આર્થિક સહાય બૃહદ્ મુંબઈના આત્માર્થી મુમુક્ષ ભાઈબહેનો તરફથીજ પૂરી પાડવામાં આવેલ છે.
આ પુસ્તકમાં સંગ્રહિત પૂ. ગુરુદેવશ્રીના મહાપ્રવચનોનો આત્માર્થના જ એકમાત્ર પ્રયોજનપૂર્વક નિજ સ્વભાવના લક્ષે ભવ્ય આત્માર્થીઓ સ્વાધ્યાય કરે એ હેતુથી આ પ્રકાશનની કોઈ વેંચાણ કિંમત ન રાખતાં સ્વાધ્યાય માટે પાત્ર જીવો ને આ પુસ્તક પ્રાપ્ત થાય એવું આયોજન કરવામાં આવેલ છે. આ પણ જિનવાણી ઉપરની વાણી છે તેથી તેની અશાતના ન થાય તેનું લક્ષ રાખવાનું યોગ્ય છે.