૪૮ શ્રી પ્રવચન રત્નો-૧
“ભાવાર્થઃ આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે.
તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કરો; અહીં પોતાનો અનુભવ પ્રધાન છે તેનાથી શુદ્ધસ્વરૂપનો નિશ્ચય કરો- એમ કહેવાનો આશય છે.”
(શું કહે છે) આચાર્યે આગમનું સેવન કરવાનું કહ્યું, તો એ આગમ કયા? આગમ એને કહીએ-અરિહંતના-સર્વજ્ઞના મુખે નીકળેલી વાત. કલ્પિત આગમો જે છે, લોકોએ કરેલાં એ નહીં. સર્વજ્ઞ, ત્રિલોકનાથ પરમાત્મા, એના મુખે નીકળેલી વાણી ‘મુખ ઓંકાર ધ્વનિ સૂનિ, અર્થ ગણધર વિચારૈ’ - એ વાણીને આગમ કહેવામાં આવે છે. અહા...! એ આગમનું સેવન આકરી વાત છે! ખરેખર તો શ્વેતાંબરના આગમ પણ એ આગમ નથી, એમ સિદ્ધ થાય છે, (તેથી) એનું સેવન અને અનુભવમાં એ નિમિત્ત થાય, એમ છે નહીં. (અનુભવમાં જે નિમિત્ત થાય) એ આ આગમ. સર્વજ્ઞે કહેલી વાણી, એને ગણધરે ગૂંથી હોય તે વાણી આગમ. આહા.. હા! એ આગમનું સેવન. એક વાત.
‘યુક્તિનું અવલંબન’ (એટલે) અન્યમતો જેટલા એકાંતિક છે, એ (સર્વની) નિસ્તુષ યુક્તિથી જેનું અમે ખંડન કર્યું છે (અર્થાત્) નિરાકરણ કરીને અમને અનુભવ થયો છે. આહા.. હા! જેટલા-૩૬૩ પાખંડ છે એ બધાનું યુક્તિથી અમે નિરાકરણ કર્યું છે કે એ વસ્તુ (એમની વાત) ખોટી છે. આહા.. હા! ઝીણી વાત બહુ...!! બે વાત.
(ત્રીજી વાત) ‘પરાપર ગુરુનો ઉપદેશ’ - આહા..! અરિહંતથી માંડીને અમારા ગુરુ પર્યંત, એની પરંપરાનો મળેલો ઉપદેશ અને ચોથું ‘સ્વસંવેદન’ (પહેલાં કહ્યાં એ) ત્રણ નિમિત્ત, ચોથું સ્વસંવેદન ઉપાદાન.
આહા.. હા! તે ચાર પ્રકારે ઉત્પન્ન થયેલી, પોતાના જ્ઞાનના વિભવથી (એટલે) મારા જ્ઞાનના, નિજના વિભવથી ‘એકત્વ-વિભક્ત’ - એકત્વ-વિભક્ત કરવું છે ને...! અંતર પૂરણ અતીન્દ્રિય જ્ઞાન આનંદથી એકત્વ છે અને રાગાદિ-વિકલ્પથી પૃથક-વિભક્ત છે. છેખરો રાગાદિ, પણ છે પૃથક! આહા... હા! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઊઠે-એ રાગથી પણ પૃથક આત્મા છે. સમજાણું કાંઈ...?
આહા.. હા! ‘સ્વસંવેદન’ -ચાર પ્રકારે (થયું તો હવે) જ્ઞાનમાં એકત્વ-વિભક્ત એવો શુદ્ધ આત્મા, એનું સ્વરૂપ (આચાર્યદેવ) દેખાડે છે.
ગમે તે પ્રકારનો શુભરાગ હો... પણ એનાથી તો પ્રભુ! આત્મતત્ત્વ ભિન્ન છે, કેમકે... એ રાગ છે તે તો આસ્રવતત્ત્વમાં જાય છે અને આત્મા છે તે તો જ્ઞાયકતત્ત્વ છે. બે તત્ત્વ જ નવતત્ત્વમાં તદ્ન જુદા છે. આહા... હા... હા.!