મેં સાહસ ખેડ્યું હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ને પાર પડ્યો છે તે પરમ પૂજ્ય પરમોપકારી
સદ્ગુરુદેવ(શ્રી કાનજીસ્વામી)નાં ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
પરમ પૂજ્ય બહેનશ્રી ચંપાબેન પ્રત્યે પણ, આ અનુવાદની પૂર્ણાહુતિ કરતાં, ઉપકારવશતાની ઉગ્ર લાગણી અનુભવાય છે. જેમનાં પવિત્ર જીવન અને બોધ આ પામરને શ્રી પ્રવચનસાર પ્રત્યે, પ્રવચનસારના મહાન કર્તા પ્રત્યે અને પ્રવચનસારમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય બહેનશ્રીનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
આ અનુવાદમાં અનેક ભાઈઓની હાર્દિક મદદ છે. માનનીય મુરબ્બી શ્રી વકીલ રામજીભાઈ માણેકચંદ દોશીએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ પણ આખો અનુવાદ ચીવટથી તપાસી ગયા છે અને પોતાના સંસ્કૃત ભાષાના તેમ જ શાસ્ત્રોના જ્ઞાનના આધારે ઉપયોગી સૂચનાઓ કરી છે. બ્રહ્મચારી ભાઈ શ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, અનુવાદનો કેટલોક ભાગ તપાસી આપ્યો છે, શુદ્ધિપત્રક, અનુક્રમણિકા અને ગાથાસૂચિ તૈયાર કર્યાં છે, તેમ જ પ્રૂફ તપાસ્યાં છે
એમ વિધવિધ મદદ કરી છે. આ સર્વ ભાઈઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. આ સિવાય જે જે ભાઈઓની આમાં મદદ છે તે સર્વનો હું ૠણી છું.
આ અનુવાદ મેં પ્રવચનસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ અને મુમુક્ષુ વાચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું.
આ અનુવાદ ભવ્ય જીવોને જિનકથિત વસ્તુવિજ્ઞાનનો નિર્ણય કરાવી, અતીન્દ્રિય જ્ઞાન અને સુખની શ્રદ્ધા કરાવી, પ્રત્યેક દ્રવ્યનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય સમજાવી, દ્રવ્યસામાન્યમાં લીન થવારૂપ શાશ્વત સુખનો પંથ દર્શાવો, એ મારી અંતરની ભાવના છે. ‘પરમાનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે’ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ મહાશાસ્ત્રની વ્યાખ્યા લખી છે. જે જીવો એમાં કહેલા પરમ કલ્યાણકર ભાવોને હૃદયગત કરશે તેઓ અવશ્ય પરમાનંદરૂપી સુધારસનાં ભાજન થશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં સુધી નિશદિન એ જ ભાવના, એ જ વિચાર, એ જ મંથન, એ જ પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ પરમાનંદપ્રાપ્તિનો