किमेकमनेकं वा । यद्येकं तर्हि द्वयोरप्येकत्वं प्राप्नोति । न च तथा । भिन्नं चेत्तदा अखण्डस्या-
જો ‘બે આંગળીનું એક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), (૧) આકાશ અભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે કે (૨) ભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી? (૧) ‘આકાશ અભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો, જે અંશ એક આંગળીનું ક્ષેત્ર છે તે જ અંશ બીજી આંગળીનું ક્ષેત્ર છે તેથી બેમાંથી એક અંશનો અભાવ થયો. એ રીતે બે વગેરે (અર્થાત્ એકથી વધારે) અંશોનો અભાવ થવાથી આકાશ પરમાણુની માફક પ્રદેશમાત્ર ઠર્યું! (માટે તે તો ઘટતું નથી.) (૨) ‘આકાશ ભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો (તે યોગ્ય જ છે કારણ કે) અવિભાગ એક દ્રવ્યમાં અંશકલ્પના ફલિત થઈ.
જો ‘બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે (અર્થાત્ એકથી વધારે ક્ષેત્ર છે, એક નથી)’ એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે) (૧) ‘આકાશ સવિભાગ (ખંડખંડરૂપ) અનેક દ્રવ્ય છે તેથી બે આંગળીનાં અનેક (એકથી વધારે) ક્ષેત્ર છે કે (૨) આકાશ અવિભાગ એક દ્રવ્ય હોવા છતાં બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે? (૧) ‘આકાશ સવિભાગ અનેક દ્રવ્ય છે તેથી બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો, આકાશ કે જે એક દ્રવ્ય છે તેને અનંતદ્રવ્યપણું ઠરે! (માટે તે તો ઘટતું નથી.) (૨) ‘આકાશ અવિભાગ એક દ્રવ્ય હોવા છતાં બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો (તે યોગ્ય જ છે કારણ કે) અવિભાગ એક દ્રવ્યમાં અંશકલ્પના ફલિત થઈ. ૧૪૦.