द्रव्याहिंसा च, सा द्विविधापि तत्र युक्ताहारे संभवति । यस्तु तद्विपरीतः स युक्ताहारो न भवति ।
ભિક્ષાચરણથી આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ આરંભશૂન્ય છે. (૧) અભિક્ષાચરણથી ( – ભિક્ષાચરણ સિવાયનો) જે આહાર તેમાં તો આરંભનો સંભવ હોવાને લીધે હિંસાયતનપણું પ્રસિદ્ધ હોવાથી તે આહાર યુક્ત ( – યોગ્ય) નથી; વળી (૨) એવા આહારના સેવનમાં (સેવનારની) અંતરંગ અશુદ્ધિ વ્યક્ત ( – પ્રગટ) હોવાથી તે આહાર યુક્તનો ( – યોગીનો) નથી.
દિવસે આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ સમ્યક્ (બરાબર) જોઇ શકાય છે. (૧) અદિવસે (દિવસ સિવાયના વખતમાં) આહાર તો સમ્યક્ જોઈ શકાતો નથી તેથી તેને હિંસાયતનપણું અનિવાર્ય હોવાથી તે આહાર યુક્ત ( – યોગ્ય) નથી; વળી (૨) એવા આહારના સેવનમાં અંતરંગ અશુદ્ધિ વ્યક્ત હોવાથી તે આહાર યુક્તનો ( – યોગીનો ) નથી.
રસની અપેક્ષા વિનાનો આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ અંતરંગ શુદ્ધિથી સુંદર છે. (૧) રસની અપેક્ષાવાળો આહાર તો અંતરંગ અશુદ્ધિ વડે અત્યંતપણે હિંસાયતન કરવામાં આવતો થકો યુક્ત ( – યોગ્ય) નથી; વળી (૨) તેનો સેવનાર અંતરંગ અશુદ્ધિ વડે સેવનારો હોવાથી તે આહાર યુક્તનો ( – યોગીનો) નથી.
મધ -માંસ રહિત આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તેને જ હિંસાયતનપણાનો અભાવ છે. (૧) મધ -માંસ સહિત આહાર તો હિંસાયતન હોવાથી યુક્ત ( – યોગ્ય) નથી; વળી (૨) એવા આહારના સેવનમાં અંતરંગ અશુદ્ધિ વ્યક્ત હોવાથી તે આહાર યુક્તનો ( – યોગીનો ) નથી. અહીં મધ -માંસ હિંસાયતનનું ઉપલક્ષણ છે તેથી (‘મધ -માંસ રહિત આહાર યુક્તાહાર છે’ એ કથન દ્વારા એમ સમજવું કે) સમસ્તહિંસાયતનશૂન્ય આહાર તે જ યુક્તાહાર છે. ૨૨૯.