ભાવાર્થઃ — કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ — એ છ કારકોનાં નામ છે. જે સ્વતંત્રપણે (સ્વાધીનપણે) કરે તે કર્તા; કર્તા જેને પહોંચે — પ્રાપ્ત કરે તે કર્મ; સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ; કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન; જેમાંથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન; જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. આ છ કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનાં છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય કારકો છે.
વ્યવહાર કારકોનું દ્રષ્ટાંત આ પ્રમાણે છેઃ કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર, દોરી વગેરે કરણ છે; જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે તેથી જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે. આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તાહર્તા થઈ શક્તું નથી માટે આ વ્યવહાર છ કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ.
નિશ્ચય કારકોનું દ્રષ્ટાંત આ પ્રમાણે છેઃ માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે — પ્રાપ્ત કરે છે તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે; અથવા, ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમનસ્વભાવથી માટીએ ઘડો કર્યો તેથી માટી પોતે જ કરણ છે; માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે; માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાનાથી, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે.
ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઈ