Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 133-134.

< Previous Page   Next Page >


Page 103 of 186
PDF/HTML Page 115 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૦૩ અપેક્ષાએ અધિક રાગભાવ છે તેથી રાતનું ભોજન બહુ ઓછા માણસોને હોય છે. એ સ્વાભાવિક વાત છે કે દિવસે ભોજન કરવાથી જેટલું સારી રીતે પાચન થાય છે અને જેટલું સારું સ્વાસ્થ્ય રહે છે તેટલું રાત્રે ખાવાથી કદી રહી શકતું નથી. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ અને દિવસે જ ખાવું જોઈએ. તેથી શંકાકારની જે શંકા હતી તેનું નિરાકરણ થયું. ૧૩૨.

રાત્રિભોજનમાં દ્રવ્યહિંસા

अर्कालोकेन विना भुञ्जानः परिहरेत् कथं हिंसाम्।
अपि बोधितः प्रदीपे
भोज्यजुषां सूक्ष्मजीवानाम्।। १३३।।

અન્વયાર્થઃ– તથા [अर्कालोकेन विना] સૂર્યના પ્રકાશ વિના રાત્રે [भुञ्जानः] ભોજન કરનાર મનુષ્ય [बोधितः प्रदीपे] સળગાવેલા દીવામાં [अपि] પણ [भोज्यजुषां] ભોજનમાં મળેલા [सूक्ष्मजीवानाम्] સૂક્ષ્મ જંતુઓની [हिंसा] હિંસા [कथं] કેવી રીતે [परिहरेत्] છોડી શકે?

ટીકાઃ– ‘बोधिते प्रदीपे अपि अर्कालोकेन विना भुञ्जानः भोज्यजुषां सूक्ष्मजन्तूनाम् हिंसां कथं परिहरेत्’–અર્થઃ–રાત્રે દીવો સળગાવવા છતાં પણ સૂર્યના પ્રકાશ વિના રાત્રે ભોજન કરનાર મનુષ્ય, ભોજનમાં પ્રીતિ રાખનાર જે સૂક્ષ્મ જંતુઓ વગેરે છે તેની હિંસાથી બચી શકતો નથી.

ભાવાર્થઃ– જે પુરુષ રાત્રે દીવા વિના ભોજન કરે છે તેના આહારમાં જો મોટા મોટા ઉંદર વગેરે પણ આવી જાય તોય ખબર પડતી નથી, અને જે પુરુષ રાત્રે દીવો સળગાવી ભોજન કરે છે તેના ભોજનમાં દીવાના સંબંધથી તથા ભોજ્યપદાર્થના સંબંધથી આવનારા નાનાં નાનાં પતંગિયાં, ફૂદાં વગેરે અવશ્ય ભોજનમાં પડે છે અને તેમની અવશ્ય હિંસા થાય છે. તે કારણે એમ સાબિત થયું કે રાત્રે ભોજન કરનાર મનુષ્ય દ્રવ્યહિંસા અને ભાવહિંસા–એ બન્ને પ્રકારની હિંસાને રોકી શકતો નથી. માટે અહિંસાવ્રત પાળનારે રાત્રિભોજન અવશ્ય ત્યાગવું જોઈએ. જે મનુષ્ય રાત્રે શિંગોડાંનાં ભજિયાં વગેરે બનાવીને ખાય છે તેઓ પણ બન્ને પ્રકારની હિંસા કરે છે. ૧૩૩.

किं वा बहुप्रलपितैरिति सिद्धं यो मनोवचनकायैः।
परिहरति रात्रिभुक्तिं
सततमहिंसां स पालयति।। १३४।।