પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૨૩ મરવા–જીવવાનો કોઈ સંબંધ નથી. બસ એ જ બન્નેમાં ભેદ છે. તેથી ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેકનો પણ ત્યાગ કરવો જોઈએ કેમ કે એક સાધારણ વનસ્પતિના એક શરીરમાં અનંતાનંત જીવ રહે છે. તેથી જ્યારે આપણે એક બટેટું ખાઈએ છીએ ત્યારે અનંતાનંત જીવોનો ઘાત કરીએ છીએ.
હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમકે એક બટેટું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણાં શરીર છે, તે બધાં શરીરના પિંડને ‘સ્કંધ’ કહીએ છીએ. (જેમ એક આપણું શરીર છે) અને તે એક સ્કંધમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘અંડર’ છે (જેમ આપણા શરીરમાં હાથ, પગ વગેરે ઉપાંગ છે) અને એક અંડરમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘પુલવી’ છે, (જેમ આપણા હાથને આંગળીઓ છે) અને એક પુલવીમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘આવાસ’ છે, (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે) અને એક ‘આવાસ’માં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના ‘શરીર’ છે. (જેમ એક વેઢામાં અનેક રેખાઓ છે) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ (મુક્તાત્મા)ની રાશિથી અનંતગુણા જીવ છે (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટૂકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૨.
અન્વયાર્થઃ– [च] અને [प्रभूतजीवानाम्] ઘણા જીવોના [योनिस्थानं] ઉત્પત્તિસ્થાનરૂપ [नवनीतं] નવનીત અર્થાત્ માખણ [त्याज्यं] ત્યાગ કરવા યોગ્ય છે. [वा] અથવા [पिण्डशुद्धौ] આહારની શુદ્ધિમાં [यत्किञ्चित्] જે થોડું પણ [विरुद्धं] વિરુદ્ધ [अभिधीयते] કહેવામાં આવે છે [तत्] તે [अपि] પણ ત્યાગ કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘च प्रभूत जीवानां योनिस्थानं नवनीतं त्याज्यं वा पिण्डशुद्धौ यत्किञ्चित् विरुद्धं अभिधीयते तत् अपि त्याज्यम्।’ અર્થઃ–ઘણા જીવોને ઊપજવાનું સ્થાન એવું માખણ અને તાજું માખણ તે પણ ત્યાગ કરવા યોગ્ય છે અને આહારશુદ્ધિમાં જે કાંઈ પણ નિષિદ્ધ છે તે બધું જ છોડવું જોઈએ.