૧૩૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘मोक्षकारणगुणानां संयोगः पात्रं त्रिभेदं उक्तं सकलविरतः च विरताविरतः च अविरतसम्यग्द्रष्टिः च इति।’–અર્થઃ–મોક્ષના કારણ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર– એ ત્રણેનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્યપાત્રના ભેદથી તેના ત્રણ પ્રકાર છે.
ભાવાર્થઃ– સમ્યક્ત્વસહિત મુનિને ઉત્તમપાત્ર, સમ્યક્ત્વસહિત દેશવ્રત પાળનાર શ્રાવકને મધ્યમપાત્ર અને વ્રતરહિત સમ્યક્ત્વસહિત શ્રાવકને જઘન્યપાત્ર કહે છે. જે જીવને સમ્યગ્દર્શન થઈ ગયું છે તે જ પાત્ર કહેવાવાને યોગ્ય છે. સમ્યગ્દર્શનના અભાવમાં કોઈ પ્રકારની પાત્રતા હોઈ શકતી નથી. તેથી દ્રવ્યલિંગી મુનિ પાત્ર નથી પણ ઉત્તમ કુપાત્ર છે, કેમ કે તેને સમ્યગ્દર્શન નથી. પણ અહીં વિચારવા જેવી વાત એ છે કે પાત્રના ભેદ વ્યવહારસમ્યગ્દર્શનની અપેક્ષાથી છે કે નિશ્ચયસમ્યગ્દર્શનની અપેક્ષાએ? જો નિશ્ચયસમ્યગ્દર્શનની અપેક્ષાએ માનવામાં આવે તો તો ઉત્તમપાત્રની ઓળખાણ કરવી તે કુપાત્રની બુદ્ધિની બહારની વાત છે અને જો વ્યવહારસમ્યગ્દર્શનની અપેક્ષાએ માનવામાં આવે તો પહેલા ગુણસ્થાનવાળો જીવ પણ વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે છે અને તે ઉત્તમપાત્રની ગણનામાં આવી શકે છે. તેથી દ્રવ્યલિંગી મુનિ પણ ઉત્તમપાત્ર હોઈ શકે છે અને એ જ ઠીક લાગે છે. કારણ કે પાત્રની ઓળખાણ કરવી એ શ્રાવકનું કામ છે. શ્રાવક જે વાતની જેટલી પરીક્ષા કરી શકે છે તેટલી જ કરશે તેથી દ્રવ્યલિંગીને પણ (વ્યવહાર) પાત્રતા હોઈ શકે છે. માટે વ્યવહારસમ્યગ્દર્શનથી પાત્રોની પરીક્ષા કરીને તેમને યથાયોગ્ય વિનય, આદરપૂર્વક દાન દેવું અને તે સિવાય દુઃખી પ્રાણીઓને ભક્તિભાવ વિના કરુણાથી દાન આપવું જોઈએ.
જે દુઃખી નથી, પોતાની આજીવિકા કરવાને સમર્થ છે, વ્યસની અને વ્યભિચારી છે તેમને દાન ન આપવું જોઈએ. તેમને દાન આપવાથી અનેક પાપ ઉત્પન્ન થાય છે, માટે એવા જીવોને દાન નહિ આપવું જોઈએ. ઉત્તમપાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગભૂમિ, મધ્યમપાત્રને દાન દેવાથી મધ્યમ ભોગભૂમિ, અને જઘન્યપાત્રને દાન દેવાથી જઘન્ય ભોગભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગભૂમિ મળે છે. અપાત્રને દાન આપવાથી નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે.
જેમ કે રયણસારમાં કહ્યું છે કેઃ–
लोहीणं दाणं जई विमाण सोहा सव्वस्स जाणेह।।