અન્વયાર્થઃ– [आगमे] જૈન આગમમાં [चारित्रान्तर्भावात्] ચારિત્રનું અન્તર્વર્તી હોવાથી [तपः] તપને [अपि] પણ [मोक्षाङ्गम्] મોક્ષનું અંગ [गदितम्] કહેવામાં આવ્યું છે, તેથી [अनिगूहितनिजवीर्यैः] પોતાનું પરાક્રમ ન છુપાવનાર તથા [समाहितस्वान्तैः] સાવધાન ચિત્તવાળા પુરુષોએ [तदपि] તે તપનું પણ [निषेव्यम्] સેવન કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘चारित्रान्तर्भावात् तपः अपि आगमे मोक्षाङ्गम् गदितम् अतः एव अनिगूहितनिजवीर्यैः समाहितस्वान्तैः तदपि निषेव्यम्।’ અર્થઃ–સમ્યક્ચારિત્રમાં સમાવેશ પામતું હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું છે, તેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના પોતાનું મન વશ રાખી તે તપનું પણ આચરણ કરવું જોઈએ.
ભાવાર્થઃ– તપ એક પ્રકારે વ્યવહારચારિત્ર છે. (ભૂતાર્થનો આશ્રય કરનારને) વ્યવહારચારિત્રથી નિશ્ચયચારિત્ર કે જે સમ્યક્ચારિત્ર છે તેની પ્રાપ્તિ થાય છે અર્થાત્ એ નિયમ છે કે તપશ્ચરણ વિના નિશ્ચય સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી તેથી મોક્ષ ઇચ્છનાર પુરુષોએ અવશ્ય તપ ધારણ કરવું જોઈએ. ૧૯૭.
[નોંધઃ– ચારિત્ર તો વીતરાગતા છે અને તે નિજ શુદ્ધાત્માના આશ્રયે જ પ્રગટે છે. પણ ત્યાં તે કાળે વ્યવહારચરણ કેવું હોય તે બતાવવા તેને વ્યવહારનયથી કારણ કહ્યું છે. રાગ છે તે બાધક જ છે પણ તે તે ભૂમિકાને યોગ્ય રાગ તે ગુણસ્થાનનો નાશક નથી એટલો મેળ બતાવવા માટે ઉપચાર–વ્યવહાર નિરૂપણની એ રીત છે. રાગ કરતાં કરતાં નિશ્ચયચારિત્ર થાય નહિ એમ પ્રથમથી જ નિઃસંદેહપણે પ્રતીતિ કરવી જોઈએ.]
બાહ્ય અને અંતરંગ એવા ભેદથી તપ બે પ્રકારનું છે. પહેલાં બાહ્ય તપના ભેદ બતાવે છેઃ–