Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 161 of 186
PDF/HTML Page 173 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૬૧ જ્યારે આ શરીર, મન અને વચન પણ આત્માથી જુદાં છે તો આ પ્રગટરૂપે જુદાં એવાં ઘર, મકાન વગેરે એક કેવી રીતે હોઈ શકે? આ જાતનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના છે.

૬. અશુચિ ભાવના–આ શરીર સદૈવ નવદ્વારથી વહેતા મળ–મૂત્રનો ખજાનો મહા અશુચિરૂપ છે અને આત્મા જ્ઞાનમય મહા પવિત્ર છે, તો આત્માનો શરીરાદિથી સંબંધ કેવી રીતે હોઈ શકે? એમ વારંવાર ચિંતવન કરવું તે છઠ્ઠી અશુચિ ભાવના છે.

૭. આસ્રવ ભાવના–પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨પ કષાય, ૧પ યોગ–એ આસ્રવના પ૭ ભેદ છે. આ ભેદો વડે આ જીવ હંમેશાં કર્મોનો આસ્રવ કર્યા કરે છે. જ્યાંસુધી (શુદ્ધભાવરૂપ સંવર વડે) તે આસ્રવોનો ત્યાગ ન થાય ત્યાંસુધી આ જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. અર્થાત્ જીવને આ આસ્રવ જ દુઃખદાયક પદાર્થ છે –એમ વારંવાર ચિંતવન કરવું તેને જ આસ્રવભાવના કહે છે.

૮. સંવર ભાવના–કર્મોના આગમનને રોકવું તેને જ સંવર કહે છે. આ સંવર જ સંસારથી છોડાવનાર અને મોક્ષમાં પહોંચાડનાર છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ, પાંચ પ્રકારના ચારિત્ર –એ બધાં સંવરનાં કારણ છે. બધા પ્રાણીઓએ આ બધાં કારણોને ધારણ કરી સંવરની પ્રાપ્તિ કરવી જોઈએ. –એવું વારંવાર ચિંતવન કરવું તેને જ સંવર ભાવના કહે છે.

૯. નિર્જરા ભાવના–કર્મોનો એકદેશ ક્ષય થવો તેને નિર્જરા કહે છે. આ નિર્જરા બે પ્રકારની છેઃ સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા તો સંસારના સમસ્ત જીવોને સદૈવ થયા જ કરે છે પણ અવિપાક નિર્જરા તપ વગેરે કરવાથી જ થાય છે અને અવિપાક નિર્જરા વિના જીવ સંસારથી મુક્ત થઈ શકતો નથી. માટે મોક્ષાર્થી જીવોએ આ અવિપાક નિર્જરા અવશ્ય કરવી જોઈએ. –એવું વારંવાર ચિંતવન કરવું તેને જ નિર્જરા ભાવના કહે છે.

૧૦. લોક ભાવના–આ અનાદિનિધન લોક કોઈએ બનાવ્યો નથી, કોઈ એનો રક્ષક નથી કે કોઈ એનો નાશ કરનાર નથી. એ સ્વયંસિદ્ધ અવિનાશી–કદી પણ નાશ ન પામનાર છે. આ લોકના ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. આ જીવ અનાદિકાળથી આ ત્રણે લોકમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ત્રણે લોકમાં સુખનો અંશ પણ નથી, એ મહાન દુઃખની ખાણ છે. આ લોકનો નિવાસ કયારે ટૂટે એવો વારંવાર વિચાર કરવો એને જ લોકભાવના કહે છે.