૧૭૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય વગેરે આપતા હોય અને ભંડારી તેને આપવા દેતો નથી, તેવી જ રીતે અંતરાય કર્મ પણ આત્માને પ્રાપ્ત થનાર પદાર્થોમાં અનેક પ્રકારનાં વિઘ્ન નાખીને તે પદાર્થ પ્રાપ્ત થવા દેતું નથી. – આ રીતે આ આઠે કર્મોનો સ્વભાવ છે. એ પોતપોતાના સ્વભાવ સહિત જીવ સાથે સંબંધ કરે છે.
હવે પ્રદેશબંધનું વર્ણન કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી એક એક પ્રદેશ સાથે કર્મનાં અનંતાનંત પરમાણુ બંધાય અર્થાત્ જીવના પ્રદેશ અને કર્મનાં પરમાણુ–બન્ને એકક્ષેત્રાવગાહ થઈને રહે તેને પ્રદેશબંધ કહે છે.
હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. જે કર્મ (જીવની સાથે રહેવાની) પોતાની સ્થિતિસહિત બંધાય તેને સ્થિતિબંધ કહે છે. જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય–આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરની છે અને મોહનીય કર્મમાંથી દર્શનમોહનીયની ૭૦ ક્રોડાક્રોડીની અને ચારિત્રમોહનીયની ૪૦ ક્રોડાક્રોડી સાગરની છે. નામ અને ગોત્રકર્મની સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરની છે. આયુકર્મની સ્થિતિ ૩૩ સાગરની છે. આ બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ. જઘન્ય સ્થિતિ નામ ગોત્રની આઠ મુહૂર્ત, વેદનીયની બાર મુહૂર્ત, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અને આયુ એ પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મધ્યમસ્થિતિના અનંત ભેદ છે. આ પ્રકારે સ્થિતિબંધનું નિરૂપણ કર્યું.
હવે અનુભાગબંધનું વર્ણન કરે છે. કર્મોમાં જે ફળ દેવાની શક્તિ હોય છે તેને જ અનુભાગબંધ કહે છે. આ અનુભાગબંધ ઘાતીકર્મોનો તો કેવળ અશુભરૂપ જ હોય છે અને અઘાતીકર્મોનો શુભરૂપ અને અશુભરૂપ બન્ને પ્રકારનો હોય છે. જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય–એ ચાર કર્મોનો લતા–લાકડું–હાડકાં અને પથ્થરરૂપ ક્રમથી વધતો વધતો બંધ થાય છે અને નામ, ગોત્ર, વેદનીય આયુ–આ ચાર કર્મોનો જો શુભરૂપ હોય તો ગોળ, ખાંડ, સાકર અને અમૃત સમાન શુભફળ આપે છે અને જો અશુભરૂપ હોય તો લીંબડો, કાંજી, વિષ અને હળાહળ સમાન અશુભ ફળ આપે છે.–આ રીતે આ બધાં કર્મોનો વિપાક થયા કરે છે. આ રીતે ચારે પ્રકારના બંધનું વર્ણન કર્યું. ૨૧પ.