પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૭
ભાવાર્થઃ– ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણો જોઈએ. પણ વ્યવહાર અને નિશ્ચયનયનું જાણપણું મુખ્ય જોઈએ. શા માટે? જીવોને અનાદિનો અજ્ઞાનભાવ છે તે મુખ્ય (– નિશ્ચય) કથન અને ઉપચાર (–વ્યવહાર)કથનના જાણપણાથી દૂર થાય છે. ત્યાં મુખ્ય કથન તો નિશ્ચયનયને આધીન છે. તે જ બતાવીએ છીએ. ‘‘સ્વાશ્રિત તે નિશ્ચય.’’ જે પોતાના જ આશ્રયે હોય તેને નિશ્ચય કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, પરમાણુમાત્ર પણ અન્ય કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. તેનું જે કથન તેને મુખ્ય કહીએ. એને જાણવાથી અનાદિ શરીરાદિ પરદ્રવ્યમાં એકત્વશ્રદ્ધાનરૂપ અજ્ઞાનભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થાય છે. ત્યાં પરમાનંદદશામાં મગ્ન થઈ કેવળદશાને પામે છે. જે અજ્ઞાની આને જાણ્યા વિના ધર્મમાં લાગે છે તે શરીરાશ્રિત ક્રિયાકાંડને ઉપાદેય જાણી, સંસારનું કારણ જે શુભોપયોગ તેને જ મુક્તિનું કારણ માની, સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો સંસારમાં ભમે છે. તેથી મુખ્ય (–નિશ્ચય) કથનનું જાણપણું અવશ્ય જોઈએ. તે નિશ્ચયનયને આધીન છે તેથી ઉપદેશદાતા નિશ્ચયનયના જાણનાર જોઈએ. કારણ કે પોતે જ ન જાણે તે શિષ્યોને કેવી રીતે સમજાવી શકે?
વળી ‘‘પરાશ્રિતો વ્યવહારઃ’’ જે પરદ્રવ્યને આશ્રિત હોય તેને વ્યવહાર કહીએ. કિંચિત્માત્ર કારણ પામીને અન્ય દ્રવ્યનો ભાવ અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત કહે છે. તેનું જે કથન તેને ઉપચાર કથન કહે છે. એને જાણીને શરીરાદિ સાથે સંબંધરૂપ સંસારદશા છે તેને જાણીને, સંસારનાં કારણ જે આસ્રવબંધ તેને ઓળખી, મુક્તિ થવાના ઉપાય જે સંવર– નિર્જરા તેમાં પ્રવર્તે. અજ્ઞાની એને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા ઈચ્છે છે તે પહેલાં જ વ્યવહારસાધનને છોડીને પાપાચરણમાં જોડાઈ, નરકાદિક દુઃખસંકટમાં જઈને પડે છે. તેથી ઉપચાર કથનનું પણ જાણપણું જોઈએ. તે વ્યવહારનયને આધીન છે તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઇએ. આ રીતે બન્ને નયોના જાણનાર આચાર્ય ધર્મતીર્થના પ્રવર્તક છે, બીજા નહિ. ૪.
આગળ કહે છે કે આચાર્ય બેય નયોનો ઉપદેશ કેવી રીતે કરે છે?
भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः।। ५।।