૩૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘‘रत्नत्रयतेजसा सततं एव आत्मा प्रभावनीयः’’– રત્નત્રયના તેજથી નિરંતર પોતાના આત્માને પ્રભાવનાસંયુક્ત કરવો જોઈએ. અને ‘‘दानतपोजिनपूजाविद्यातिशयैः जिनधर्मः प्रभावनीयः’’– વળી દાન, તપ, જિનપૂજા, વિદ્યા, ચમત્કારાદિ વડે જૈનધર્મને ૧પ્રભાવનાસંયુક્ત કરવો.
ભાવાર્થઃ– પ્રભાવના એટલે અત્યંતપણે પ્રગટ કરવું. પોતાના આત્માનો અતિશય તો રત્નત્રયનો પ્રતાપ વધવાથી પ્રગટ થાય છે. અને જૈનધર્મનો અતિશય ઘણાં દાન–દયાવડે ઉગ્ર તપ કરીને, ખૂબ ધન ખર્ચી ભગવાનની પૂજા કરાવીને, શાસ્ત્રાભ્યાસ કરીને તથા નિર્દોષ દેવાદિના ચમત્કારવડે (જૈનધર્મની મહિમા) પ્રગટ થાય છે, તેથી આવો અતિશય પ્રગટ કરવો. આ રીતે સમ્યકત્વનાં આઠ અંગ કહ્યાં તે કોઈ સમ્યગ્દ્રષ્ટિને પૂરેપરાં હોય છે, કોઈને થોડા હોય છે, કોઈને ગૌણપણે હોય છે, કોઈને મુખ્યરૂપે હોય છે. પરંતુ સમ્યકત્વની શોભા તો ત્યારે જ થાય જ્યારે એ આઠે અંગ સંપૂર્ણ મુખ્યપણે, પ્રગટ પ્રત્યક્ષ ભાસે. આ રીતે સમ્યકત્વ અંગીકાર કર્યા પછી ધર્મી ગૃહસ્થે શું કરવું તે આગળ કહીએ છીએ. ૩૦.
આ પ્રમાણે શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ ઉપાય જેનું બીજું નામ પ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યગ્દર્શન વર્ણન નામે પ્રથમ અધિકાર. _________________________________________________________________
૧. પ્રભાવના અજ્ઞાન–અંધકારનો ફેલાવ તેને જે રીતે થઈ શકે તે રીતે દૂર કરીને જિનશાસનનાં માહાત્મ્યનો પ્રકાશ કરવો તે પ્રભાવના છે. (રત્ન. શ્રાવકાચાર ગા. ૧૮)