૩૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રમાણ નામ સમ્યગ્જ્ઞાનનું છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારે છે. ત્યાં પ્રત્યક્ષના બે ભેદ છે. જે જ્ઞાન કેવળ આત્માને જ આધીન થઈ જેટલો પોતાનો વિષય છે તેને વિશદતાથી સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહીએ. તેના પણ બે ભેદ છે. અવિધજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન તો એકદેશ પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ છે વળી જે નેત્રાદિ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિકને સાક્ષાત્ ગ્રહણ કરે અર્થાત્ જાણે તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહીએ. પરમાર્થથી આ જાણવું પરોક્ષ જ છે, કારણ કે સ્પષ્ટ જાણપણું નથી. તેનું ઉદાહરણઃ– જેમ આંખ વડે કોઈ વસ્તુને સફેદ જાણી, તેમાં મલિનતાનું પણ મિશ્રણ છે. અમુક અંશ શ્વેત છે અને અમુક મલિન છે એમ આને સ્પષ્ટ પ્રતિભાસતું નથી તેથી એને વ્યવહારમાત્ર પ્રત્યક્ષ છે પરંતુ આચાર્ય પરોક્ષ જ કહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનથી જે જાણવું થાય તે બધું પરોક્ષ નામ પામે છે.
પરોક્ષ પ્રમાણ– જે જ્ઞાન પોતાના વિષયને સ્પષ્ટ ન જાણે તેને પરોક્ષ પ્રમાણ કહીએ. તેના પાંચ ભેદ છે. ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક, ૪.અનુમાન, પ. આગમ. આ પાંચ ભેદ જાણવા.
૧. સ્મૃતિ– પૂર્વે જે પદાર્થને જાણ્યો હતો તેને યાદ કરીને કાળાંતરમાં જે જાણીએ તેને સ્મૃતિ કહીએ છીએ.
૨. પ્રત્યભિજ્ઞાન– જેમ પહેલાં કોઈ પુરુષને જોયો હતો પછી તેને યાદ કર્યો કે આ તે જ પુરુષ છે જેને મેં પહેલાં જોયો હતો. જે પહેલાંની વાત યાદ કરીને પ્રત્યક્ષ પદાર્થનો નિશ્ચય કરવામાં આવે તેને પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. જેમ પહેલાં એમ સાંભળ્યું હતું કે રોઝ નામનું જાનવર (પશુ) ગાય જેવું હોય છે. ત્યાં કદાચ વનમાં રોઝને જોયું ત્યારે એ વાત યાદ કરી કે ગાય જેવું રોઝ હોય છે એમ સાંભળ્યું હતું તે રોઝ જાનવર આ જ છે.
૩. તર્ક– વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહીએ છીએ. ‘આના વિના તે નહિ’ એને વ્યાપ્તિ કહીએ. જેમ અગ્નિ વિના ધૂમાડો ન હોય, આત્મા વિના ચેતના ન હોય. આ વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહીએ.
૪. અનુમાન–લક્ષણવડે પદાર્થનો નિશ્ચય કરીએ તેને અનુમાન કહીએ છીએ. જેમ કોઈ પર્વતમાંથી ધૂમાડો નીકળતો દેખી નિશ્ચય કરવો કે અહીં અગ્નિ છે.
પ. આગમ– આપ્તનાં વચનના નિમિત્તે પદાર્થને જાણવો તેને આગમ કહીએ