Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 34.

< Previous Page   Next Page >


Page 40 of 186
PDF/HTML Page 52 of 198

 

૪૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [जिनाः] જિનેન્દ્રદેવ [सम्यग्ज्ञानं] સમ્યગ્જ્ઞાનને [कार्यं] કાર્ય અને [सम्यक्त्वं] સમ્યકત્વને [कारणं] કારણ [वदन्ति] કહે છે. [तस्मात्] તેથી [सम्यक्त्वानन्तरं] સમ્યકત્વ પછી તુરત જ [ज्ञानाराधनं] જ્ઞાનની આરાધના [इष्टम्] યોગ્ય છે.

ટીકાઃ– ‘‘जिनाः सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति’’– જિનદેવ સમ્યગ્જ્ઞાનને કાર્ય કહે છે, સમ્યકત્વને કારણ કહે છે.

ભાવાર્થઃ– મતિજ્ઞાન પદાર્થને તો જાણતું હતું પરંતુ સમ્યકત્વ વિના તેનું નામ કુમતિ અને કુશ્રુતજ્ઞાન હતું તે જ જ્ઞાન જે સમયે સમ્યકત્વ થયું તે જ સમયે મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન નામ પામ્યું, તેથી જ્ઞાન તો હતું પણ સમ્યક્પણું સમ્યક્ત્વથી જ થયું. માટે સમ્યકત્વ તો કારણરૂપ છે, સમ્યગ્જ્ઞાન કાર્યરૂપ છે. ‘तस्मात् सम्यक्त्वानन्तरं ज्ञानाराधनं इष्टम्’– માટે સમ્યકત્વ પછી જ જ્ઞાનની આરાધના યોગ્ય છે. કારણ કે કારણથી કાર્ય થાય છે. ૩૩.

પ્રશ્નઃ– કારણ–કાર્ય તો આગળ–પાછળ હોય તો કહેવાય. આ તો બન્ને સાથે છે તો કારણ–કાર્યપણું કેવી રીતે સંભવે છે? તેનો ઉત્તર આગળ કહે છે.

कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि।
दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम्।। ३४।।

અન્વયાર્થઃ– [हि] ખરેખર [सम्यक्त्वज्ञानयोः] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બન્ને [समकालं] એક સમયે [जायमानयोः अपि] ઉત્પન્ન થવા છતાં પણ [दीपप्रकाशयोः] દીવો અને પ્રકાશની [इव] જેમ [कारणकार्यविधानं] કારણ અને કાર્યની વિધિ [सुधटम्] સારી રીતે ઘટિત થાય છે.

ટીકાઃ– ‘‘हि सम्यक्त्वज्ञानयोः समकालं जायमानयोः अपि कारणकार्यविधानं सुधटम्’’– નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન એક જ સમયે ઉત્પન્ન થાય છે. તોપણ તેમાં કારણ–કાર્યનો પ્રકાર યથાર્થ વર્તે છે. કયા દ્રષ્ટાંતે? ‘दीपप्रकाशयोः इव’– જેમ દીવો અને પ્રકાશ એક જ સમયે પ્રગટ થાય છે તોપણ દીવો પ્રકાશનું કારણ છે, પ્રકાશ કાર્ય છે, કેમકે દીવાથી પ્રકાશ થાય છે. તેવી રીતે સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાનનું કારણ છે સમ્યગ્જ્ઞાન કાર્ય છે; કેમકે સમ્યકત્વથી સમ્યગ્જ્ઞાન નામ પામે છે. ૩૪.