Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 35.

< Previous Page   Next Page >


Page 41 of 186
PDF/HTML Page 53 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૪૧

આ સમ્યગ્જ્ઞાનનું લક્ષણ કહે છેઃ–

कर्त्तव्योऽध्यवसायः सदनेकान्तात्मकेषु तत्त्वेषु।
संशयविपर्य्ययानध्यवसायविविक्तमात्मरुपं तत्।। ३५।।

અન્વયાર્થઃ– [सदनेकान्तात्मकेषु] પ્રશસ્ત અનેકાન્તાત્મક અર્થાત્ અનેક સ્વભાવવાળા [तत्त्वेषु] તત્ત્વો અથવા પદાર્થોમાં [अध्यवसायः] નિર્ણય [कर्त्तव्यः] કરવા યોગ્ય છે અને [तत्] તે સમ્યગ્જ્ઞાન [संशयविपर्य्ययानध्यवसायविविक्तं] સંશય, વિપર્યય અને વિમોહ રહિત [आत्मरुपं] આત્માનું નિજ સ્વરૂપ છે.

ટીકાઃ– ‘‘सदनेकान्तात्मकेषु तत्त्वेषु अध्यवसायः कर्तव्यः’– અનેકાન્ત છે સ્વભાવ જેનો એવા પદાર્થોમાં જાણપણું કરવું યોગ્ય છે.

ભાવાર્થઃ– પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યગ્જ્ઞાન છે. તે પદાર્થ અનેકાન્ત સ્વભાવને ધારણ કરે છે. અનેક ઘણા, અંત ધર્મ. એમ પોતાના અનંતધર્મને–સ્વભાવને ધારણ કરે છે તેનું જાણપણું અવશ્ય કરવું જોઈએ. જો સમ્યક્ પ્રકારે વસ્તુને ઓળખે તો કરોડો કારણ મળવા છતાં પણ અશ્રદ્ધાની ન થાય. ‘तत् आत्मरुपं वर्तते’– તે સમ્યગ્જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. કારણ કે જે આ સાચું જ્ઞાન ઉત્પન્ન થયું છે તે કેવળજ્ઞાનમાં મળી શાશ્વત રહેશે. કેવું છે જ્ઞાન? ‘संशयविपर्ययाध्यवसाय विविक्तम्’– સંશય, વિપર્યય અને વિમોહ–એ ત્રણ ભાવથી રહિત છે.

સંશયઃ– વિરુદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમ રાત્રે કોઈને જોઈને સંદેહ થયો કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે.

વિપર્યયઃ– અન્યથા (વિપરીત) રૂપ એક તરફનું જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમકે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ કરવી.

અનધ્યવસાયઃ– ‘કાંઈક છે’ એટલું જ જાણપણું હોય, વિશેષ વિચાર ન કરે તેને અનધ્યવસાય (અથવા વિમોહ) કહે છે. જેમકે ગમન કરતાં તૃણના સ્પર્શનું જ્ઞાન થાય તે. આ ત્રણ ભાવથી રહિત યથાર્થ જ્ઞાનનું નામ સમ્યગ્જ્ઞાન કહીએ. અહીં ઘટપટાદિ પદાર્થોના વિશેષ જાણવા માટે ઉદ્યમી રહેવાનું બતાવ્યું નથી પણ સંસાર–મોક્ષના કારણભૂત જે પદાર્થો છે તેને યથાર્થ જાણવા માટે ઉદ્યમી રહેવાનો ઉપદેશ આપ્યો છે.