સમ્યગ્જ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષોએ શું કરવું તે કહીએ છીએઃ–
અન્વયાર્થઃ– [विगलितदर्शनमोहैः] જેમણે દર્શનમોહનો નાશ કર્યો છે, [समञ्जसज्ञानविदिततत्त्वार्थैः] સમ્યગ્જ્ઞાન વડે જેમણે તત્ત્વાર્થ જાણ્યા છે, [नित्यमपि निःप्रकम्पैः] જે સદાકાળ અકંપ અર્થાત્ દ્રઢચિત્તવાળા છે એવા પુરુષો દ્વારા [सम्यक्चारित्रं] સમ્યક્ચારિત્ર [आलम्ब्यम्] અવલંબન કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘सम्यक्चारित्रं आलम्ब्यम्’– સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું. કેવા જીવોએ સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું? ‘विगलितदर्शनमोहैः’– જેમના દર્શનમોહનો નાશ થયો છે અને દર્શનમોહના નાશથી જે તત્ત્વશ્રદ્ધાની થયા છે. વળી કેવા છે? ‘समञ्जसज्ञानविदिततत्त्वार्थैः’– જેમણે સમ્યગ્જ્ઞાનથી તત્ત્વાર્થ જાણ્યા છે. વળી કેવા છે? ‘नित्यमपि निःप्रकम्पैः’– ધારણ કરેલા આચરણમાં નિરન્તર નિષ્કંપ છે. ગ્રહણ કરેલા આચરણને કોઈપણ રીતે છોડતા નથી. એવા જીવોએ સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું.
ભાવાર્થઃ– પહેલાં સમ્યદ્રષ્ટિ થઈને સમ્યગ્જ્ઞાની થાય અને પછી નિશ્ચલવૃત્તિ ધારણ કરીને સમ્યક્ચારિત્ર અંગીકાર કરવાનું કારણ કહે છે. ૩૭.
ज्ञानानन्तरमुक्तं चारित्राराधनं तस्मात्।। ३८।।
અન્વયાર્થઃ– [अज्ञानपूर्वकं चरित्रं] અજ્ઞાન સહિતનું ચારિત્ર [सम्यग्व्यपदेशं] સમ્યક્ નામ [न हि लभते] પામતું નથી. [तस्मात्] માટે [ज्ञानानन्तरं] સમ્યગ્જ્ઞાન પછી [चारित्राराधनं] ચારિત્રનું આરાધન [उक्तम्] કહ્યું છે.
ટીકાઃ– ‘अज्ञानपूर्वकं चारित्रं सम्यग्व्यपदेशं न हि लभते’ જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે તેનું ચારિત્ર સમ્યક્ નામ પામતું નથી. પહેલાં જો સમ્યગ્જ્ઞાન ન હોય અને પાપક્રિયાનો ત્યાગ કરી ચારિત્રભાર ધારણ કરે તો તે ચારિત્ર સમ્યક્ નામ પામતું નથી.