૪૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય વિશેષને ન જાણે તો હિંસાનાં ઉદાહરણ અનૃત વચનાદિ કહ્યાં છે. હિંસાનો એક ભેદ અનૃત વચન છે, એક ચોરી છે– એમ ઉદાહરણરૂપે જાણવું. ૪૨.
આગળ હિંસાનું સ્વરૂપ કહે છેઃ–
અન્વયાર્થઃ– [कषाययोगात्] કષાયરૂપે પરિણમેલા મન, વચન, કાયાના યોગથી [यत्] જે [द्रव्यभावरुपाणाम्] દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકારના [प्राणानां] પ્રાણોનું [व्यपरोपणस्य करणं] વ્યપરોપણ કરવું–ઘાત કરવો [सा] તે [खलु] નિશ્ચયથી [सुनिश्चिता] સારી રીતે નક્કી કરેલી [हिंसा] હિંસા [भवति] છે.
ટીકાઃ– ‘खलु कषाययोगात् यत् द्रव्यभावरुपाणां प्राणानां व्यपरोपणस्यकरणं सा सुनिश्चिता हिंसा भवति’– નિશ્ચયથી કષાયરૂપ પરિણમેલા મન, વચન, કાયાના યોગના હેતુથી દ્રવ્યભાવરૂપ બે પ્રકારના પ્રાણોને પીડવા, ઘાતવા તે ખરેખર હિંસા છે.
ભાવાર્થઃ– પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ–કષાય પ્રગટ થયો. તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણના વ્યપરોપણથી થઈ, તે તો પહેલાં જ થઈ. બીજા હિંસા તો થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘશ્વાસાદિથી અથવા હાથ–પગવડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ. વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યા, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપ પરિણમે તેવું કાર્ય કર્યું, ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણથી હિંસા થાય છે. જ્યાં કષાયના વશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યા ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી હિંસા થઈ. આ રીતે હિંસાનું સ્વરૂપ કહ્યું. ૪૩.
આગળ હિંસા અને અહિંસાનું નિશ્ચયે લક્ષણવર્ણન કરે છેઃ–