પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૪૯
અન્વયાર્થઃ– [खलु] નિશ્ચયથી [रागादिनां] રાગાદિ ભાવોનું [अप्रादुर्भावः] પ્રગટ ન થવું [इति] એ [अहिंसा] અહિંસા [भवति] છે અને [तेषामेव] તે રાગાદિ ભાવોનું [उत्पत्तिः] ઉત્પન્ન થવું તે [हिंसा] હિંસા [भवति] છે. [इति] એવો [जिनागमस्य] જૈન સિદ્ધાન્તનો [संक्षेपः] સાર છે.
ટીકાઃ– ‘खलु रागादिनां अप्रादुर्भावः इति अहिंसा भवति’– નિશ્ચયથી રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એટલા માત્રથી અહિંસા થાય છે.
ભાવાર્થઃ– પોતાના શુદ્ધોપયોગરૂપ પ્રાણોનો ઘાત રાગાદિ ભાવોથી થાય છે. માટે રાગાદિ ભાવોના અભાવ તે જ અહિંસા. આદિ શબ્દથી દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય શોક, જુગુપ્સા, પ્રમાદાદિ સમસ્ત વિભાવભાવ જાણવા. એનાં લક્ષણ કહીએ છીએ. પોતાને કાંઈક ઈષ્ટ જાણી પ્રીતિરૂપ પરિણામ તેને રાગ કહીએ, પોતાને અનિષ્ટ જાણી અપ્રીતિરૂપ પરિણામ તેને દ્વેષ કહીએ. પરદ્રવ્યમાં મમત્વરૂપ પરિણામ તેને મોહ કહીએ, મૈથુનરૂપ પરિણામને કામ કહીએ, આણે અયોગ્ય કર્યું એમ જાણી પરને દુઃખદાયક પરિણામ તેને ક્રોધ કહીએ, બીજા કરતાં પોતાને મોટો માનવો તેને માન કહીએ, મન વચન કાયામાં એકતાનો અભાવ તેને માયા કહીએ, પરદ્રવ્ય સાથે સંબંધ કરવાની ઈચ્છારૂપ પરિણામને લોભ કહીએ, ભલી અથવા બૂરી ચેષ્ટા જોઈને વિકસિતરૂપ પરિણામ તે હાસ્ય કહીએ, પોતાને દુઃખદાયક જાણી ડરરૂપ પરિણામ તેને ભય કહીએ, પોતાને ઈષ્ટનો અભાવ થતાં આર્તરૂપ પરિણામ તેને શોક કહીએ, ગ્લાનિરૂપ પરિણામને જુગુપ્સા કહીએ, કલ્યાણકારી કાર્યમાં અનાદરને પ્રમાદ કહીએ.– ઈત્યાદિ સમસ્ત વિભાવભાવ હિંસાના પર્યાય છે. તે ન થાય એ જ અહિંસા.
‘तेषामेव उत्पत्तिः हिंसा’– તે રાગાદિભાવોનું ઊપજવું તે જ હિંસા. ‘इति जिनागमस्य संक्षेपः’– એવું જૈન સિદ્ધાન્તનું રહસ્ય છે.
ભાવાર્થઃ– જૈન સિદ્ધાન્તનો વિસ્તાર તો ઘણો ઘણો છે, પણ સર્વનું રહસ્ય સંક્ષેપમાં આટલું જ છે કે ધર્મનું લક્ષણ અહિંસા. રાગાદિ ભાવોનો અભાવ થવો તે અહિંસા. તેથી જેમ બને તેમ, જેટલો બને તેટલો રાગાદિ ભાવોનો નાશ કરવો. તે જ અન્ય ગ્રન્થોમાં કહ્યું છે– रागादीणामणुप्पा अहिंसा गत्तति देसि दंसमए ते सिंचे दुप्पत्ती हिंसेति जिणेहि णिदिठ्ठं।।
પ્રશ્નઃ– હિંસાનું લક્ષણ પર જીવના પ્રાણોને પીડવા એમ કેમ ન કહ્યું?