Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 88-89.

< Previous Page   Next Page >


Page 76 of 186
PDF/HTML Page 88 of 198

 

૭૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

धनलवपिपासितानां विनेयविश्वासनाय दर्शयताम्।
झटितिघटचटकमोक्षं श्रद्धेयं नैव खारपटिकानाम्।। ८८।।

અન્વયાર્થઃ– [धनलवपिपासितानां] થોડાક ધનના લોભી અને [विनेयविश्वासनाय दर्शयताम्] શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે દેખાડનાર [खारपटिकानाम्] ખારપટિકોના [झटितिघटचटकमोक्षं] શીઘ્ર ઘડો ફૂટવાથી ચકલીના મોક્ષની જેમ મોક્ષનું [नैव श्रद्धेयम्] શ્રદ્ધાન ન કરવું જોઈએ.

ટીકાઃ– ‘खारपटिकानां झटितिघटचटकमोक्षं नैव श्रद्धेयम्’– એક ખારપટિક મત છે; તેઓ તત્કાળ ઘડાના પક્ષીના મોક્ષ સમાન મોક્ષ કહે છે તેનું શ્રદ્ધાન ન કરવું.

ભાવાર્થઃ– કોઈ ખારપટિક નામનો મત છે, જેમાં મોક્ષનું સ્વરૂપ એવું કહ્યું છે કે જેમ ઘડામાં પક્ષી કેદ થયેલું છે, જો ઘડો ફોડી નાખવામાં આવે તો પક્ષી બંધનમાંથી મુક્ત થઈ જાય. તેમ આત્મા શરીરમાં બંધ થયેલ છે, જો શરીરનો નાશ કરીએ તો આત્મા બંધનરહિત–મુક્ત થાય. આવું શ્રદ્ધાન ન કરવું. કેમ કે આવું શ્રદ્ધાન હિંસાનું કારણ છે. અંતરંગ કાર્માણ શરીરના બંધનસહિત આત્મા એમ મુક્ત કેવી રીતે થાય? કેવા છે ખારપટિક? ‘धनलवपिपासितानाम्’– થોડાક ધનના લોભી છે. વળી કેવા છે? ‘विनेयविश्वासनाय दर्शयताम्’– શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેટલીક રીતો બતાવે છે. માટે એમના કથનનું શ્રદ્ધાન ન કરવું. ૮૮.

द्रष्टवापरं पुरस्तादशनाय क्षामकुक्षिमायान्तम्।
निजमांसदानरभसादालभनीयो न चात्मापि।। ८९।।

અન્વયાર્થઃ– [च] અને [अशनाय] ભોજન માટે [पुरस्तात्] પાસે [आयान्तम्] આવેલા [अपरं] અન્ય [क्षामकुक्षिम्] ભૂખ્યા પુરુષને [द्रष्ट्वा] જોઈને [निजमांसदानरभसात्] પોતાના શરીરનું માંસ દેવાની ઉત્સુકતાથી [आत्मापि] પોતાનો પણ [न आलभनीयः] ઘાત કરવો ન જોઈએ.

ટીકાઃ– ‘च अशनाय आयन्तं क्षामकुक्षिं पुरस्तात् द्रष्ट्वा निजमांसदानरभसात् आत्मा अपि न आलभनीयः’– ભોજન લેવા માટે આવેલા દુર્બળ શરીરવાળા મનુષ્યને પોતાની સામે જોઈને પોતાનું માંસ દેવાના ઉત્સાહથી પોતાના શરીરનો પણ ઘાત ન કરવો.