Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 106-107 Bhrahmcharya Vrat.

< Previous Page   Next Page >


Page 86 of 186
PDF/HTML Page 98 of 198

 

૮૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય હોય છે અને તે વર્ગણાઓ કોઈની આપેલી નથી માટે તેમને ચોરીનો પ્રસંગ આવે. પરંતુ પ્રમાદ અને યોગ વિના ચોરી હોતી નથી. પ્રમાદયોગ છે તે જ હિંસા છે તેથી અતિવ્યાપ્તિપણું નથી. જો હિંસા પ્રમાદ વિના ચોરી થઈ શકતી હોત તો અતિવ્યાપ્તિ દોષ આવત, પણ તે તો અહીં નથી. માટે એ વાત સિદ્ધ થઈ કે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી પણ નથી અને જ્યાં ચોરી નથી ત્યાં હિંસા પણ નથી. ૧૦પ.

ચોરીના ત્યાગનો પ્રકારઃ–

असमर्था ये कर्तुं निपानतोयादिहरणविनिवृत्तिम्।
तैरपि समस्तमपरं नित्यमदत्तं
परित्याज्यम्।। १०६।।

અન્વયાર્થઃ– [ये] જેઓ [निपानतोयादिहरणविनिवृत्तिम्] બીજાનાં કુવા, વાવ આદિ જળાશયોનું જળ વગેરેનું ગ્રહણ કરવાનો ત્યાગ [कर्तुंम्] કરવાને [असमर्था] અસમર્થ છે [तैः] તેમણે [अपि] પણ [अपरं] અન્ય [समस्तं] સર્વ [अदत्तं] દીધા વિનાની વસ્તુઓ ગ્રહણ કરવાનો [नित्यम्] હંમેશા [परित्याज्यम्] ત્યાગ કરવો યોગ્ય છે.

ટીકાઃ– ‘ये (जीवाः) निपानतोयादिहरणविनिवृत्तिम् कर्तुं असमर्थाः तैः (जीवैः) अपि नित्यं समस्तं अपरंअदत्तं परित्याज्यम्’– જે જીવો કુવા, નદીનું, જળથી માંડીને માટી વગેરે વસ્તુઓ–જે સામાન્ય જનતાના ઉપયોગને માટે હોય છે–તેના ગ્રહણનો ત્યાગ કરવા અશક્ત છે તે જીવોએ પણ હંમેશા બીજાની દીધા સિવાયની બધી વસ્તુઓના ગ્રહણનો ત્યાગ કરવો જોઈએ.

ભાવાર્થઃ– ચોરીનો ત્યાગ પણ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ હોય. તે જો બની શકે તો અવશ્ય કરવો. કદાચ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. શ્રાવક કુવા–નદીનું પાણી, ખાણની માટી કોઈને પૂછયા વિના ગ્રહણ કરે તોપણ ચોરી નામ પામે નહિ, અને જો મુનિ તેને ગ્રહણ કરે તો ચોરી નામ પામે. ૧૦૬.

કુશીલનું સ્વરૂપ

यद्वेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म।
अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सद्भावात्।। १०७।।