કહાનજૈનશાસ્ત્રમાળા ]
ત્રણ લોક, ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવી સુખકારી બીજી કોઈ વસ્તુ નથી; તે સર્વ ધર્મોનું મૂળ છે. એના વિના ધર્મના નામે થતી બધી ક્રિયા દુઃખકારી છે.
પ્રસ્તુત શ્લોક ૩૧ દર્શાવે છે કે શ્રાવકને પાંચમા ગુણસ્થાનકે અંશે નિશ્ચય મોક્ષમાર્ગ હોય છે, કેમ કે તેને જઘન્ય રત્નત્રય મોક્ષમાર્ગ ન હોય તો તેને સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર હોઈ શકે નહિ.
વળી તે ત્રણેમાં સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતા બતાવવા માટે આચાર્યે મૂળ શ્લોકમાં ‘साधिमान’ અને ‘कर्णधार’ શબ્દો વાપર્યા છે અને ટીકાકારે તેને માટે ‘ઉત્કૃષ્ટ’ અને ‘પ્રધાન’ શબ્દોનો ઉપયોગ કર્યો છે.
ભગવાન કુંદકુંદાચાર્યે પણ શ્રી પ્રવચનસાર ગાથા ૬માં સમ્યગ્દર્શનને મોક્ષમાર્ગમાં ‘પ્રધાન’ કહ્યું છે.
પ્રધાન કહેવાનું કારણ એ છે કે સંસારસમુદ્રને પાર કરવા માટે સમ્યગ્દર્શનરૂપી કર્ણધારને આધીન મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી સમ્યગ્દર્શનરૂપી કર્ણધાર વિના મોક્ષમાર્ગરૂપી નૌકા કેમ ચાલી શકે? ન જ ચાલી શકે.
વળી શ્રાવકને પોતાને સમ્યગ્દર્શન થયું છે એવી જાણ ન હોય તો તે મોક્ષમાર્ગી કેવી રીતે હોઈ શકે? માટે સિદ્ધ થયું કે સમ્યગ્દર્શનની જાણ શ્રાવકને અવશ્ય હોય જ છે.
કરણાનુયોગના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સમ્યગ્દર્શન વિના સાચો સંયમ હોઈ શકે નહિ. શ્રી ધવલ પુસ્તક ૧, પૃષ્ઠ ૧૪૪, શ્લોક ૪ની ટીકામાં લખ્યું છે કે —
‘‘સંયમન કરવાને સંયમ કહે છે. સંયમનું આ પ્રકારનું લક્ષણ કરવાથી દ્રવ્ય – યમ અર્થાત્ ભાવચારિત્રશૂન્ય દ્રવ્યચારિત્ર, સંયમ હોઈ શકતો નથી. કારણ કે સંયમ શબ્દમાં ગ્રહણ કરવામાં આવેલા ‘સં’ શબ્દથી તેનું નિરાકરણ કરી દીધું છે.’’
‘‘પૃષ્ઠ ૩૬૯માં પણ અભેદની અપેક્ષાએ પર્યાયનું પર્યાયીરૂપથી કથન કર્યું છે. ‘सम्’ ઉપસર્ગ સમ્યક્ અર્થનો વાચી છે, તેથી સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક ‘यताः’ અર્થાત્ જેઓ બહિરંગ અને અંતરંગ આસ્રવોથી વિરત છે તેમને સંયત કહે છે.’’
વળી ધવલ પુસ્તક ૧૩ પૃષ્ઠ ૨૮૮માં શંકા – સમાધાન દ્વારા કહ્યું છે કે —
શંકાઃ — ચારિત્રથી શ્રુતજ્ઞાનની પ્રધાનતા કયા કારણથી છે?