કહાનજૈનશાસ્ત્રમાળા ]
જોકે અપ્રત્યાખ્યાનાવરણના ઉદયને લીધે તેને દેશચારિત્ર અને પ્રત્યાખ્યાનાવરણના ઉદયને લીધે સકલચારિત્ર પ્રગટ્યું નથી, તોપણ તેને દેહાદિક પરદ્રવ્ય તથા રાગ – દ્વેષાદિ કર્મજનિત પરભાવમાં એવું દ્રઢ ભેદજ્ઞાન થયું છે કે તે પોતાના જ્ઞાન-દર્શનરૂપ જ્ઞાન- સ્વભાવમાં જ આત્મબુદ્ધિ રાખે છે અને પર્યાયમાં આત્મબુદ્ધિ સ્વપ્નમાં પણ રાખતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ ચિંતવન કરે છે કે – ‘ભગવાન અને પરમાગમનું શરણ ગ્રહી, અંતર્મુખ થઈ, જ્ઞાનદ્રષ્ટિથી અવલોકન કર. સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ – એ તારું સ્વરૂપ નથી, તે પુદ્ગલનું સ્વરૂપ છે. ક્રોધાદિ કષાય – ભાવ કર્મજનિત વિકાર છે, તે તારા સ્વરૂપથી ભિન્ન છે. દેવ, મનુષ્યાદિક પર્યાય તથા મનુષ્યાદિક ચાર ગતિ આત્માનું સ્વરૂપ નથી, તે કર્મજનિત છે, વિનાશિક છે.’
વળી તે ચિંતવે છે કે – ‘હું ગોરો કે શ્યામ નથી, રાજા કે રંક નથી, બળવાન કે નિર્બળ નથી, સ્વામી કે સેવક નથી, રૂપવાન કે કુરૂપ નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય નથી, સ્ત્રી કે પુરુષ નથી, હું દેહ, ઇન્દ્રિયો કે મન નથી; કારણ કે એ સર્વે કર્મના ઉદયજનિત પુદ્ગલના વિકાર છે. એ રૂપ આત્માનું નથી, મારું સ્વરૂપ તો જ્ઞાતા – દ્રષ્ટા છે વગેરે.’
સમ્યગ્દ્રષ્ટિને આવું ભેદજ્ઞાન હોવાથી તેને પરમાં આત્મબુદ્ધિ, પર્યાયબુદ્ધિ, નિમિત્તબુદ્ધિ, વ્યવહારબુદ્ધિ અને કર્તાબુદ્ધિ છૂટી જાય છે, તેથી પરભાવોથી વિમુખ થઈ તે સ્વસન્મુખ થાય છે અને સત્ય શ્રદ્ધા – જ્ઞાનના બળથી યા જ્ઞાન – વૈરાગ્ય શક્તિના પ્રભાવથી તે આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર અભ્યાસ કરે છે અને નિર્વિકાર – અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે.
આવો અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે પણ સમ્યક્ત્વનો જ મહિમા છે, માટે મોક્ષાર્થીએ પ્રથમ તેને જ ધારણ કરવું જોઈએ. આત્માર્થીને સાંસારિક સુખ તો ધાન્ય સાથે ઘાસની જેમ સહજ પ્રાપ્ય છે. ૪૧.